Showing posts with label Janmasthami. Show all posts
Showing posts with label Janmasthami. Show all posts

30 August, 2021

જન્માષ્ઠમી -- હજારો વર્ષોથી ઉજવાતો એક અનેરો જન્મોત્સવ

Lord Shri Krishna જન્માષ્ઠમી શબ્દ સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણનું એક બાળ સ્વરુપ આપણા વિચારોમાં આવી જાય. સ્મિત ધરાવતું એક બાળક, ગાયો ચરાવતું, માખણની ચોરી કરતું, મિત્રો સાથે રમતું, વાંસળી વગાડતું એક એવુ બાળક આપણી સામે આવી જાય છે, જે 5000 વર્ષો બાદ આજે પણ આપણી સામે બાળ સ્વરુપે જ આવે છે! આટલા હજાર વર્ષો વિતી ગયા હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ સમગ્ર ભારત અને વિશ્વમાં એવી રીતે જ મનાવાય છે જાણે આજે જ તેમનો જન્મ થયો હોય!

    કહેવાય છે કે ભગવાનના જન્મ પહેલા જ તમામ રાશિ, નક્ષત્ર, ગ્રહો અને યોગ પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં આવી ગયા હતા, સમગ્ર વાતાવરણમાં એક અનેરી સુગંધ ફેલાઇ ગઇ હતી, તમામ વનસ્પતિઓ, ફૂલો વગેરે મહેકી ઉઠ્યા હતા અને ત્યારબાદ ભગવાનનો જન્મ થયો હતો. આજે પણ જ્યારે ગોકુળ અષ્ઠમીનો દિવસ આવે છે ત્યારે આપણામાં એક નવી જ ઊર્જા આવી જાય છે તેમજ એ વાતની યાદ આવી જાય છે જે ભગવાને ગીતાજીમાં અર્જૂનને કહી છે કે ‘સંસારના કણ કણમાં હું છું અને મારી મરજી વિરુદ્ધ એક પાંદડુ પણ હલી શકતુ નથી’. બસ આ જ વિચાર સાથે આટલા વર્ષો બાદ આજે પણ જન્માષ્ઠમીના તહેવાર એટલા જ હર્ષોલ્લાસ સાથે મનાવીએ છીએ અને દર વર્ષે ભગવાનનો જન્મ દિવસ મનાવીએ છીએ અને સદીઓ સુધી મનાવતા પણ રહીશું... છેલ્લે ભગવાનને જ તેમના જન્મદિવસની શુભકામનાઓ આપીએ, Happy Birthday to you Lord Krishna!

    તમામ વિદ્યાર્થીઓ, વાચકોને પણ જન્માષ્ઠમીની હાર્દિક શુભકામનાઓ... જયશ્રી કૃષ્ણ

15 August, 2017

જન્માષ્ઠમી અને ભારતનો 71મો સ્વતંત્રતા દિવસ

Krishna Janmasthami
ભારત માટે આજે તહેવારનો એક અનેરો સંગમ છે. એક તરફ ભારતનો 71મો સ્વાતંત્ર્ય દિવસ છે તો બીજી તરફ જેની છાપ સદીઓથી એક નટખટ, તોફાની અને માસૂમ બાળક જેવી જ રહી છે તેવા બંસીધર શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ઠમીનો તહેવાર છે.

કૃષ્ણ વિશે કંંઇ પણ લખીએ ત્યારે પ્રથમ પ્રશ્ન નામનો પણ થાય કારણ કે કૃષ્ણના સેંકડો નામ છે. કોઇ કવિ / કવિયત્રીના શબ્દોમાં આ પ્રશ્નને કંઇક આ રીતે કહી શકાય,
ઓ રે ક્‌હાન, અલ્યા કાળિયા ક્‌હાન, તારા નિત નિત નવા નામ,
કિયા નામે તને ઓળખીયે તારા કામણગારા કામ,
'તને કૃષ્ણ કહું, મોરારી કહું, તને કાનો કહું કે વ્હાલો કહું?'.
કૃષ્ણ શબ્દ બોલતા જ એક નાનું ચાર પગે ચાલતું બાળક, માખણની ચોરી કરતું બાળક, જશોદા મૈયાને હેરાન કરતું બાળક, રાક્ષસોને મારતું બાળક, યમુના કિનારે બલરામજી, સુદામા અને અન્ય મિત્રો સાથે રમત રમતું એક નટખટ બાળક, કાલી નાગને નાથી તેના પર નૃત્ય કરતું બાળક, કંસનો વધ કરતું બાળક, રાધાજી સાથે પ્રેમ કરનાર એક વ્યક્તિ, ગોપીઓ સાથે રાસ રચાવતી વ્યક્તિ, ગોકુળના નદી કિનારે ગાયો ચરાવી અને મધુર વાંસળી વગાળનાર એક ગોવાળ, મહાભારત યુદ્ધ રોકવા માટે પ્રયાસ કરનાર એક પ્રખર રાજનીતિજ્ઞ, અર્જૂનના સારથીની ભૂમિકા ભજવનાર, અર્જુનને યુદ્ધ મેદાનમાં મહાનગ્રંથ ગીતાજી સંભળાવનાર વ્યક્તિ યાદ આવે છે. આ શબ્દ બોલતા જ એક પ્રેમભાવ પ્રગટ થાય છે.

ઘણી વાર આપણે એમ વિચારીએ છીએ કે કૃષ્ણએ અર્જુનને પોતાના જ સંબંધીઓનો વધ કરવાની સલાહ આપી તો તેઓને ભગવાન કઇ રીતે કહી શકાય? પરંતુ શ્રી કૃષ્ણએ બે અલગ અલગ સત્યમાંથી એક પરમ સત્યને પસંદ કરી અર્જુનને આ સલાહ આપી છે. આ સલાહ આપતા પહેલા ભગવાને યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમના જીવનનું એકમાત્ર પરમ સત્ય હતું જે ગીતાજીમાં આ રીતે વર્ણવેલુ છે,
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
આ સત્યને ધ્યાને રાખી અને ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે ઉપદેશ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે આપણે "અસત્યથી સત્ય તરફ નથી જવાનુ પણ નિમ્ન સત્ય થી ઉચ્ચ સત્ય તરફ જવાનું છે".

કૃષ્ણ વિશે લખીએ એટલું ઓછુ છે તે જ રીતે ગીતાજી વિશે પણ સમજીએ એટલુ ઓછુ પડે. જેટલી વધુ વાર આ ગ્રંથ વાંચીએ ત્યારે દરેક વખતે કંઇક નવો સાર, નવી સમજણ થાય છે.

RIJADEJA.com વેબસાઇટના તમામ વાંચકો અને વિદ્યાર્થીઓને કૃષ્ણ જન્માષ્ઠમી અને સ્વાતંત્ર્ય દિવસની ખુબ ખુબ શુભકામનાઓ...

--R. I. Jadeja

25 August, 2016

શ્રી કૃષ્ણ લીલા

Krishna
જન્માષ્ઠમી... શબ્દ સાંભળતા અથવા વાંચતા જ એક નાના બાળ સ્વરૂપ ભગવાનનો ચહેરો સામે આવી જાય. અને એ પણ કેવો? થોડો નટખટ, તોફાની, માખણની ચોરી કરતો, વાંસળી વગાડતો, કાલીનાગ પર નૃત્ય કરતો, ગોપીઓ સાથે રાસ રમતો, ગાયો ચરાવતો –અને થોડા વર્ષો પછીનો વિચાર કરીએ તો, કંસને મારતો, અર્જુનને ગીતા સાર સંભળાવતો વગેરે... ટુંકમાં કહીએ તો એક આદર્શ પુરુષ, આજની સોશિયલ મીડિયાની ભાષામાં કહીએ તો જેને Follow કરવું ગમે તેવો વ્યક્તિ. એટલે જ તો કૃષ્ણને પુરુષોમાં ઉત્તમ એટલે કે પુરુષોત્તમ કહ્યો છે.

કૃષ્ણ એટલે એક એવુ નામ કે જેને ‘તું’ કહેવું વધુ ગમે. ખરેખર તો પાંચ હજારથી પણ વધુ વર્ષો પહેલાના આ વ્યક્તિત્વને ‘તું’ ન કહી શકાય પણ તેમની સાથે જોડાયેલા ભાવોના કારણે આપણે તેને બાળક જ માનીએ છીએ અને ‘તું’ કહેવા માટે મજબુર થઇએ છીએ.

ફક્ત જન્માષ્ઠમીના તહેવાર નિમિતે જ નહી પણ દરરોજ ભારતવર્ષની હજારો, લાખો નહી પણ કરોડો માતાઓ કૃષ્ણને પ્રેમથી નવડાવે છે, જમાડે છે અને નાના એવા હિંડોળામાં ઝુલાવે પણ છે. મંદિરોમાં આવતા હજારો, લાખો ભક્તો પણ પોતાના આ વ્હાલસોયા ભગવાનને હિંડોળામાં ઝુલાવે છે તેમજ મંદિરોમાં આવતી લાખો, કરોડો માતાઓ વ્હાલથી તેમના આ પ્રિય ભગવાનના દુખણા લે છે. આજે પાંચ હજારથી પણ વધુ વર્ષો વીતી ગયા હોવા છતાં કૃષ્ણનો મહિમા જરા પણ ઓછો થયો નથી.

કહેવાય છે કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે તમામ નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિ સારી નહોતી પણ ભગવાનના જન્મ થવા માટે તમામ સ્થિતિઓ પોતાના શ્રેષ્ઠ સ્થાનો પર આવી હતી અને ભગવાનશ્રીનો શ્રાવણ વદ આઠમના દિવસે જેલમાં જન્મ થયો, જન્મ બાદ લોક કલ્યાણના કાર્યો માટે વિવિધ રાક્ષસો અને પોતાના જ મામા કંસની હત્યા કરવી અને અર્જુનને મહાનગ્રંથ ગીતાનું રસપાન કરાવવું આ બધુ જ કૃષ્ણએ કર્યું અને આ બધુ જ લોકોના હિત માટે કર્યું છે જેની તુલના એક ‘તુચ્છ’ ફિલ્મી શબ્દ ‘ડૉન’ સાથે કરવી એ મહા મૂર્ખતા છે. આવા શબ્દો દ્વારા ભગવાનની તુલના એક ‘ગુંડા’ સાથે કરવી તે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન છે.

ભગવાનની લીલાઓ અને તમામ ઇતિહાસ જાણ્યા બાદ દ્વારિકાવાળાના બે અલગ અલગ ગીતોની ખુબ જ સુંદર પંક્તિઓ અહી ટાંકવાનું મન થાય છે.
તમે સદ્‌ગુણના છો સ્વામી, તમે સર્વના અંતરયામી,
તમે અણુ અણુમાં છો બિંદુ, તમે વિરાટમાં વસનારા,
તમે ધર્મ ધુરંધર, તમે ગીતા ગાયી, ચક્ર સુદર્શન વાળા,
દ્વારિકા વાળા...
પ્રેમ ને વશ થઇ હરજી મારો સાચવે સૌનું ટાણું,
ભરી સભામાં દ્રૌપદીના પુર્યા ચીર નવસો નવ્વાણું,
બોડાણાનું ગાડું હાંકે રે, મારો દેવ દ્વારિકા વાળો...
RIJADEJA.com વેબસાઈટના તમામ વાચકોને જન્માષ્ઠમીની ખુબ ખુબ શુભકામનાઓ...

--R. I. Jadeja