ભારત માટે આજે તહેવારનો એક અનેરો સંગમ છે. એક તરફ ભારતનો 71મો સ્વાતંત્ર્ય દિવસ છે તો બીજી તરફ જેની છાપ સદીઓથી એક નટખટ, તોફાની અને માસૂમ બાળક જેવી જ રહી છે તેવા બંસીધર શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ઠમીનો તહેવાર છે.
કૃષ્ણ વિશે કંંઇ પણ લખીએ ત્યારે પ્રથમ પ્રશ્ન નામનો પણ થાય કારણ કે કૃષ્ણના સેંકડો નામ છે. કોઇ કવિ / કવિયત્રીના શબ્દોમાં આ પ્રશ્નને કંઇક આ રીતે કહી શકાય,
ઓ રે ક્હાન, અલ્યા કાળિયા ક્હાન, તારા નિત નિત નવા નામ,
કિયા નામે તને ઓળખીયે તારા કામણગારા કામ,
'તને કૃષ્ણ કહું, મોરારી કહું, તને કાનો કહું કે વ્હાલો કહું?'.
કૃષ્ણ શબ્દ બોલતા જ એક નાનું ચાર પગે ચાલતું બાળક, માખણની ચોરી કરતું બાળક, જશોદા મૈયાને હેરાન કરતું બાળક, રાક્ષસોને મારતું બાળક, યમુના કિનારે બલરામજી, સુદામા અને અન્ય મિત્રો સાથે રમત રમતું એક નટખટ બાળક, કાલી નાગને નાથી તેના પર નૃત્ય કરતું બાળક, કંસનો વધ કરતું બાળક, રાધાજી સાથે પ્રેમ કરનાર એક વ્યક્તિ, ગોપીઓ સાથે રાસ રચાવતી વ્યક્તિ, ગોકુળના નદી કિનારે ગાયો ચરાવી અને મધુર વાંસળી વગાળનાર એક ગોવાળ, મહાભારત યુદ્ધ રોકવા માટે પ્રયાસ કરનાર એક પ્રખર રાજનીતિજ્ઞ, અર્જૂનના સારથીની ભૂમિકા ભજવનાર, અર્જુનને યુદ્ધ મેદાનમાં મહાનગ્રંથ ગીતાજી સંભળાવનાર વ્યક્તિ યાદ આવે છે. આ શબ્દ બોલતા જ એક પ્રેમભાવ પ્રગટ થાય છે.
ઘણી વાર આપણે એમ વિચારીએ છીએ કે કૃષ્ણએ અર્જુનને પોતાના જ સંબંધીઓનો વધ કરવાની સલાહ આપી તો તેઓને ભગવાન કઇ રીતે કહી શકાય? પરંતુ શ્રી કૃષ્ણએ બે અલગ અલગ સત્યમાંથી એક પરમ સત્યને પસંદ કરી અર્જુનને આ સલાહ આપી છે. આ સલાહ આપતા પહેલા ભગવાને યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમના જીવનનું એકમાત્ર પરમ સત્ય હતું જે ગીતાજીમાં આ રીતે વર્ણવેલુ છે,
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
આ સત્યને ધ્યાને રાખી અને ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે ઉપદેશ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે આપણે "અસત્યથી સત્ય તરફ નથી જવાનુ પણ નિમ્ન સત્ય થી ઉચ્ચ સત્ય તરફ જવાનું છે".
કૃષ્ણ વિશે લખીએ એટલું ઓછુ છે તે જ રીતે ગીતાજી વિશે પણ સમજીએ એટલુ ઓછુ પડે. જેટલી વધુ વાર આ ગ્રંથ વાંચીએ ત્યારે દરેક વખતે કંઇક નવો સાર, નવી સમજણ થાય છે.
RIJADEJA.com વેબસાઇટના તમામ વાંચકો અને વિદ્યાર્થીઓને કૃષ્ણ જન્માષ્ઠમી અને સ્વાતંત્ર્ય દિવસની ખુબ ખુબ શુભકામનાઓ...
--R. I. Jadeja
JAY SHREE KRISHNA....JAI HIND...
ReplyDelete