સ્વામી વિવેકાનંદ શબ્દ સાંભળતા જ એક તેજ ધરાવતો, બળવાન, આકર્ષક, શાંત અને પવિત્ર ચહેરો આપણી આંખ સામે આવી જાય છે. એક એવો ચહેરો, જેને જોતા જ આપણને જાણે પ્રેરણા મળી જાય અને કંંઇક કરી છૂટવાની ભાવના આવી જાય. આવા મહાન વ્યક્તિનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 (મકરસંક્રાતિ) ના રોજ થયો હતો.
સ્વામી વિવેકાનંદ એવી વ્યક્તિ હતા જેમની અસર આજે 159 વર્ષ બાદ પણ હતી તેના કરતા વધતી જાય છે અને તેમણે કહેલી વાતો આજે પણ કરોડો યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. સ્વામીજીને પણ યુવાનોમાં ભારતનું ભવિષ્ય દેખાતું હતું એટલા માટે જ તેઓએ પોતાના મોટા ભાગના વક્તવ્યો ભારતના યુવાનોને ઉદ્દેશીને કહ્યા છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, મને 100 ચારિત્ર્યવાન અને દઢ્ મનોબળ ધરાવતા યુવાનો આપો તો હું સમગ્ર રાષ્ટ્રની કાયાપલટ કરી બતાવીશ...
આજથી લગભગ 135 વર્ષ પહેલા જ્યારે સ્વામીજી એ ઉપરોક્ત વાક્ય કહ્યું હશે ત્યારે તેઓને ખબર નહી હોય કે લગભગ સવા સો વર્ષ બાદ ભારતમાં એવો આધુનિક(!) યુગ આવ્યો હશે જ્યારે દેશના મહત્વના અને અતિ-ગંભીર મુદ્દાઓ પર દેશના યુવાનો સોશિયલ મીડીયાના માધ્યમથી જોક બનાવીને મજાક ઉડાવતા હશે! સ્વામીજીએ પોતાના વક્તવ્યોમાં કહ્યું હતું કે મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે અને તેમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે. સ્વામીજીએ અહી કાર્યકર્તા શબ્દનો પ્રયોગ રાષ્ટ્રના ઉત્થાનના સંદર્ભમાં કર્યો હતો જેને બદલે આજે આટલા વર્ષો બાદ યુવાનો પોતાના અભ્યાસમાં અને પોતાની ઉજ્જ્વળ કારકિર્દી ઘડવાના મહત્વપૂર્ણ સમયમાં તેના પર ધ્યાન ન આપતા રાજકીય કાર્યકર્તા બની પોતાની જાતને જ ગેરમાર્ગે દોરે છે અને નેતાઓને પોતાનો ઉપયોગ કરવા માટે છૂટ્ટો દોર આપે છે.
હાલ સ્વામીજીની 159મી જન્મજયંતિ પ્રસંગે આ બધા મુદ્દાઓનો ઉલ્લેખ કરવાનો એકમાત્ર ઉદેશ્ય એ છે કે આજના યુવાનોએ ખરેખર સ્વામીજીને જાણવા જોઇએ, તેમને વાંચી અને સમજવા જોઇએ જેથી તેમના વિચારો આગળની પેઢીમાં દેખાય અને રાષ્ટ્રનું ઉત્થાન થઇ શકે, જો આવું નહી કરીએ તો સ્વામીજીના ઉપદેશો શાળાઓના પાટિયે, સરકારી કચેરીઓની દિવાલોમાં, સોશિયલ મીડીયામાં નેતાઓના ફોટો સાથે પ્રચાર માટે તેમજ વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર ફક્ત 'સુવાક્યો' બનીને રહી જશે.
રાષ્ટ્રીય યુવા દિવસની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ...
આપનો વિશ્વાસુ,
R. I. Jadeja
0 Comment(s):
Post a Comment