14 May, 2022

Monday Musings e-Magazine: સફળતાના 10 વર્ષ પૂર્ણ!

નમસ્કાર!

વર્ષ 14મી મે, 2012ના રોજ શરુ કરેલ આ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના 10 વર્ષ પૂર્ણ થયા છે તે પ્રસંગે દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

આજથી 10 વર્ષ પહેલા જ્યારે આ મેગેઝિન શરુ કર્યું ત્યારે તે ગુજરાતનું સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ આપતું પ્રથમ ઇ-મેગેઝિન હતું જે બહુ સરળ ફોર્મેટમાં હતું તેમજ તેનું કન્ટેન્ટ પણ ઓછું હતું. ધીમે ધીમે જેમ સમય ગયો તેમ આ મેગેઝિનના ફોર્મેટમાં વિવિધ સુધારાઓ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમાં MM Special નામથી એક અલગ વિભાગ શરુ કરાયો જેમાં વિવિધ મુદ્દાઓ પરનું જનરલ નોલેજ પીરસવામાં આવતું. તેના થોડા મહિનાઓ બાદ વિદ્યાર્થીઓની રજુઆતને અનુસંધાને તેમા અઠવાડિક ક્વિઝ ઉમેરવામાં આવી જેથી વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનને ચકાસી શકે. આ રીતે મેગેઝિનના ફોર્મેટ, કદ, આકાર વગેરેમાં સમય મુજબ ફેરફાર કરાયો.

વર્ષ 2013માં ઘણા બધા ગામડાના વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા ન હતી અને તેઓની માંગ હતી કે આ મેગેઝિનને પ્રિન્ટેડ સ્વરુપે ઉપલબ્ધ કરાવવામાં આવે. વિદ્યાર્થીઓની આ માંગને ધ્યાને લઇ 28 એપ્રિલ, 2013ના રોજ આ મેગેઝિનને 'નહિ નફો, નહિ નુકસાન' ના ધોરણે પ્રિન્ટ કરવામાં આવ્યું તેમજ તેનું છ મહિનાનું લવાજમ ફકત રુ. 120 તેમજ વાર્ષિક લવાજમ ફક્ત રુ. 240 રખાયું! પરંતુ ભારતીય પોસ્ટ સેવાની અત્યંત ખરાબ સર્વિસના પાપે ઑક્ટોબર, 2013માં આ મેગેઝિનનું પ્રિન્ટેડ વર્ઝન બંધ કરવાની ફરજ પડી અને મેગેઝિનને ઓનલાઇન ઇ-મેગેઝિન સ્વરુપે જ નિઃશુલ્ક પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવાયો.

હાલ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન ડેઇલી કરંટ અફેર્સ પણ પુરુ પાડે છે જે જોવા માટે વિદ્યાર્થીઓ અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકે છે અથવા અમારી ઓફિશિયલ વેબસાઇટ https://mm.rijadeja.com જોઇ શકે છે. 10 વર્ષ થયે પણ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે ડિસેમ્બર, 2021માં આ મેગેઝિનના 500માં અંકથી આ ઓનલાઇન મેગેઝિનને પ્રિન્ટેડ મેગેઝિન જેવું જ રુપ અપાયું જેમાં કલર ફોટોગ્રાફ, ચાર્ટ, મલ્ટી કોલમ લે-આઉટ  વગેરેના આધારે તેને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરાયો.

આ મેગેઝિન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કેટલું ઉપયોગી છે તેની સાબિતિ તેના પરથી મળે છે કે છેલ્લે જે GPSC વર્ગ 1-2, નાયબ મામલતદાર, ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઇ. વગેરે પરીક્ષાઓમાં જે કરંટ અફેર્સના પ્રશ્નો પુછાયા હતા તેમાંથી મોટા ભાગના પ્રશ્નોના જવાબ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનમાંથી જ મળી રહ્યા હતા.

