Showing posts with label 12 January. Show all posts
Showing posts with label 12 January. Show all posts

12 January, 2022

સ્વામી વિવેકાનંદની 159મી જન્મ જયંતિ

Swami Vivekananda

નમસ્કાર મિત્રો, 

સ્વામી વિવેકાનંદ શબ્દ સાંભળતા જ એક તેજ ધરાવતો, બળવાન, આકર્ષક, શાંત અને પવિત્ર ચહેરો આપણી આંખ સામે આવી જાય છે. એક એવો ચહેરો, જેને જોતા જ આપણને જાણે પ્રેરણા મળી જાય અને કંંઇક કરી છૂટવાની ભાવના આવી જાય.  આવા મહાન વ્યક્તિનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 (મકરસંક્રાતિ) ના રોજ થયો હતો.

સ્વામી વિવેકાનંદ એવી વ્યક્તિ હતા જેમની અસર આજે 159 વર્ષ બાદ પણ હતી તેના કરતા વધતી જાય છે અને તેમણે કહેલી વાતો આજે પણ કરોડો યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. સ્વામીજીને પણ યુવાનોમાં ભારતનું ભવિષ્ય દેખાતું હતું એટલા માટે જ તેઓએ પોતાના મોટા ભાગના વક્તવ્યો ભારતના યુવાનોને ઉદ્દેશીને કહ્યા છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, મને 100 ચારિત્ર્યવાન  અને દઢ્  મનોબળ ધરાવતા યુવાનો આપો તો હું સમગ્ર રાષ્ટ્રની કાયાપલટ કરી બતાવીશ...

આજથી લગભગ 135 વર્ષ પહેલા જ્યારે સ્વામીજી એ ઉપરોક્ત વાક્ય કહ્યું હશે ત્યારે તેઓને ખબર નહી હોય કે લગભગ સવા સો વર્ષ બાદ ભારતમાં એવો આધુનિક(!)  યુગ આવ્યો હશે જ્યારે દેશના મહત્વના અને અતિ-ગંભીર મુદ્દાઓ પર દેશના યુવાનો સોશિયલ મીડીયાના માધ્યમથી જોક બનાવીને મજાક ઉડાવતા હશે! સ્વામીજીએ પોતાના વક્તવ્યોમાં કહ્યું હતું કે મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે અને તેમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે. સ્વામીજીએ અહી કાર્યકર્તા શબ્દનો પ્રયોગ રાષ્ટ્રના ઉત્થાનના સંદર્ભમાં કર્યો હતો જેને બદલે આજે આટલા વર્ષો બાદ યુવાનો પોતાના અભ્યાસમાં અને પોતાની ઉજ્જ્વળ કારકિર્દી ઘડવાના મહત્વપૂર્ણ સમયમાં તેના પર ધ્યાન ન આપતા રાજકીય કાર્યકર્તા બની પોતાની જાતને જ ગેરમાર્ગે દોરે છે અને નેતાઓને પોતાનો ઉપયોગ કરવા માટે છૂટ્ટો દોર આપે છે.

હાલ સ્વામીજીની 159મી જન્મજયંતિ પ્રસંગે આ બધા મુદ્દાઓનો ઉલ્લેખ કરવાનો એકમાત્ર ઉદેશ્ય એ છે કે આજના યુવાનોએ ખરેખર સ્વામીજીને જાણવા જોઇએ, તેમને વાંચી અને સમજવા જોઇએ જેથી તેમના વિચારો આગળની પેઢીમાં દેખાય અને રાષ્ટ્રનું ઉત્થાન થઇ શકે, જો આવું નહી કરીએ તો સ્વામીજીના ઉપદેશો શાળાઓના પાટિયે, સરકારી કચેરીઓની દિવાલોમાં, સોશિયલ મીડીયામાં નેતાઓના ફોટો સાથે પ્રચાર માટે તેમજ વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર ફક્ત 'સુવાક્યો' બનીને રહી જશે.   

રાષ્ટ્રીય યુવા દિવસની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ...

આપનો વિશ્વાસુ,

R. I. Jadeja

12 January, 2014

151 Birthday / Janma Jayanti - Swami Vivekanand

આજે 12મી જાન્યુઆરીનો પવિત્ર દિવસ છે. પવિત્ર એટલા માટે કે ભારતના મહાન અને પવિત્ર સંત શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે. શ્રી વિવેકાનંદજીના સુવાક્યો અને સૂચનો માત્ર 2-3 રૂપીયાની નજીવી કિંમતે નાનકડી પુસ્તિકાના સ્વરૂપે બજારમા મળે છે. પણ શું એ પુસ્તિકા વાંચીને આપણે તેને અમલમાં મુકીએ છીએ ? આ પ્રશ્નનો જવાબ આપણે જ આપણા મનને આપવાનો છે... ફક્ત રાજકીય પ્રચાર માટે જ સ્વામીજીની યાદ આ ભારતને 151 વર્ષે આવી છે. ક્યાં કારણથી યાદ આવી તે આપણા માટે અગત્યનું નથી પણ યાદ આવી તે અગત્યની અને આવકારદાયક બાબત છે. પણ શું ફક્ત સ્વામીજીના પોસ્ટરો લગાવવાથી તેમના વિચારો અમલમાં આવશે ? વાસ્તવિક સ્થિતિ કંઇક અલગ જ છે. આ સ્થિતિનું શબ્દોમાં વર્ણન કરવાનો પ્રયાસ rijadeja.com વેબસાઇટના જ એક ફેમીલી મેમ્બર દ્વારા કરવામાં આવ્યો છે.

12 January, 2013

સ્વામી વિવેકાનંદ - ૧૫૦મી જન્મ જયંતિ

શ્રી સ્વામી વિવેકાનંદજીની આજ રોજ ૧૫૦મી જન્મ જયંતિ છે. આ વિશ્વને "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો" જેવા મહાન અને ઉચ્ચ વિચારો આપનાર સ્વામીજી જેવા વ્યક્તિ ભારત દેશમાં જનમ્યા તે આપણા દેશ માટે એક ગૌરવની વાત છે.

સ્વામીજી એ મહાન હસ્તી છે કે જેમણે આપેલા સોનેરી વાક્યો આજે પણ યુવાઓ માટે આદર્શ છે. તેઓએ યુવાનોને કહ્યુ કે ભગવત ગીતા વાંચવાને બદલે તેઓએ ફુટબૉલની રમત રમવી જોઇએ કારણકે જો તેઓના સ્નાયુ મજબૂત હશે તો જ તેઓ ગીતાજીમાં રહેલા શ્રી કૃષ્ણની વિરાટ પ્રતિભાને જોઇ શકશે અને સમજી શકશે. તેઓએ એ વાત પર પણ ખાસ ભાર મુકેલો કે યુવાનોએ વ્યસનથી દુર રહેવુ જોઇએ જેથી રાષ્ટ્રની યુવા સંપતિનો રાષ્ટ્ર માટે યોગ્ય ઉપયોગ થઇ શકે.