04 June, 2012

ધો. 10 પરિણામ – 3 લાખ વિદ્યાર્થીઓ નાપાસ – જવાબદાર કોણ ?


શનિવાર, તા. 2 જૂન, 2012ના રોજ સવારે જાહેર થયેલ ધોરણ 10નુ પરિણામ જોતા જ ઝાટકો લાગી ગયો. પરિણામ વિશે માહિતી વાંચતા ખ્યાલ આવ્યો કે ધોરણ 10ની પરીક્ષામા કુલ 9,26,115 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને તેમાથી 9,10,362 વિદ્યાર્થીઓ જ પરીક્ષામા હાજર રહ્યા હતા. (15,753 વિદ્યાર્થીઓ ગેરહાજર!!!). 
ધોરણ 10ની પરીક્ષાનુ પરિણામ 69.10% આવ્યુ... આ પ્રકારના સમાચાર આપણે સૌએ સમાચારપત્રોમા વાંચ્યા હતા. શુ આ સમાચાર કોઇ નાના સમાચાર છે? શુ આ પરિણામ સારુ છે? શુ આ ગુજરાતના શિક્ષણનો વિકાસ છે? ના. આ બહુ મોટા સમાચાર છે કારણ કે કુલ 9,10,362 વિદ્યાર્થીઓમાથી ફક્ત 69.10% વિદ્યાર્થીઓ જ આ પરીક્ષામા પાસ થયા છે. મતલબ કુલ 2,81,300 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

આ બાબત પહેલી નજરથી કદાચ નાની લાગે તેવી હશે પરંતુ તેનો સ્પષ્ટ મતલબ એવો થાય કે લગભગ 3 લાખ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતા 1 વર્ષ પાછળ રહી ગયા... જવાબદાર કોણ? આ બાબતમા ક્યાક ને ક્યાક કોઇની ભૂલ રહી ગઇ છે તે નક્કી જ છે. શિક્ષણ વિભાગ, શાળાઓના શિક્ષકો, ટ્યુશનના શિક્ષકો અથવા બાળકોના માતા-પિતા... આ બધામાથી કોઇએ આ જવાબદારી સ્વીકારવી જ રહી. ભલે જાહેરમા નહી તો મનોમન પરંતુ સ્વીકારવી જરૂરી છે.

કહેવાતા શિક્ષણવિદો પણ પોતાના ટ્યુશન ક્લાસ ચલાવવામા વ્યસ્ત છે. લોકોનો અવાજ એવા મિડીયાએ પણ આ વિશે કોઇ નોંધ લીધી નથી. મિડીયામા આ પ્રકારના સમાચાર ક્યારેય જોવા મળતા નથી. જો કે મિડીયાને આ બાબતથી કશો ફર્ક પડતો નથી કારણ કે તેઓને ટ્યુશન ક્લાસીસની ફુલ પેજની જાહેરાતો મળી રહે છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ચિંતા ફક્ત નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ તેમજ તેઓના માતા-પિતાએ કરવી પડે છે.

1 comment: