31 December, 2017

RIJADEJA.com વેબસાઈટના 7 વર્ષ પૂર્ણ...

નમસ્કાર,

નવા વર્ષની શરૂઆતની સાથોસાથ આપણી શૈક્ષણિક વેબસાઈટ RIJADEJA.comને પણ આજરોજ 7 વર્ષ પૂરા થયા છે. વર્ષ 2010-11મા જ્યારે ફક્ત શોખ માટે તેમજ અમુક ટેકનીકલ બાબતો શીખવ માટે શરૂ કરેલી વેબસાઈટ લોકોને આટલી ઉપયોગી થશે તેમજ આટલા મોટા લેવલ પર પ્રસિદ્ધ થશે તેવો સ્વપ્નમા પણ ખ્યાલ નહોતો.

અગત્યની વાત એ છે RIJADEJA.com વેબસાઈટ એવા સમયમાં લોન્ચ કરવામાં આવી જ્યારે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટવાને થોડો જ સમય બાકી હતો અને આ બાબતે વિદ્યાર્થીઓ વધુ જાગૃત પણ ન હતા. તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વેબસાઈટ ગુજરાતની પ્રથમ અને સાચા અર્થમાં ગુણવત્તાયુક્ત વાંચન સામગ્રી આપનાર પ્રથમ વેબસાઈટ બની જેને આ 7 વર્ષમાં જબરો પ્રતિસાદ મળ્યો.

શરૂઆત:

RIJADEJA.com વેબસાઈટ બનાવવાનો મુળ હેતુ ડોમેઇનને કંંઈ રીતે કન્ફીગર કરવુ તે શીખવાનો જ હતો. વખત જતા પીડીએફ ફાઈલ કઈ રીતે દર્શાવવી તે શીખવાનું મન થયું. આ બાબત શીખવા માટે સ્વાભાવિક રીતે જ એક પીડીએફ ફાઈલ હોવી જોઇએ. જાણે કુદરતે અગાઉ જ બધુ લખ્યુ હોય તેમ અને જે બાબત જીવનભર યાદ રહેવાની હોય તેવી રીતે GPSC નાયબ મામલતદાર અને ડે. સેક્શન ઓફિસર ભરતી 2010-11 જાહેરાતની પીડીએફ ફાઇલ હાથમાં આવી. જેને વેબસાઈટ પર ફક્ત ટેસ્ટીંગ ધોરણે અપલોડ કરી દેવામાં આવી. થોડા દિવસો બાદ વેબસાઈટના આંકડાઓ જોતા ખ્યાલ આવ્યો કે આ ફાઈલ 50થી વધુ વાર સર્ચમાં ડિસ્પ્લે થઇ છે. ફાઇલ વધુને વધુ જોવાતા રસ પણ વધ્યો કે એવુ તો શુંં છે એમા? ત્યારબાદ તે પીડીએફ ફાઇલનો વિગતવાર અભ્યાસ કરતા જણાયું કે તેમાં જે સિલેબસ આપ્યો છે તેના માટેનું તમામ મટીરિયલ તો મારા લેપટોપમાં ટાઈપ થયેલુ જ હતું, જે મે મારી પરીક્ષાની તૈયારી માટે તૈયારીના ભાગ રૂપે ટાઇપ કર્યું હતું. બસ પછી આજ સુધી ક્યારેય પાછળ ફરીને જોયુ જ નથી અને આજે RIJADEJA.com વેબસાઈટ આપ સૌની સમક્ષ છે.

RIJADEJA.com V/s Others

હાલના સમયની વાત કરીએ તો ઈન્ટરનેટ પર બ્લોગ બનાવવો તે સામાન્ય બાબત છે તેમજ મફત અથવા તો મામૂલી ખર્ચમાં પણ બનાવી શકાય છે ત્યારે ગુજરાતમાં પરીક્ષાઓ માટેના અપડેટ્સ આપતા કદાચ 300થી વધુ બ્લોગ છે. આ બધા બ્લોગ જોઇએ તો જ ખ્યાલ આવે કે આપણી આ વેબસાઈટ પર લખેલી તમામ માહિતી સ્પષ્ટ છે, વિશ્વસનીય છે, ગુણવત્તાયુક્ત છે તેમજ મહેનત કરીને બનાવવામાં આવેલી છે, જે અન્ય સાધારણ બ્લોગમાં જોવા મળતુ નથી. આજે 7 વર્ષ પુરા થયા બાદ પણ RIJADEJA.com વેબસાઈટ પર TRP કમાવા માટે બ્રેકીંગ ન્યૂઝના નામ પર કોઇ ખોટી માહિતી અથવા 'અફવા' ફેલાવવામાં આવતી નથી. બીજા બ્લોગની જેમ સામાન્ય 25-25 MCQ પ્રશ્નોના સેટને 'પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે મોડેલ પ્રશ્નપત્ર' કે પછી 'તલાટી પરીક્ષા માટે અતિ ઉપયોગી પ્રશ્નો' વગેરે જેવા આકર્ષક શિર્ષક હેઠળ કોઇ માહિતી મુકવામાં આવતી નથી.

7 વર્ષ સુધી RIJADEJA.com વેબસાઈટ ફક્ત અને ફક્ત ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય માહિતી પુરી પાડતુ આવ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે વિદ્યાર્થીઓને શક્ય એટલી તમામ માહિતી, માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે તેવી બાંહેધરી સાથ તમામ વિદ્યાર્થીઓને વર્ષ 2018 માટેની ખુબ ખુબ શુભકામનાઓ. કોઇપણ કોચીંગ સેન્ટરમાં પોતાના નાણા અને સમય બગાડ્યા વિના સ્વ-મહેનતથી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી શુભકામનાઓ...

R. I. Jadeja

Write your comments / wishes in below comment box

09 December, 2017

મત 'દાન' નહી, 'ફરજ'

નમસ્કાર મિત્રો,

આજે તા. 09 ડિસેમ્બર, 2017 એટલે કે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ. ખરેખર આ શબ્દપ્રયોગ ખોટો હોય એવુ લાગે છે કેમકે જ્યારે બીજાની મદદ કરવા માટે કોઇ વસ્તુ આપવામાં આવે ત્યારે તેને 'દાન' કહે છે. મત આપવાની બાબતમાં આ શબ્દપ્રયોગ એટલા માટે ખોટો જણાય છે કેમકે મત આપીને આપણે આપણી પોતાની જ મદદ કરવાની હોય છે. ભારત દેશના સંદર્ભમાં વાત કરીએ તો, વિશ્વના સૌથી મોટા લોકતંત્રને બચાવવાના પક્ષમાં મત આપવાનો હોય છે, ત્યારે તેના માટે 'દાન' શબ્દને બદલે 'ફરજ' શબ્દ યોગ્ય હોય તેવુ લાગે છે.
મત આપવાની તારીખ = લોકશાહીની વ્યાખ્યામાં જે લોકોની વાત કરવામાં આવે છે તે લોકોનો દિવસ
આમ જોઇએ તો 'લોકશાહી શબ્દનો અર્થ લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર' એવો થાય છે. તેથી મત આપવાની તારીખ માટે એવુ કહી શકાય કે લોકશાહીની વ્યાખ્યામા જે લોકોની વાત કરી છે, તે લોકોનો દિવસ. આ દિવસે લોકોએ પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ અને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પોતાની ફરજ નિભાવવી જોઇએ.

આજના દિવસે દરેક જાગૃત નાગરિકે 'મતદાન' નહી પણ પોતાની 'મત આપવાની ફરજ' પુરી કરવી જોઇએ જેથી 'લોકો વડે, લોકો માટે'ની સરકાર બનાવી શકાય. RIJADEJA.com વેબસાઈટના વાચકો એટલે એવા વિદ્યાર્થીઓ કે જેઓ પોતે સરકારી નોકરી મેળવવાની તૈયારી કરતા હોય છે, ત્યારે આવા વિદ્યાર્થીઓની મત આપવાની ફરજ બમણી થાય છે, તેઓએ પોતે મત આપવો જોઇએ અને સાથોસાથ અન્ય લોકોને પણ મત આપવું કેટલુ જરૂરી છે તેના વિશે માહિતગાર કરવા જોઇએ.

ગુજરાતના દરેક જાગૃત નાગરિકો પોતાનો કિંમતી અને પવિત્ર મત યોગ્ય ઉમેદવારને જરૂર આપે તેવી અપીલ સાથે આ બ્લોગના શબ્દોને અહી જ વિરામ આપુ છું. જય હિંદ...


--R. I. Jadeja
vote is must - rijadeja blog

15 August, 2017

જન્માષ્ઠમી અને ભારતનો 71મો સ્વતંત્રતા દિવસ

Krishna Janmasthami
ભારત માટે આજે તહેવારનો એક અનેરો સંગમ છે. એક તરફ ભારતનો 71મો સ્વાતંત્ર્ય દિવસ છે તો બીજી તરફ જેની છાપ સદીઓથી એક નટખટ, તોફાની અને માસૂમ બાળક જેવી જ રહી છે તેવા બંસીધર શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ઠમીનો તહેવાર છે.

કૃષ્ણ વિશે કંંઇ પણ લખીએ ત્યારે પ્રથમ પ્રશ્ન નામનો પણ થાય કારણ કે કૃષ્ણના સેંકડો નામ છે. કોઇ કવિ / કવિયત્રીના શબ્દોમાં આ પ્રશ્નને કંઇક આ રીતે કહી શકાય,
ઓ રે ક્‌હાન, અલ્યા કાળિયા ક્‌હાન, તારા નિત નિત નવા નામ,
કિયા નામે તને ઓળખીયે તારા કામણગારા કામ,
'તને કૃષ્ણ કહું, મોરારી કહું, તને કાનો કહું કે વ્હાલો કહું?'.
કૃષ્ણ શબ્દ બોલતા જ એક નાનું ચાર પગે ચાલતું બાળક, માખણની ચોરી કરતું બાળક, જશોદા મૈયાને હેરાન કરતું બાળક, રાક્ષસોને મારતું બાળક, યમુના કિનારે બલરામજી, સુદામા અને અન્ય મિત્રો સાથે રમત રમતું એક નટખટ બાળક, કાલી નાગને નાથી તેના પર નૃત્ય કરતું બાળક, કંસનો વધ કરતું બાળક, રાધાજી સાથે પ્રેમ કરનાર એક વ્યક્તિ, ગોપીઓ સાથે રાસ રચાવતી વ્યક્તિ, ગોકુળના નદી કિનારે ગાયો ચરાવી અને મધુર વાંસળી વગાળનાર એક ગોવાળ, મહાભારત યુદ્ધ રોકવા માટે પ્રયાસ કરનાર એક પ્રખર રાજનીતિજ્ઞ, અર્જૂનના સારથીની ભૂમિકા ભજવનાર, અર્જુનને યુદ્ધ મેદાનમાં મહાનગ્રંથ ગીતાજી સંભળાવનાર વ્યક્તિ યાદ આવે છે. આ શબ્દ બોલતા જ એક પ્રેમભાવ પ્રગટ થાય છે.

ઘણી વાર આપણે એમ વિચારીએ છીએ કે કૃષ્ણએ અર્જુનને પોતાના જ સંબંધીઓનો વધ કરવાની સલાહ આપી તો તેઓને ભગવાન કઇ રીતે કહી શકાય? પરંતુ શ્રી કૃષ્ણએ બે અલગ અલગ સત્યમાંથી એક પરમ સત્યને પસંદ કરી અર્જુનને આ સલાહ આપી છે. આ સલાહ આપતા પહેલા ભગવાને યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમના જીવનનું એકમાત્ર પરમ સત્ય હતું જે ગીતાજીમાં આ રીતે વર્ણવેલુ છે,
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
આ સત્યને ધ્યાને રાખી અને ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે ઉપદેશ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે આપણે "અસત્યથી સત્ય તરફ નથી જવાનુ પણ નિમ્ન સત્ય થી ઉચ્ચ સત્ય તરફ જવાનું છે".

કૃષ્ણ વિશે લખીએ એટલું ઓછુ છે તે જ રીતે ગીતાજી વિશે પણ સમજીએ એટલુ ઓછુ પડે. જેટલી વધુ વાર આ ગ્રંથ વાંચીએ ત્યારે દરેક વખતે કંઇક નવો સાર, નવી સમજણ થાય છે.

RIJADEJA.com વેબસાઇટના તમામ વાંચકો અને વિદ્યાર્થીઓને કૃષ્ણ જન્માષ્ઠમી અને સ્વાતંત્ર્ય દિવસની ખુબ ખુબ શુભકામનાઓ...

--R. I. Jadeja

22 June, 2017

ગુજરાત પોલીસ ભરતી 2017 ??? પોતાના લાભ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા !!!

