31 December, 2017

RIJADEJA.com વેબસાઈટના 7 વર્ષ પૂર્ણ...

નમસ્કાર,

નવા વર્ષની શરૂઆતની સાથોસાથ આપણી શૈક્ષણિક વેબસાઈટ RIJADEJA.comને પણ આજરોજ 7 વર્ષ પૂરા થયા છે. વર્ષ 2010-11મા જ્યારે ફક્ત શોખ માટે તેમજ અમુક ટેકનીકલ બાબતો શીખવ માટે શરૂ કરેલી વેબસાઈટ લોકોને આટલી ઉપયોગી થશે તેમજ આટલા મોટા લેવલ પર પ્રસિદ્ધ થશે તેવો સ્વપ્નમા પણ ખ્યાલ નહોતો.

અગત્યની વાત એ છે RIJADEJA.com વેબસાઈટ એવા સમયમાં લોન્ચ કરવામાં આવી જ્યારે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટવાને થોડો જ સમય બાકી હતો અને આ બાબતે વિદ્યાર્થીઓ વધુ જાગૃત પણ ન હતા. તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વેબસાઈટ ગુજરાતની પ્રથમ અને સાચા અર્થમાં ગુણવત્તાયુક્ત વાંચન સામગ્રી આપનાર પ્રથમ વેબસાઈટ બની જેને આ 7 વર્ષમાં જબરો પ્રતિસાદ મળ્યો.

શરૂઆત:

RIJADEJA.com વેબસાઈટ બનાવવાનો મુળ હેતુ ડોમેઇનને કંંઈ રીતે કન્ફીગર કરવુ તે શીખવાનો જ હતો. વખત જતા પીડીએફ ફાઈલ કઈ રીતે દર્શાવવી તે શીખવાનું મન થયું. આ બાબત શીખવા માટે સ્વાભાવિક રીતે જ એક પીડીએફ ફાઈલ હોવી જોઇએ. જાણે કુદરતે અગાઉ જ બધુ લખ્યુ હોય તેમ અને જે બાબત જીવનભર યાદ રહેવાની હોય તેવી રીતે GPSC નાયબ મામલતદાર અને ડે. સેક્શન ઓફિસર ભરતી 2010-11 જાહેરાતની પીડીએફ ફાઇલ હાથમાં આવી. જેને વેબસાઈટ પર ફક્ત ટેસ્ટીંગ ધોરણે અપલોડ કરી દેવામાં આવી. થોડા દિવસો બાદ વેબસાઈટના આંકડાઓ જોતા ખ્યાલ આવ્યો કે આ ફાઈલ 50થી વધુ વાર સર્ચમાં ડિસ્પ્લે થઇ છે. ફાઇલ વધુને વધુ જોવાતા રસ પણ વધ્યો કે એવુ તો શુંં છે એમા? ત્યારબાદ તે પીડીએફ ફાઇલનો વિગતવાર અભ્યાસ કરતા જણાયું કે તેમાં જે સિલેબસ આપ્યો છે તેના માટેનું તમામ મટીરિયલ તો મારા લેપટોપમાં ટાઈપ થયેલુ જ હતું, જે મે મારી પરીક્ષાની તૈયારી માટે તૈયારીના ભાગ રૂપે ટાઇપ કર્યું હતું. બસ પછી આજ સુધી ક્યારેય પાછળ ફરીને જોયુ જ નથી અને આજે RIJADEJA.com વેબસાઈટ આપ સૌની સમક્ષ છે.

RIJADEJA.com V/s Others

હાલના સમયની વાત કરીએ તો ઈન્ટરનેટ પર બ્લોગ બનાવવો તે સામાન્ય બાબત છે તેમજ મફત અથવા તો મામૂલી ખર્ચમાં પણ બનાવી શકાય છે ત્યારે ગુજરાતમાં પરીક્ષાઓ માટેના અપડેટ્સ આપતા કદાચ 300થી વધુ બ્લોગ છે. આ બધા બ્લોગ જોઇએ તો જ ખ્યાલ આવે કે આપણી આ વેબસાઈટ પર લખેલી તમામ માહિતી સ્પષ્ટ છે, વિશ્વસનીય છે, ગુણવત્તાયુક્ત છે તેમજ મહેનત કરીને બનાવવામાં આવેલી છે, જે અન્ય સાધારણ બ્લોગમાં જોવા મળતુ નથી. આજે 7 વર્ષ પુરા થયા બાદ પણ RIJADEJA.com વેબસાઈટ પર TRP કમાવા માટે બ્રેકીંગ ન્યૂઝના નામ પર કોઇ ખોટી માહિતી અથવા 'અફવા' ફેલાવવામાં આવતી નથી. બીજા બ્લોગની જેમ સામાન્ય 25-25 MCQ પ્રશ્નોના સેટને 'પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે મોડેલ પ્રશ્નપત્ર' કે પછી 'તલાટી પરીક્ષા માટે અતિ ઉપયોગી પ્રશ્નો' વગેરે જેવા આકર્ષક શિર્ષક હેઠળ કોઇ માહિતી મુકવામાં આવતી નથી.

7 વર્ષ સુધી RIJADEJA.com વેબસાઈટ ફક્ત અને ફક્ત ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય માહિતી પુરી પાડતુ આવ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે વિદ્યાર્થીઓને શક્ય એટલી તમામ માહિતી, માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે તેવી બાંહેધરી સાથ તમામ વિદ્યાર્થીઓને વર્ષ 2018 માટેની ખુબ ખુબ શુભકામનાઓ. કોઇપણ કોચીંગ સેન્ટરમાં પોતાના નાણા અને સમય બગાડ્યા વિના સ્વ-મહેનતથી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી શુભકામનાઓ...

R. I. Jadeja

Write your comments / wishes in below comment box

0 Comment(s):

Post a Comment