મિત્રો, ઇન્ટરનેટના આ 3જી યુગમા આપણે સૌ એકબીજા સાથે કોઇના કોઇ માધ્યમથી જોડાયેલા છીએ. સોશીયલ નેટવર્કીંગ વેબસાઇટો, ઇન્ટરનેટ સપોર્ટેડ મોબાઇલ અને સસ્તા ઇન્ટરનેટ પ્લાનને લીધે આજે દરેક સામાન્ય વ્યક્તિ પાસે ઇન્ટરનેટની સુવિધા ધરાવતો મોબાઇલ છે અને લગભગ દરેક વ્યક્તિ પોતાના સ્વજન સાથે સીધા જ સંપર્કમા રહે છે.
ફેસબુક જેવી સોશીયલ નેટવર્કીંગની સાઇટ અથવા તો એપ્લીકેશન્સ પોતાના યુઝર્સને ઇન્સ્ટન્ટ મેસેન્જરની સુવિધા પુરી પાડે છે જેથી વ્યક્તિઓ એસ.એમ.એસ. સુવિધાની માફક એકબીજા સાથે વાત કરી શકે. આ પ્રકારની સુવિધાઓમાં અમુક ગ્રુપ બનાવવાની પણ વ્યવસ્થા હોય છે જેથી અમુક વ્યક્તિઓ એક સાથે વ્યક્તિઓના સમૂહને મેસેજ કરી શકે. આમ જોઇએ તો આ સુવિધાઓ ખુબજ ઉપયોગી છે. આ પ્રકારની સુવિધાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો માહિતીનો પ્રચાર ખુબજ સારી રીતે થઇ શકે.
ફેસબુકમાં પણ ગ્રુપ નામની ખુબજ સુંદર સર્વિસ છે જેનો યુઝર્સ ખુબ સારી રીતે ઉપયોગ કરી શકે છે. ખુશીની વાત એ છે કે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ / શિક્ષકો આ પ્રકારના ગ્રુપ્સમા જોડાયેલા છે. આવા ગ્રુપ્સમાં મેમ્બર્સ / સભ્યોની સંખ્યા 800-1000 થી શરૂ થઇને 15-17,000 સુધીની હોય છે, પણ.......... શું આ પ્રકારના ગ્રુપ્સમાં શૈક્ષણિક ચર્ચાઓ થાય છે? ના. અસંખ્ય ગ્રુપ્સની મુલાકાત લીધા બાદ એવુ ચોક્ક્સ કહી શકુ છુ કે આ બધા ગ્રુપ્સમાંથી આંગળીના વેઢે ગણાવી શકાય એટલા ગ્રુપ પણ નથી કે જેમાં ફક્ત શૈક્ષણિક ચર્ચાઓ થતી હોય !!!! :(
આ પ્રકારના ગ્રુપ્સમાં એવા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોય છે જે ગ્રેજ્યુએટ છે તેમજ કોઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તેથી આપણે તે તમામ સભ્યો પાસે અમુક શિષ્ટાચારની આશા રાખી જ શકીએ. પરંતુ આ પ્રકારના ગ્રુપ્સમાં રોજ કોઇને કોઇ શાયરીઓ અથવા તો નકામી વાતો લખવામા આવતી હોય તેવુ જોવા મળે છે. આશ્ચર્ય ત્યારે થાય જ્યારે એક શિક્ષક, કે જે રોજ 40-50 વિદ્યાર્થીઓને ભણાવતો હોય / ભણાવતી હોય, તે આ પ્રકારના શૈક્ષણિક ગ્રુપમાં (જ્યા વિદ્યાર્થીઓ પણ સભ્ય હોઇ શકે છે) ફિલ્મી શાયરીઓ લખે છે. બીજી એક ખામી એ પણ કહી શકાય કે આ પ્રકારના દરેક ગ્રુપ્સમા ફક્ત 2-3% જ એક્ટિવ એટલે કે સક્રિય સભ્યો હોય છે. આ સિવાયના તમામ સભ્યોને નિષ્ક્રીય કહી શકાય, તેમાના ઘણા તો એવા હોય છે કે તેઓ નકામી પોસ્ટ્સના નોટિફીકેશનોથી કંટાળીને નોટિફિકેશન્સ ડિસેબલ કરી દે છે અને ફક્ત કહેવાના સભ્ય જ હોય છે.
આવુ બનવાનું કારણ શું? ઘણા કારણો હોઇ શકે પણ મુખ્ય કારણોમા એવુ કહી શકાય કે, અમુક ગ્રુપ્સ ફક્ત દેખાદેખીને લીધે અથવા તો સસ્તી પ્રસિદ્ધી માટે બનાવવામા આવે છે. કોઇ એક વ્યક્તિના ગ્રુપમાં 5000 સભ્યો છે તો હું પણ તેવુ ગ્રુપ બનાવુ અને સભ્યો જોડુ. આ પ્રકારના ગ્રુપ્સમાં અમુક યુઝર્સને જબરજસ્તી પણ જોડવામા આવે છે. તે યુઝરના કોમ્પ્યુટરના ઓછા જ્ઞાન અથવા તો ફેસબુકની અમુક પ્રાઇવસીની ખામીને લીધે તેણે જબરજસ્તી જોડાવુ પડે છે. બીજુ એક કારણ એ કહી શકાય કે અમુક વેબસાઇટ એડમીનીસ્ટ્રેટર્સ પોતાની સાઇટની ફક્ત જાહેરાત માટે જ ફેસબુક ગ્રુપ્સમાં એક પછી એક એમ સતત પોસ્ટ્સ મુક્યા કરી અને સભ્યોને આડકતરી રીતે હેરાન કરે છે જેને લીધે યુઝર્સે ગ્રુપની પોસ્ટ્સને નજર-અંદાજ કરવાની ફરજ પડે છે.
આ બધા મુદ્દાઓ જોતા આપણે એમ કહી શકીએ કે ઇન્ટરનેટ પર અથવા તો ફેસબુક પર અસંખ્ય શૈક્ષણિક ગ્રુપ્સ છે પણ શૈક્ષણિક ચર્ચાઓ જ થતી હોય તેવા લગભગ કોઇ ગ્રુપ નથી !!! ખરી રીતે જોતા આ એક દુ:ખદ બાબત છે. જો આ પ્રકારની યોગ્ય સુવિધા હોય અને તેનો વિદ્યાર્થીઓ દ્વારા સદુપયોગ ન થઇ શકે તો તે આપણી કમજોરી છે. જો કે ટેક્નોલોજીની આ એક કરામત છે તેનો સદુપયોગ કરવામા આવે તો તે આશીર્વાદ છે અને જો દુરુપયોગ કરવામા આવે તો અભિશાપ છે અને ઉપયોગ કરવામા ન આવે તો ... ??? આપણી પાસે છેલ્લે એક જવાબ તો છે જ... નશીબ!
0 Comment(s):
Post a Comment