23 જાન્યુઆરી એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ જેમણે દેશને 'તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા', 'દિલ્હી ચલો' તેમજ 'જય હિંદ' જેવા નારા આપ્યા છે. ભારતની આઝાદીની ચળવળની વાત આવે અને સુભાષચંદ્ર બોઝનું નામ યાદ ન આવે તેવું શક્ય જ નથી. નેતાજી જ એ વ્યક્તિ હતા જેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારની સ્થાપના કરી જેને વિશ્વના અનેક દેશોએ માન્યતા પણ આપી હતી. નેતાજીની 'આઝાદ હિંદ ફૌજ' દ્વારા જાપાનના સહયોગથી આંદામાન-નિકોબાર ટાપુને બ્રિટિશ શાસનમાંથી મુક્ત જાહેર કરાયા હતા તેમજ તેને અનુક્રમે શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ નામ અપાયું હતું. દુઃખની વાત એ છે કે દેશ માટે આટલું કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝના નિધન અંગે સર્જાયેલું રહસ્ય આજે પણ અકબંધ છે. નેતાજીના મૃત્યું સંદર્ભે ફિગેસ રિપોર્ટ, 1946, શાહ નવાઝ સમિતિ (1956), ખોશલા કમિશન (1970), મુખરજી કમિશન (2005) તેમજ જાપાન સરકારના 1956ના રિપોર્ટ સહિત અનેક તપાસ તેમજ દસ્તાવેજ તૈયાર કરાયા હતા પરંતુ સરકાર દ્વારા નેતાજીના મૃત્યું સંબંધિત કોઇપણ દસ્તાવેજને સાર્વજનિક કરવામાં આવ્યા નથી!
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની મજબુરીનો લાભ લઇ તેઓ ભારતની સ્વતંત્રતાની લડાઇને તીવ્ર બનાવવા ઇચ્છતા હતા પરંતુ ગાંધી તેના સહમત ન હતા. 1939માં કોંગ્રેસ અધ્યક્ષના પદ માટેની ચુંટણીમાં સુભાષ ચંદ્ર બોઝને હરાવવા માટે ગાંધીએ પટ્ટાભિ સિતારમૈયાને પોતાના પ્રતિનિધિ ગણાવ્યા તેમ છતાં સુભાષચંદ્ર બોઝ 203 મતથી આ ચુંટણીમાં વિજયી બન્યા. નેતાજીના આ વિજય બાદ એમ. કે. ગાંધીએ સિતારમૈયાની હારને પોતાની હાર ગણાવી કોંગ્રેસથી કિનારો કરવાનો નિર્ણય કર્યો જેને પગલે કોંગ્રેસ કાર્યકારિણીમાં 14 માંથી 12 સભ્યોએ રાજીનામું આપ્યું! 1939ના વાર્ષિક અધિવેશનમાં નેતાજીની તબિયત ખરાબ હોવા છતા તેઓ સ્ટ્રેચરમાં આ અધિવેશનમાં આવ્યા પરંતુ એમ. કે. ગાંધીના સહયોગીઓનો સાથ ન મળતા તેઓ કામ ન કરી શક્યા અને અંતે 29 એપ્રિલ, 1939ના રોજ તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓએ ફોરવર્ડ બ્લોક નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી અને ભારતની આઝાદી માટે તીવ્ર શરુઆત તેમજ જનજાગૃતિ ફેલાવવાની શરુઆત કરી. 1941માં બ્રિટિશ નજરબંધીમાંથી પલાયન કરી તેઓ કાબુલના રસ્તે જર્મની પહોંચ્યા અને ત્યારબાદ આઝાદ હિંદ ફૌજની રચના કરી જેણે આગળ જઇ જાપાનના સહયોગથી સૌપ્રથમ ભારતના આંદામાન નિકોબાર ટાપુને સ્વતંત્ર કરી પોતાની લડાઇ આગળ વધારી. નેતાજીએ આઝાદ હિંદ ફૌજમાં વધુમાં વધુ લોકો ભરતી થાય તેવા ઉદેશ્યથી અનેક ભાષણો આપ્યા જેમાં તેઓએ 'તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા' નો નારો પણ આપ્યો અને આ જ ફૌજને સિંગાપોરથી 'દિલ્હી ચલો' નો નારો પણ આપ્યો.
ભારત માટે આટલી બહાદુરીથી લડાઇ શરુ કરનાર આ યોદ્ધા 18 ઑગષ્ટ, 1945ના રોજ મંચૂરિયા તરફ જઇ રહ્યા હતા અને ત્યારે તેમના વિમાનમાં ખામી સર્જાતા તે દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને કથિત રીતે તેમા નેતાજીનું નિધન થયું. સ્વતંત્રતા બાદ ભારત સરકાર દ્વારા નેતાજીના મૃત્યું માટે બે આયોગ બનાવાયા જેમાં જણાવાયું કે નેતાજીનું વિમાન દુર્ઘટનામાં જ મૃત્યું થયું છે જ્યારે 1999ના મુખરજી આયોગને તાઇવાન સરકારે માહિતી આપી કે 1945માં તાઇવાનની જમીન પર કોઇ વિમાન ક્રેશ નથી થયું! 18 ઑગષ્ટ, 1945 બાદ નેતાજી ક્યા ચાલ્યા ગયા તેની હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી નથી બસ નેતાજી છે તો સવા સો કરોડ ભારતીયોના મનમાં, ઇતિહાસના પુસ્તકોમાં, નેતાઓના રાજકીય ભાષણો તેમજ સોશિયલ મીડિયાના ચિત્રોમાં અને તેઓએ આપેલ અમર નારા 'જય હિંદ' માં...
આપનો વિશ્વાસુ,
R. I. Jadeja
0 Comment(s):
Post a Comment