તાજેતરમાં જ વિશ્વ હેપ્પીનેસ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો જેમાં વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે ફિનલેન્ડને તેમજ સૌથી નાખુશ દેશ તરીકે અફઘાનિસ્તાનને દર્શાવાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ રિપોર્ટમાં ટોપ 5 ખુશ દેશોની યાદીમાં Nordic Countries (ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન વગેરે)ના જ નામ હોય છે. કોઇપણ દેશના નાગરિકો પોતાના દેશની સુવિધાઓ, સરકાર, નીતિ નિયમ વગેરે દ્વારા કેટલા ખુશ છે તેના દ્વારા આ રિપોર્ટમાં ક્રમ અપાય છે. ભારતની વાત કરીએ તો છેલ્લા લગભગ 10 વર્ષથી ભારત આ રિપોર્ટમાં સતત પાછળ જતું હતું જેમા આ વર્ષે 3 સ્થાનના સુધારા સાથે ભારત 136માં ક્રમ પર પહોંચ્યું છે! આપણે એમ કહી શકીએ કે આપણે ગયા વર્ષ કરતા આ વર્ષે થોડા વધુ ખુશ છીએ? :)
પ્રસન્નતા / હેપ્પીનેસને ખરેખર તો ક્યારેય માપી શકાય જ નહી કારણ કે એસી ઓફિસમાં કોઇ જ આર્થિક કે સામાજિક ચિંતા ન હોવા છતા કોઇ વ્યક્તિ નિરાશ બેઠો હોય છે અને રોડ પર ઝુંપડું બાંધીને જે વ્યક્તિ સાંજે જમી શકશે કે નહી તે પણ નિશ્ચિત નથી તે ઘણીવાર એકદમ ખુશ મિજાજ જોવા મળે છે. આ પ્રકારના અનેક અનુભવો આપણને રોજબરોજ થાય છે. સાચી પ્રસન્નતા અથવા ખુશી અંદરથી આવે છે, તેને સંપૂર્ણ રીતે પામવા માટે ફક્ત ભૌતિક સુખ સુવિધાઓ પર્યાપ્ત નથી તેથી જ ઘણા લોકો પ્રસન્નતા પામવા માટે જ તમામ ભૌતિક સુવિધાઓ ત્યાગીને પ્રકૃતિના સાનિધ્યમાં ફરવા નીકળી જાય છે ને!
આજના હેપ્પીનેસ દિવસે આપ સૌ આવનારા હેપ્પીનેસ દિવસ સુધી ખુબ ખુશ રહો તેવી શુભકામનાઓ... આવતા વર્ષે ફરી એક વર્ષ માટેની શુભકામનાઓ આપવામાં આવશે :)
0 Comment(s):
Post a Comment