26 January, 2022

ભારતનો 73મો ગણતંત્ર દિવસ

નમસ્કાર મિત્રો, 

26 જાન્યુઆરી એટલે લોકતાંત્રિક ભારતનો પવિત્ર રાષ્ટ્રીય પર્વ. આજે એ દિવસ છે જ્યારે બ્રિટિશ સમયનો ભારત સરકાર અધિનિયમ, 1935 હટાવી અને ભારતનું બંધારણ લાગૂ કરવામાં આવ્યું. આ બંધારણ ભારતની બંધારણ સભા દ્વારા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસની ચર્ચાઓ બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. આ એ જ બંધારણ છે જેની તાકાતથી કોઇપણ નાગરિક આઝાદ ભારતમાં પૂર્ણ સ્વતંત્રતાથી હરી ફરી શકે છે તેમજ બંધારણ દ્વારા પ્રદત્ત અધિકારો ભોગવે છે.  26 જાન્યુઆરીથી જ ભારતમાં ભારતીય શાસન અને કાયદો સ્થાપિત થયો, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પોતાનો કાર્યભાર સંભાળ્યો તેમજ  વર્ષ 1952 સુધી ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી ન થઇ ત્યા સુધી ભારતની બંધારણ સભા અસ્થાયી સંસદ તરીકે કાર્યરત બની અને નવી ચૂંટાયેલી સરકારને બંધારણ અનુસાર શક્તિઓ પ્રદાન કરી. આજે પણ સમગ્ર દેશના ત્રણેય સ્તંભ (કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા) ભારતના બંધારણ મુજબ જ કામ કરે છે જે બંધારણને 389 સદસ્યોએ દિવસ રાત મહેનત કરીને, ચર્ચા કરીને બનાવ્યું હતું.

બંધારણ લાગૂ કરવા માટે 26 જાન્યુઆરી તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ હતુંં, વર્ષ 1930માં આ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરાયું હતું. ભારતનો ગણતંત્ર દિવસ એ ફક્ત એક રાષ્ટ્રીય રજા માત્ર નથી, આ દિવસ દેશની આઝાદી માટે શહીદ થયેલ સ્વતંત્રસેનાનીઓને યાદ કરવાનો એક રાષ્ટ્રીય તહેવાર છે. ભારતને આઝાદ કરાવવા માટે દેશના અનેક સપૂતોએ પોતાનું બલિદાન આપ્યું છે અને વર્ષો સુધી તેઓએ સંઘર્ષ કર્યો તેના બદલામાં આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ.

ભારતના ગણતંત્ર દિવસને 72 વર્ષથી ખુબજ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. ગણતંત્ર દિવસ મનાવવાની શરુઆત આટલા વર્ષોથી 24 જાન્યુઆરીથી કરવામાં આવતી હતી જે ઉજવણી 29 જાન્યુઆરી સુધી ચાલતી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષ એટલે કે વર્ષ 2022થી ગણતંત્ર દિવસની ઉજવણી 23 જાન્યુઆરી (નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ) થી કરવાનો નિર્ણય લેવાયો છે. ગણતંત્ર દિવસની મુખ્ય ઉજવણી 26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના રાજપથ ખાતે થાય છે જેમાં દેશની સેનાઓ અને અર્ધસૈનિક દળોની પરેડ, ભારતની સૈન્ય શક્તિનું પ્રદર્શન, દેશની વિવિધતા દર્શાવતી રાજ્યોની કલાકૃતિઓ સહિતનું પ્રદર્શન કરવામાં આવે છે. ગણતંત્ર દિવસની ઉજવણી 29 જાન્યુઆરીના રોજ Beating Retreat સેરેમની બાદ પૂર્ણ થાય છે. આ કાર્યક્રમમાં દેશની સેનાના ત્રણેય દળોના બેન્ડ દ્વારા નવી દિલ્હીના વિજય ચોક ખાતે વિવિધ ધૂન વગાડવામાં આવે છે. બિટિંગ રિટ્રીટ કાર્યક્રમની શરુઆતમાં જન ગણ મન તેમજ છેલ્લે સારે જહાં સે અચ્છા ગીત વગાડવામાં આવે છે. વર્ષ 2022થી આ ધૂનોમાંથી ખ્રિસ્તિ પ્રાર્થના Abide with me ને હટાવી એ મેરે વતન કે લોગો ધૂનને ઉમેરવામાં આવી છે.

26 જાન્યુઆરીના રોજ ટેલિવિઝનમાં જ્યારે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી માણીએ ત્યારે ખરેખર આપણને આપણા દેશની વૈવિધ્યતા અને તાકાતનો પરચો થાય અને મનના અંદરના એક ખૂણે 'મેરા ભારત મહાન', 'જય હિંદ', 'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા' અને 'વંદે માતરમ્‌' જેવા શબ્દો  સ્વાભાવિક પણે જ આવે. દેશના 73માં ગણતંત્ર દિવસના આ શુભ પ્રસંગે ભારતની આઝાદીમાં જેઓએ પોતાનું યોગદાન આપ્યું હોય તેવા જાણ્યા-અજાણ્યા અને નાનામાં નાનું યોગદાન આપનાર દરેક ભારતીયોને કોટિ કોટિ વંદન. આપ સૌને ગણતંત્ર દિવસની શુભકામનાઓ...

આપનો વિશ્વાસુ,
R. I. Jadeja

1 comment: