30 July, 2012

TET પરીક્ષા પરિણામ - વિરોધ શા માટે?


થોડા સમયથી ગુજરાત સરકાર દ્વારા શિક્ષક બનવા માટે એક પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે જેને શિક્ષક અભિયોગ્યતા કસોટી (TET) તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે લેવાયેલ આ પરીક્ષાઓનુ પરિણામ ખુબ જ ગંભીર આવ્યુ છે. ફક્ત 2.5% તેમજ 3.4% !!!

અમુક લોકો આ પરિણામને ગેરવાજબી ગણાવે છે. પરંતુ શા માટે? કોઇ પરીક્ષામાં કોઇ ઉમેદવાર યોગ્ય પ્રદર્શન કરી ન શકે તો શુ પરિણામને ગેરવાજબી ગણાવી શકાય? બિલકુલ નહી. શુ આ પરીક્ષાનુ પ્રશ્નપત્ર અઘરુ હતુ? શુ પ્રશ્નો સિલેબસ (અભ્યાસક્રમ) બહારના હતા? શુ આ પરીક્ષામાં કોઇ સાથે ભેદભાવ થયો છે? બિલકુલ નહી. આ પરીક્ષાના બધા જ પ્રશ્નો અભ્યાસક્રમ મુજબના જ હતા. જો મારા જેવા આર્ટ્સના વિદ્યાર્થીને આ પ્રશ્નપત્ર સહેલુ લાગતુ હોય તો આ પરીક્ષાની તૈયારી કરતા મારા શિક્ષક મિત્રોને આ પ્રશ્નપત્ર કઇ રીતે અઘરુ લાગે?
આ પરીક્ષા માટે અમુક લોકો સંપૂર્ણ પરીક્ષા સામે વિરોધ નોંધાવે છે જેમાં તેઓ નીચે મુજબના મુદ્દાઓને ધ્યાનમાં લેતા હોય છે.

વિરોધ નં. ૧. શુ કોઇ શિક્ષકને પ્રમાણપત્રની જરૂર પડે કે તે એલીજીબલ છે કે નહી?

ખુલાસો: ચોક્કસ જરૂર પડે. શિક્ષકને આ પ્રમાણપત્રની જરૂર પડે જ કારણકે તે પોતે અપડેટ હશે તો જ વિદ્યાર્થીઓને અપટેડ રાખી શકશે. હાલની સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત જોતા આ પ્રમાણપત્ર ખુબ જ જરૂરી છે. સરકારના જે-તે ખાતાના આઇ.એ.એસ. કક્ષાના અધિકારીઓ અથવા તો સચીવો દ્વારા આ બધી બાબતની ચકાસણી કર્યા બાદ જ આ પરીક્ષા લાગુ કરાઇ છે તેથી કોઇ સામાન્ય માણસના વિરોધનો કોઇ પ્રશ્ન જ નથી. 

વિરોધ નં. ૨. આ પરીક્ષામાં જે પ્રશ્નો પુછવામાં આવે છે તે શિક્ષણમાં ઉપયોગી નથી.

ખુલાસો: ટેટ પરીક્ષામાં અભ્યાસક્રમ અનુસાર જ પ્રશ્નો પુછવામાં આવે છે અને તે અભ્યાસક્રમમાં જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે એક શિક્ષકને આવડવા જ જોઇએ અને તો જ તે વિદ્યાર્થીઓને શિખવી શકશે.

વિરોધ નં. ૩. શિક્ષકનુ મનોબળ તુટી જાય તેવા પ્રશ્નો પુછવામાં આવે છે.

ખુલાસો: કોઇપણ વ્યક્તિનુ મનોબળ તુટે જ્યારે તે હિંમ્મત હારી ગયો ગણવામાં આવે છે. શુ કોઇ શિક્ષક એટલો નબળો હોય? તે શિક્ષકે તો સમાજનુ ઘડતર કરવાનુ છે તો તેનુ મનોબળ તુટે જ નહી. અને પરીક્ષામાં એવા કોઇ પ્રશ્નો પુછવામાં નથી આવ્યા જેથી કોઇ વ્યક્તિનુ મનોબળ તુટી જાય. હા, તૈયારી કર્યા વિના જે શિક્ષકોએ પરીક્ષા આપી હશે તેઓનુ મનોબળ જરૂર તુટ્યુ હશે અને તેવી પરિસ્થિતિમાં મનોબળ તુટવુ તે સામાન્ય ગણી શકાય.

