મિત્રો, થોડા દિવસોથી જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષાના મેરીટના સમાચારો અથવા તો અફવાઓ જ સાંભળવા મળે છે. અમુક કોચીંગ સેન્ટર, મેગેઝીનના તંત્રીઓ, કોચીંગ સેન્ટરના ફેકલ્ટીઓ, વર્ષ 2006 પહેલા પરીક્ષા પાસ કરેલા અધિકારીઓ, ન્યૂઝપેપર્સ વગેરેમાં આવા ન્યૂઝ જોવા મળે છે. બધા જ વ્યક્તિઓ દ્વારા મેરીટનો સંભવિત આંકડો સાંભાળીને નવાઇ લાગે, નવાઇ એટલા માટે કે દરેક વ્યક્તિ આ પરીક્ષાનું મેરીટ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 197 રહેશે તેવું માને છે!!! કદાચ એવુ બને પણ ખરા અને આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ કે મેરીટ નીચુ જાય, જેથી વધુમાં વધું ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવાનો મોકો મળે. પણ, શું એ શક્ય છે?
કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષાનું મેરીટ કેટલા માર્ક્સ પર અટકે તેની ધારણા કરવી એ ખુબજ અઘરુ તેમજ વિશ્લેષણ માંગી લેતુ કામ છે. કારણકે સ્પર્ધાત્મક પરીક્ષાઓના મેરીટનો અંદાજ લગાવવા માટે ઘણા બધા પાસાઓને ધ્યાને લેવા પડે છે જેમકે, પરીક્ષામાં ભાગ લીધેલ ઉમેદવારોની સંખ્યા, પ્રશ્નપત્ર કેટલુ સરળ અથવા અઘરું હતું?, એવરેજ વિદ્યાર્થીઓના અંદાજિત માર્ક્સ કેટલા થાય છે? વગેરે... આ બધા પાસાઓનો વિચાર કરીએ તો આપણે એમ કહી શકીએ કે કોઇ કોચીંગ ક્લાસ ચલાવતા ‘સાહેબ!’આવી પરીક્ષાના મેરીટનો અંદાજ લગાવી ન શકે.
હાલમા જે વાતો સાંભળવા મળે છે તેના અનુસાર નિષ્ણાંતોએ આ માર્ક્સ (197) સૂચવ્યા છે, હવે અગત્યનો પ્રશ્ન એ છે કે આ નિષ્ણાંતો અથવા તો ‘દિગ્ગજ’ છે કોણ? સનાતન સત્ય એ છે કે આવા માર્કસની અફવાઓ ફેલાવનાર મોટા ભાગના કોચીંગ સેન્ટરના ‘સાહેબો’ છે. આવું કરવા પાછળ એક જ કારણ એ છે કે જે વિદ્યાર્થીઓને 197 અથવા તેથી વધું માર્ક્સ થતા હોય તેઓ તેમના કોચીંગ સેન્ટરમાં જોડાઇ અને ક્લાસ ચાલુ કરી દે. બસ, આ એક જ કારણના લીધે તેઓ કોઇપણ પ્રકારના આધાર / આંકડા વિના મેરીટના સંભવિત માર્કસ રજૂ કરે છે.
મેરીટની વાત કરીએ તો, જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષામાં કુલ 3 પ્રશ્નપત્રોમાં પ્રથમ પ્રશ્નપત્ર (ગુજરાતી અને અંગ્રેજી) એકદમ સરળ હતું જેમાં એવરેજ વિદ્યાર્થીઓને 150માંથી 90 માર્ક્સ સ્વાભાવિક રીતે આવી શકે. બીજુ પ્રશ્નપત્ર (રિઝનીંગ અને ગણિત) થોડુ અઘરુ હતું તેમજ સમય માંગી લે તેવું હતું. બીજા પ્રશ્નપત્રમાં રિઝનીંગના 75 માર્કસમાંથી 55 આવી શકે તેવું માની લઇએ કારણકે રિઝનીંગના પ્રશ્નો પ્રમાણમાં સહેલા હતા. બીજા પ્રશ્નપત્રના બીજા સેક્શન એટલે કે ગણિતની વાત કરીએ તો વિદ્યાર્થીઓ અનુસાર તે ખુબજ અઘરું હતું અને સમય ઘટ્યો હતો તેથી આપણે તેના 75 માર્ક્સમાંથી ફક્ત 30 જ ગણીએ (આમ જોવા જઇએ તો વર્ગ 1-2ની પરીક્ષામાં વધુ માર્ક્સ જ હોવા જોઇએ પણ આપણે મિનીમમ માર્ક્સ જ ગણીએ). છેલ્લે ત્રીજા પ્રશ્નપત્રની વાત કરીએ તે પણ ખુબજ અઘરુ તેમજ સિલેબસ બહારના ઘણા પ્રશ્નો હોવાથી વિદ્યાર્થીઓને મુંઝવણ કરાવે તેવું હતું. ત્રીજા પ્રશ્નપત્રમાં કુલ 200 માર્કસ માંથી 80 તો ગણી જ શકાય? આટલા ઓછા માર્ક્સ ગણ્યા બાદ કુલ સરવાળો કરીએ તો પણ 90 + 55 + 30 + 80 = 255 થાય.
ઉપરોક્ત ગણતરી એ સાવ ઓછામાં ઓછા ગણેલા માર્ક્સ છે અને વર્ગ 1-2 જેવી પરીક્ષામાં પ્રશ્નપત્રની ચકાસણી કર્યા બાદ આટલા માર્ક્સની ગણતરી તો રાખવી જ રહી. મારા વ્યક્તિગત વિચાર મુજબ આ પરીક્ષાનું મેરીટ 230 થી 270-80 સુધી જઇ શકે તેવી શક્યતા છે. 197 માર્ક્સને આધાર રાખી અને કોઇપણ વિદ્યાર્થી કોચીંગ સેન્ટર જોઇન કરતા પહેલા 100 વાર વિચાર કરે તેવી મારી વ્યક્તિગત, વણમાંગી અને મફતની સલાહ છે. જે વિદ્યાર્થીઓને 220 થી વધું માર્ક્સ થાય છે તેવા લોકોએ પરિણામની રાહ જોયા વિના હાલ પુરતી જનરલ સ્ટડીઝ પ્રશ્નપત્રોની તૈયારી ચાલુ કરી દેવી જોઇએ. કારણકે, જો મેરીટમાં નામ નહી હોય તો કોઇ પ્રશ્ન જ નથી પણ મેરીટમાં નામ હશે અને પરિણામની રાહમાં તૈયારી શરૂ નહી કરી હોય તો ચોક્કસ તકલીફ ઉભી થશે તેની હું ખાતરી આપુ છું.
આપ સૌના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ, આપનું નવું વર્ષ જ્ઞાનમય બની રહે તેવી શુભકામનાઓ તેમજ જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષામાં સારો સ્કોર બનાવનાર દરેક વિદ્યાર્થી મિત્રોને મુખ્ય પરીક્ષા માટે All the best…
--R. I. Jadeja
0 Comment(s):
Post a Comment