ગુજરાત પોલીસ ભરતી 2017
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 

હાલમાં વૉટ્સએપ સહિતના સોશિયલ મિડીયા પર ગુજરાત પોલીસ ભરતી - 2017ના મથાળા હેઠળ એક ફોટો ફરી રહ્યો છે જેમાં કુલ 17,532 જગ્યાઓ દર્શાવીને જાહેરાત કરવામાં આવી છે. આ ઇમેજ જોતા સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આ ઇમેજ કોઇ ફોર્મ ભરી આપનાર સાયબર કાફે અથવા તેવી કોઇ વ્યક્તિની ઓફિસના નોટીસ બોર્ડનો ફોટો છે. સ્વાભાવિક રીતે જ બેરોજગાર યુવાનો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ  માટે પોતાનો દિવસ રાત એક કરતા તમામ વિદ્યાર્થીઓ  કમ ઉમેદવારો આ ઇમેજ તરફ આકર્ષાવાના જ અને આ વાત કોચીંગ સેન્ટરના નામે પોતાનો ધિકતો 'ધંધો' ચલાવનારા લોકો ખુબ સારી રીતે જાણે છે. તેથી તેઓ યુવાનોને આકર્ષવા માટે નવા નવા નુસખાઓ અપનાવવાના જ. 

ઉપરોક્ત જણાવેલ પોલીસ ભરતી પણ આ 'કાંડ'નો જ એક ભાગ છે. હાલ ગુજરાત પોલીસ દવારા આ પ્રકારની કોઇ જ ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી. આ ફોટોમાં જે જગ્યાઓ લખેલી છે તે વર્ષ 2016માં આવેલ પોલીસ ભરતીની જગ્યાઓ છે જે ભરાઇ ચુકી છે તેમજ તે ઉમેદવારોની તાલીમ પણ શરૂ થઇ ગયેલ છે.

વિદ્યાર્થીઓને અત્રે જણાવવાનું કે આ 'કાંડ' કોઇ નવુ નથી, અગાઉ પણ જીપીએસસી વર્ગ 1-2 પ્રિલીમ પરીક્ષા માટે રાજકોટના એક પ્રસિદ્ધ કોચીંગ સેન્ટર દ્વારા ન્યૂઝપેપરમાં ખુબજ ઓછા કટ-ઓફ-માર્ક્સની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતનો મુખ્ય હેતું મુખ્ય પરીક્ષાના કોચીંગ માટે વિદ્યાર્થીઓને આકર્ષવાનો હતો. આ પ્રકારના કોચીંગ સેન્ટર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા / રમત કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે વિદ્યાર્થીઓ પણ આ પ્રકારની રમતમાં આવી જાય છે.

વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આ પ્રકારના કોઇ કોચીંગ સેન્ટર અથવા ફોર્મ ભરી આપનારા સાયબર કાફેના દરેક સમાચારોને સાચા માની કોઇ કોચીંગ સેન્ટરમાં જોડાય નહી. વિદ્યાર્થીઓ આ બાબતે પણ ધ્યાન આપે કે ન્યૂઝપેપરમાં આવતા સમાચારો પણ હંમેશા સાચા હોતા નથી. ન્યૂઝપેપરમાં પણ ઘણી વાર કોચીંગ સેન્ટર દ્વારા આગામી ભરતીઓ વિશે ખોટી પેઇડ જાહેરાતો આપવા આવતી હોય છે જેને જોઇને વિદ્યાર્થીઓ કોચીંગ જોઇન કરતા હોય છે. પરંતુ એક જાગૃત અને ભણેલ ગણેલ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપર પર જ આધારિત રહેવાને બદલે પોતાની રીતે તપાસ કર્યા બાદ જ આગળ વધવુ જોઇએ.

છેલ્લે અગત્યની બે વાત:
  1. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોઇ જ કોચીંગ સેન્ટરની જરૂરિયાત નથી, વિદ્યાર્થી પોતે સાચી દિશામાં મહેનત કરે તો પોતાની રીતે જ સફળ થઇ શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ ફક્ત તૈયારી માટેનું પાયાનું જ્ઞાન મેળવવું જરૂરી હોય છે.
  2. સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે RIJADEJA.com વેબસાઇટ પર ફક્ત અને ફક્ત વિશ્વસનીય માહિતી જ મુકવામાં આવે છે. અમારા દ્વારા મુકવામાં આવતી માહિતી સૌપ્રથમ અમારા દ્વારા તપાસવામાં આવે છે જેથી ખોટી અફવાઓનો ફેલાવો ન થાય. તેથી વિદ્યાર્થીઓ આ પ્રકારના અપડેટ્સ માટે RIJADEJA.com વેબસાઇટ પર વિશ્વાસ મુકી શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી વેબસાઈટ્સ:
  1. વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓ માટેની વાંચન સામગ્રી (સ્ટડી મટીરિયલ)
  2. વિષયવાર સામાન્ય જ્ઞાનની પીડીએફ ફાઇલ 
  3. અઠવાડિક કરંટ અફેર્સ
  4. Govt Jobs in Gujarat
  5. Govt Jobs in India

24 May, 2017

મન્ડે મ્યુઝિંગ્સ - કરંટ અફેર્સની અવિરત યાત્રાના 5 વર્ષ પૂર્ણ

વિદ્યાર્થી મિત્રો,

14 મે, 2012ના રોજ શરૂ કરેલ આપણા આ કરંટ અફેર્સ મેગેઝિનને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે. આ પાંચ વર્ષોમાં આ મેગેઝિન દ્વારા હજારો નહી પણ લાખો વિદ્યાર્થીઓને નિયમિત રીતે કરંટ અફેર્સ પુરુ પાડવામાં આવ્યુ છે અને ભવિષ્યમાં પણ આ યાત્રા અવિરત ચાલુ જ રહેશે.

સમયની માંગ મુજબ આ મેગેઝિન જ્યારે શરૂ કરાયું ત્યારે અને હાલના મેગેઝિનમાં ઘણા ફેરફારો કરાયા છે. જેમાં ડિઝાઇન, ફોર્મેટીંગ, ઓનલાઇન ટેસ્ટ, MM Special વગેરેનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં પણ સમયની માંગ મુજબ આ મેગેઝિનમાં ફેરફારો અવશ્ય કરવામાં આવશે.

આ મેગેઝિન મોબાઇલ તેમજ ટેબ્લેટ્સમાં ઓનલાઇન જોવામાં અમુક વિદ્યાર્થીઓને પડતી તકલીફોને ધ્યાને લઇ વેબસાઈટની ડિઝાઇન તેમજ પ્લેટફોર્મ બદલવામાં આવ્યુ છે. નવી ડિઝાઇન કરાયેલી વેબસાઈટ મોબાઇલ, ટેબ્લેટ્સ, લેપટોપ કે ડેસ્કટોપ સહિતના તમામ ડિવાઇસ પર એકદમ સરળ રીતે જોઇ શકાશે. નવી વેબસાઈટ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના જૂના વેબ એડ્રેસ પર જ એટલે કે http://mm.rijadeja.com પર જ જોઇ શકાશે.

વધુમાં, મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના તમામ જૂના અંકો આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સાથોસાથ, તમામ જૂના MM Special અંકો, ટેસ્ટ (આન્સર-કી સાથે) પણ ઉપલબ્ધ છે જેથી કોઇ પરીક્ષા માટે છેલ્લા અમુક મહિનાઓનું કરંટ અફેર્સનું લેટેસ્ટ મટીરિયલ શોધવા માટે ક્યાંય જવુ પડશે નહી. આ તમામ અંકો અમારી એન્ડ્રોઇડ એપ્લીકેશન પર પણ ઉપલબ્ધ છે જેથી તમે ગમે ત્યા અને ગમે ત્યારે મોબાઇલ, ટેબ્લેટ પર ગુણવત્તાયુક્ત કરંટ અફેર્સ તથા જનરલ નોલેજ વાંચી શકશો.

ઘણા વિદ્યાર્થીઓના એવા પ્રતિભાવો મળી રહ્યા છે કે આ મેગેઝિનને ડેઇલી સ્વરૂપે પ્રસિદ્ધ કરો પણ હાલ પુરતું સમયની મર્યાદાઓને ધ્યાને લેતા આવુ કરવું શક્ય નથી તેથી મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન હાલના ફોર્મેટ મુજબ વિકલી એટલે કે સાપ્તાહિક સ્વરૂપે જ પ્રસિદ્ધ થશે.

આશા છે આ મેગેઝિન સર્વે વિદ્યાર્થી મિત્રોને આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થતું રહેશે તેમજ અમારો હરહંમેશ પ્રયત્ન રહેશે કે કરંટ અફેર્સ માટે વિદ્યાર્થીઓએ કોઇ અન્ય સ્ત્રોત અથવા મેગેઝિનનો ઉપયોગ કરી પોતાનો સમય અને નાણાનો ખોટી રીતે વ્યય થાય નહી.

મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન તેમજ તેની વેબસાઈટ વિશેના આપના વિચારો અને મંતવ્યો અમોને ફીડબેક પેઇજ પર અવશ્ય જણાવશો જેથી તેમાં જરૂરી ફેરફારો કરી શકાય.

આપ સૌના ઉજળા ભવિષ્યની શુભેચ્છાઓ સહ...

--R. I. Jadeja