વિરોધ નં. ૪. આ પરીક્ષા શિક્ષકોને ઠોઠ નિશાળિયો સાબિત કરવા માંગે છે? 

ખુલાસો: ઠોઠ નિશાળિયો!!! શિક્ષક તો તેને કહેવાય જે ઠોઠ નિશાળિયાને હોશિયાર બનાવી દે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ તૈયારીના અભાવે કદાચ કોઇને તેવો વ્યક્તિગત વિચાર આવે તે સામાન્ય બાબત છે.

વિરોધ નં. ૫. પરીક્ષામાં અભ્યાસક્રમ જળવાયો નથી, સ્ટીવ જોબ્સ અને ભૂમિતિના જેવા બહારના પ્રશ્નો પુછ્યા છે.

ખુલાસો: અભ્યાસક્રમ બિલકુલ જળવાયો જ છે. અભ્યાસક્રમમાં લખ્યા મુજબ કરંટ અફેયર્સ પણ અભ્યાસક્રમનો જ એક ભાગ છે અને કરંટ અફેયર્સના પ્રશ્નોમાં સ્ટીવ જોબ્સનો પ્રશ્ન તે બિલકુલ વાજબી છે કારણ કે છેલ્લા અમુક મહિનાઓના સમાચારોમાં સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ તે જ છે તેમજ સ્ટીવ જોબ્સનુ આ દુનિયાને ઘણુ પ્રદાન છે. ભૂમિતિના પ્રશ્નો આઇ.એ.એસ.ને પણ ના આવડે તેવી ચર્ચા કરતા અમુક લોકોએ તે બાબતનો ખ્યાલ રાખવો જોઇએ કે તે પ્રશ્નો ધોરણ 5 થી 8ના પુસ્તકોમાંથી જ પુછાયા છે, જે એક પ્રાથમિક શિક્ષકને આવડવા જ જોઇએ. 

વિરોધ નં. ૬. ટેટનુ પરિણામ સી.એ./આઇ.એ.એસ. કરતા પણ ખરાબ. તેના કરતા તો કલેક્ટરની પરીક્ષા આપવી સારી. 

ખુલાસો: કોઇપણ પરીક્ષાની બીજી પરીક્ષા સાથે સરખામણી બિલકુલ અયોગ્ય છે. શિક્ષક દરજ્જનો વ્યક્તિ આ પ્રકારની સરખામણી કઇ રીતે કરી શકે! ટેટ અને આઇ.એ.એસ. પરીક્ષા વચ્ચે બહુ જ મોટો ગાળો છે અને કોઇ શિક્ષક મિત્રને કલેક્ટર (યુપીએસસી સિવિલ સર્વિસીસ) પરીક્ષા આપવી હોય તો તેઓ આપી જ શકે છે.

મિત્રો, આપેલ બધી જ બાબતો અમુક લોકો દ્વારા ચર્ચવામાં આવી છે સાથોસાથ તેના એકદમ સાચા તેમજ વાજબી ખુલાસા પણ આપવામાં આવ્યા છે. ટેટ પરીક્ષા આજના સમયમાં બિલકુલ યોગ્ય છે. હા, પ્રાઇવેટ/સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાંથી પાસ થયેલ અમુક વિદ્યાર્થીઓને આ પરીક્ષા થોડી અઘરી જરૂર લાગે છે પરંતુ થોડી મહેનત દ્વારા તેઓ આ પરીક્ષા પાસ કરી શકે છે. આ પરીક્ષાનો એક ફાયદો ચોક્ક્સ થશે કે હવે પછીના સમયમાં સરકારી શાળાઓનુ લેવલ પ્રમાણમાં ઉંચુ જરૂરથી આવશે જ.

3 comments:

  1. ખુબ સરસ લેખ છે. આવા વિરોધ ફક્ત મુર્ખ લોકો જ કરે છે. પોતે નિર્બળ હોવાને લીધે સમગ્ર પ્રક્રિયાને ખોટી બતાવનાર લોકો પોતાની ઓછી બુદ્ધિનું પ્રદર્શન કરનારા જ હોય છે. પોતે નાપાસ થયા હોય તેથી સમગ્ર પરીક્ષાની પ્રક્રિયાને અથવા પરિણામને ગેરવાજબી બતાવવુ તે આવા લોકોનું કામ હોય છે.

    તમે લખેલ એક એક કારણ ખુબ જ વાજબી છે. આવો સુંદર લેખ આપવા બદલ આભાર.

    ReplyDelete