09 December, 2017

મત 'દાન' નહી, 'ફરજ'

નમસ્કાર મિત્રો,

આજે તા. 09 ડિસેમ્બર, 2017 એટલે કે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ. ખરેખર આ શબ્દપ્રયોગ ખોટો હોય એવુ લાગે છે કેમકે જ્યારે બીજાની મદદ કરવા માટે કોઇ વસ્તુ આપવામાં આવે ત્યારે તેને 'દાન' કહે છે. મત આપવાની બાબતમાં આ શબ્દપ્રયોગ એટલા માટે ખોટો જણાય છે કેમકે મત આપીને આપણે આપણી પોતાની જ મદદ કરવાની હોય છે. ભારત દેશના સંદર્ભમાં વાત કરીએ તો, વિશ્વના સૌથી મોટા લોકતંત્રને બચાવવાના પક્ષમાં મત આપવાનો હોય છે, ત્યારે તેના માટે 'દાન' શબ્દને બદલે 'ફરજ' શબ્દ યોગ્ય હોય તેવુ લાગે છે.
મત આપવાની તારીખ = લોકશાહીની વ્યાખ્યામાં જે લોકોની વાત કરવામાં આવે છે તે લોકોનો દિવસ
આમ જોઇએ તો 'લોકશાહી શબ્દનો અર્થ લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર' એવો થાય છે. તેથી મત આપવાની તારીખ માટે એવુ કહી શકાય કે લોકશાહીની વ્યાખ્યામા જે લોકોની વાત કરી છે, તે લોકોનો દિવસ. આ દિવસે લોકોએ પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ અને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પોતાની ફરજ નિભાવવી જોઇએ.

આજના દિવસે દરેક જાગૃત નાગરિકે 'મતદાન' નહી પણ પોતાની 'મત આપવાની ફરજ' પુરી કરવી જોઇએ જેથી 'લોકો વડે, લોકો માટે'ની સરકાર બનાવી શકાય. RIJADEJA.com વેબસાઈટના વાચકો એટલે એવા વિદ્યાર્થીઓ કે જેઓ પોતે સરકારી નોકરી મેળવવાની તૈયારી કરતા હોય છે, ત્યારે આવા વિદ્યાર્થીઓની મત આપવાની ફરજ બમણી થાય છે, તેઓએ પોતે મત આપવો જોઇએ અને સાથોસાથ અન્ય લોકોને પણ મત આપવું કેટલુ જરૂરી છે તેના વિશે માહિતગાર કરવા જોઇએ.

ગુજરાતના દરેક જાગૃત નાગરિકો પોતાનો કિંમતી અને પવિત્ર મત યોગ્ય ઉમેદવારને જરૂર આપે તેવી અપીલ સાથે આ બ્લોગના શબ્દોને અહી જ વિરામ આપુ છું. જય હિંદ...


--R. I. Jadeja
vote is must - rijadeja blog

3 comments: