થોડા દિવસ પહેલા ન્યૂઝ ચેનલો પર સમાચારમા જાણવા મળ્યુ કે કોબ્રાપોસ્ટ નામની એક વેબસાઇટે ભારતના અલગ અલગ રાજકીય પાર્ટીઓના કુલ 11 સાંસદો પર ખોટી રીતે ભલામણ પત્ર લખી આપવા બદલ લાંચ લીધી હોવાની સાબિતિ સાથેના વિડીયો પ્રસિદ્ધ કર્યા છે. આ સ્ટીંગ ઓપરેશનમાં ભાજપ, કોંગ્રેસ, જે.ડી.યુ., એ.આઇ.એ.ડી.એમ.કે. અને બી.એસ.પી. વગેરે રાજકીય દળોના સાંસદોનો સમાવેશ થાય છે. કોબ્રાપોસ્ટે સ્ટીંગ ઓપરેશન દ્વારા સાબિત કર્યું છે કે આ સાંસદો કંપનીઓને ભારતમાં સેટ કરવા માટે ઉપર સુધી ભલામણ પત્ર લખવા માટે તૈયાર થયા હતા, ખુબીની વાત એ છે કે સ્ટીંગ ઓપરેશનમાં જે કંપનીઓની વાત છે તેવી કોઇ કંપની છે જ નહી. સાંસદોએ આવી કંપની છે કે નહી? તે જાણવાની તસ્દી પણ લીધી ન હતી તેવુ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે.
આટલુ મોટુ “કૌભાંડ” કોબ્રાપોસ્ટે છતું કર્યું, જે એક વખાણવા લાયક બાબત છે પણ ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્રોમાં આ સમાચાર ફક્ત એક જ વાર દર્શાવવામાં આવ્યા !!!!! ન્યૂઝ ચેનલ અને સમાચારપત્રો અમુક વાહિયાત સમાચારોને લઇને કલાકો સુધી ભાષણો આપતા રહે છે પણ જ્યારે દેશને ચલાવનારા નેતાઓની આ પ્રકારની હરકતો માટે કેમ ચુપકીદી સાધે છે તે એક વિચારવા લાયક બાબત છે. જ્યારે કોઇ ફિલ્મનો હિરો પોતાની પત્નિથી છુટાછેડા લેવા વિચાર કરે છે ત્યારે ન્યૂઝ ચેનલો આવા વાહિયાત સમાચારને ખુબ જ હાઇલાઇટ કરે છે, પણ જ્યારે દેશનો કોઇ અગત્યનો પ્રશ્ન હોય ત્યારે ન્યૂઝ પર તેની એક ઝલક પણ જોઇ શકાતી નથી.
દરેક વાતોમાં કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહેલ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારનો વિરોધ કરી રહેલ કેન્દ્ર સરકારના કોઇ “મહાન”નેતાઓ પણ આ બાબતે કશું જ બોલ્યા નથી !!! કારણ શું? તેનું ફક્ત એક જ કારણ છે કે આ 11 સાંસદોમાં બન્ને મોટા રાજકીય પક્ષોના સાંસદો ફસાયા છે, તેથી બોલવા માટે કશું બચ્યુ જ નથી. અને એ વાત પણ સમજી શકાય કે ફક્ત આ કારણથી જ ન્યૂઝ અને સમાચારપત્રોમાં પણ આ સ્ટીંગ ઓપરેશન વિશેની દરેક વાતને દાબી દેવામાં આવી છે અને કોઇ હિરો પોતાની પત્નિથી છુટા છેડા લેવાનો છે તે ન્યૂઝ તેમજ અન્ય વાહિયાત ન્યૂઝો દર્શાવી દર્શકોનો સમય બરબાદ કરવામા આવી રહ્યો છે.
જો કે ભારત માટે આ કોઇ નવી વાત નથી, ભારતની પ્રજા આ બધુ જોવા માટે અને સહન કરવા માટે “સક્ષમ” છે –અથવા તો સક્ષમ બનવાની ફરજ પડી છે. કેમકે પ્રજા પાસે આ બાબતોનો વિચાર કરવા માટે સમય નથી કેમકે તેઓને થિયેટરમાં મુવી જોવા જવુ હોય છે, ફેસબુક પર વાહિયાત ફોટાઓને લાઇક કરવા હોય છે વગેરે... આ બધી બાબતોમાંથી જ્યારે પ્રજાને દેશના ભવિષ્ય વિશે વિચારવાનો સમય ન મળે ત્યારે પ્રજાએ આ બધુ સહન કરવાની ફક્ત જ ફરજ જ નથી પડતી પણ “જવાબદારી”બની જાય છે.
વર્ષો પહેલા એક ફિલ્મમાં કંઇક આવો ડાયલૉગ હતો... “100 મે સે 80 બેઇમાન, ફીર ભી મેરા દેશ મહાન...” –- જો કે આ ડાયલૉગ પણ હાલના સમયમાં ખોટો સાબિત થાય છે કારણ કે વિકાસની સાથો સાથ આ 80 નો આંકડાનો પણ વિકાસ થઇ રહ્યો છે!!!
By R. I. Jadeja
0 Comment(s):
Post a Comment