28 February, 2022

યુદ્ધ એ જ કલ્યાણ?

russia ukraine war
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ ભીષણ યુદ્ધના દૃષ્યો જોઇને સ્વાભાવિક રીતે જ કંપારી છૂટી ઉઠે. એવો વિચાર પણ આવે કે લગભગ અઢી વર્ષથી કોરોના મહામારીમાં ઝઝુમી રહેલી આ દુનિયા યુદ્ધ પણ કરી શકે!? છેલ્લા લગભગ એક મહિનાથી જે બીક હતી તે સમય આખરે આવી જ ગયો અને રશિયાએ પોતાના કરતા લગભગ 28માં ભાગ જેવડા દેશ પર હુમલો કરી દીધો. 

આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે અને તેમા કેટલા લોકોના જીવ જશે, કેટલું નુકસાન થશે તે યુદ્ધ બાદ જ ખ્યાલ આવશે પરંતુ આ યુદ્ધથી એક વાત સાબિત થઇ છે કે કોઇપણ દેશે પોતાની સુરક્ષા બીજાના ભરોસા પર મુકવી ન જોઇએ તેમજ પોતાના દેશની સુરક્ષા માટે કોઇપણ દેશે પોતાની લશ્કરી તાકાત અને તેના કદનો વિસ્તાર કરવો જોઇએ. આજના સમયની આ જ હકીકત છે.

નાટો સંગઠન અને અમેરિકાના ભરોસે બેઠેલા યુક્રેને પોતાના કરતા 28 ગણા મોટા દેશ સામે છેલ્લે પોતે જ લડવુ પડ્યું. અંતે યુક્રેનને પોતાના દેશની સેના, પોતાના જ હથિયારો, પોતાના નેતાઓ અને પોતાના જ નાગરિકો કામ આવ્યા. લગભગ બે મધ્ય પ્રદેશ જેટલું કદ ધરાવતા આ નાનકડા દેશ (જો કે, રશિયાને બાદ કરતા વિસ્તારની દૃષ્ટિએ યુક્રેન યુરોપનો સૌથી મોટો દેશ છે)ની સેના, નાગરિકો અને નેતાઓને સલામ છે કે મહાશક્તિ ગણાતા આટલા મોટા દેશ સામે ચાર દિવસથી લડી  રહ્યા છે તેમજ રશિયન સેનાનો હિંમ્મતપૂર્વક સામનો કરી રહ્યા છે. 

બન્ને દેશો વચ્ચે વિસ્તાર સિવાય પણ બહુ મોટા તફાવત છે જેમકે યુક્રેન પાસે ફક્ત 1,96,000નું સૈન્ય બળ છે જેની સામે રશિયા પાસે 9,00,000 સૈનિકો છે. યુક્રેન પાસે 132 એરક્રાફ્ટ અને 55 હેલિકોપ્ટર છે જ્યારે રશિયા પાસે લગભગ 1,391 એરક્રાફ્ટ અને 948 હેલિકોપ્ટર છે. યુક્રેનનું સંરક્ષણ ક્ષેત્રનું વાર્ષિક બજેટ લગભગ 4.7 બિલિયન ડોલર છે જ્યારે રશિયાનું 45.8 બિલિયન ડોલર જેટલું છે!

આટલો તફાવત હોવા છતાં યુક્રેન હિંમ્મતપૂર્વક લડી રહ્યું છે જે વખાણવા લાયક છે. અફસોસની વાત છે  એ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ ભવિષ્યના યુદ્ધોને રોકી શકાય તેવા ઉદેશ્યથી સ્થપાયેલી 'સંયુક્ત રાષ્ટ્ર / United Nations' નામની સંસ્થા પણ યુક્રેન અને રશિયા વચ્ચેના આ યુદ્ધને રોકવા માટે ફક્ત અપીલ જ કરી રહ્યું છે, રોકી શકતું નથી!

આશા રાખીએ કે આ યુદ્ધ ખુબજ જલ્દી બંધ થાય જેથી યુક્રેનના 'નિર્દોષ નાગરિકો' આ સંકટમાંથી બહાર આવી શકે, બાકી રશિયા માટે "યુદ્ધ એ જ કલ્યાણ" હોય તેવું લાગી રહ્યું છે.

- R. I. Jadeja

Submit your comments here

3 comments:

  1. ઉમદા ટકોરપુર્ણ લખાણ....યુદ્ધ ના મહાભારત સમયે કલ્યાણ હતું કે ના આજના આધુનિક સમયમાં....આશા રાખીએ કે બંને દેશો વચ્ચેનું આ યુદ્ધ અનહદ નુકશાન પહેલા જ સમી જાય.

    ReplyDelete
  2. ખૂબ સરસ કહ્યું... યુક્રેનની હિંમતને સલામ... કોઈ પણ સાથે હોય- કેટલા પણ હથિયાર હોય- કેટલી પણ સુવિધા હોય- ટેકો ગમે ત્યારે ખસી શકે. છેલ્લે તો આપબળે જ રહેવું પડે. પોતાની લડાઈ તો પોતે જ લડવી પડે, હિંમત પણ પોતે જ જોડવી પડે.

    ReplyDelete
  3. Very true... Nice article 👍🏻

    ReplyDelete