હજુ પણ આ મેગેઝિનમાં કોઇ જ વધારાના ન્યૂઝ, લાંબી વાર્તાઓ અથવા બિન-જરુરી માહિતી આપીને વિદ્યાર્થીઓનો સમય બગાડવામાં આવતો નથી. ભવિષ્યમાં પણ આ મેગેઝિનની ગુણવત્તામાં વધુ ને વધુ સુધારો થતો રહે તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં તે ઉપયોગી બની રહે તેવા પ્રયાસો અમારા દ્વારા થતા રહેશે તેવા વિશ્વાસ સાથે...

R. I. Jadeja

20 March, 2022

International Day of Happiness - Keep Calm, Stay Wise and Be Kind

World happiness day 2022
વિશ્વમાં દરેક દિવસને કોઇને કોઇ નામ આપીને મનાવવામાં આવે છે તેમ 20મી માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) તરીકે મનાવાય છે. આ દિવસ વર્ષ 2012થી મનાવાય છે જેનો ઉદેશ્ય એ વાત તરફ ધ્યાન દોરવાનો છે કે ખુશી / પ્રસન્નતા એ વ્યક્તિગત જીવનની સૌથી અગત્યની બાબત છે. 

તાજેતરમાં જ વિશ્વ હેપ્પીનેસ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો જેમાં વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે ફિનલેન્ડને તેમજ સૌથી નાખુશ દેશ તરીકે અફઘાનિસ્તાનને દર્શાવાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ રિપોર્ટમાં ટોપ 5 ખુશ દેશોની યાદીમાં Nordic Countries (ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન વગેરે)ના જ નામ હોય છે. કોઇપણ દેશના નાગરિકો પોતાના દેશની સુવિધાઓ, સરકાર, નીતિ નિયમ વગેરે દ્વારા કેટલા ખુશ છે તેના દ્વારા આ રિપોર્ટમાં ક્રમ અપાય છે. ભારતની વાત કરીએ તો છેલ્લા લગભગ 10 વર્ષથી ભારત આ રિપોર્ટમાં સતત પાછળ જતું હતું જેમા આ વર્ષે 3 સ્થાનના સુધારા સાથે ભારત 136માં ક્રમ પર પહોંચ્યું છે! આપણે એમ કહી શકીએ કે આપણે ગયા વર્ષ કરતા આ વર્ષે થોડા વધુ ખુશ છીએ? :)

પ્રસન્નતા / હેપ્પીનેસને ખરેખર તો ક્યારેય માપી શકાય જ નહી કારણ કે એસી ઓફિસમાં કોઇ જ આર્થિક કે સામાજિક ચિંતા ન હોવા છતા કોઇ વ્યક્તિ નિરાશ બેઠો હોય છે અને રોડ પર ઝુંપડું બાંધીને જે વ્યક્તિ સાંજે જમી શકશે કે નહી તે પણ નિશ્ચિત નથી તે ઘણીવાર એકદમ ખુશ મિજાજ જોવા મળે છે. આ પ્રકારના અનેક અનુભવો આપણને રોજબરોજ થાય છે. સાચી પ્રસન્નતા અથવા ખુશી અંદરથી આવે છે, તેને સંપૂર્ણ રીતે પામવા માટે ફક્ત ભૌતિક સુખ સુવિધાઓ પર્યાપ્ત નથી  તેથી જ ઘણા લોકો પ્રસન્નતા પામવા માટે જ તમામ ભૌતિક સુવિધાઓ ત્યાગીને  પ્રકૃતિના સાનિધ્યમાં ફરવા નીકળી જાય છે ને! 

આજના હેપ્પીનેસ દિવસે આપ સૌ આવનારા હેપ્પીનેસ દિવસ સુધી ખુબ ખુશ રહો તેવી શુભકામનાઓ... આવતા વર્ષે ફરી એક વર્ષ માટેની શુભકામનાઓ આપવામાં આવશે :)

-- R. I. Jadeja

28 February, 2022

યુદ્ધ એ જ કલ્યાણ?

russia ukraine war
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ ભીષણ યુદ્ધના દૃષ્યો જોઇને સ્વાભાવિક રીતે જ કંપારી છૂટી ઉઠે. એવો વિચાર પણ આવે કે લગભગ અઢી વર્ષથી કોરોના મહામારીમાં ઝઝુમી રહેલી આ દુનિયા યુદ્ધ પણ કરી શકે!? છેલ્લા લગભગ એક મહિનાથી જે બીક હતી તે સમય આખરે આવી જ ગયો અને રશિયાએ પોતાના કરતા લગભગ 28માં ભાગ જેવડા દેશ પર હુમલો કરી દીધો. 

આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે અને તેમા કેટલા લોકોના જીવ જશે, કેટલું નુકસાન થશે તે યુદ્ધ બાદ જ ખ્યાલ આવશે પરંતુ આ યુદ્ધથી એક વાત સાબિત થઇ છે કે કોઇપણ દેશે પોતાની સુરક્ષા બીજાના ભરોસા પર મુકવી ન જોઇએ તેમજ પોતાના દેશની સુરક્ષા માટે કોઇપણ દેશે પોતાની લશ્કરી તાકાત અને તેના કદનો વિસ્તાર કરવો જોઇએ. આજના સમયની આ જ હકીકત છે.

નાટો સંગઠન અને અમેરિકાના ભરોસે બેઠેલા યુક્રેને પોતાના કરતા 28 ગણા મોટા દેશ સામે છેલ્લે પોતે જ લડવુ પડ્યું. અંતે યુક્રેનને પોતાના દેશની સેના, પોતાના જ હથિયારો, પોતાના નેતાઓ અને પોતાના જ નાગરિકો કામ આવ્યા. લગભગ બે મધ્ય પ્રદેશ જેટલું કદ ધરાવતા આ નાનકડા દેશ (જો કે, રશિયાને બાદ કરતા વિસ્તારની દૃષ્ટિએ યુક્રેન યુરોપનો સૌથી મોટો દેશ છે)ની સેના, નાગરિકો અને નેતાઓને સલામ છે કે મહાશક્તિ ગણાતા આટલા મોટા દેશ સામે ચાર દિવસથી લડી  રહ્યા છે તેમજ રશિયન સેનાનો હિંમ્મતપૂર્વક સામનો કરી રહ્યા છે. 

બન્ને દેશો વચ્ચે વિસ્તાર સિવાય પણ બહુ મોટા તફાવત છે જેમકે યુક્રેન પાસે ફક્ત 1,96,000નું સૈન્ય બળ છે જેની સામે રશિયા પાસે 9,00,000 સૈનિકો છે. યુક્રેન પાસે 132 એરક્રાફ્ટ અને 55 હેલિકોપ્ટર છે જ્યારે રશિયા પાસે લગભગ 1,391 એરક્રાફ્ટ અને 948 હેલિકોપ્ટર છે. યુક્રેનનું સંરક્ષણ ક્ષેત્રનું વાર્ષિક બજેટ લગભગ 4.7 બિલિયન ડોલર છે જ્યારે રશિયાનું 45.8 બિલિયન ડોલર જેટલું છે!

આટલો તફાવત હોવા છતાં યુક્રેન હિંમ્મતપૂર્વક લડી રહ્યું છે જે વખાણવા લાયક છે. અફસોસની વાત છે  એ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ ભવિષ્યના યુદ્ધોને રોકી શકાય તેવા ઉદેશ્યથી સ્થપાયેલી 'સંયુક્ત રાષ્ટ્ર / United Nations' નામની સંસ્થા પણ યુક્રેન અને રશિયા વચ્ચેના આ યુદ્ધને રોકવા માટે ફક્ત અપીલ જ કરી રહ્યું છે, રોકી શકતું નથી!

આશા રાખીએ કે આ યુદ્ધ ખુબજ જલ્દી બંધ થાય જેથી યુક્રેનના 'નિર્દોષ નાગરિકો' આ સંકટમાંથી બહાર આવી શકે, બાકી રશિયા માટે "યુદ્ધ એ જ કલ્યાણ" હોય તેવું લાગી રહ્યું છે.

- R. I. Jadeja

Submit your comments here

26 January, 2022

ભારતનો 73મો ગણતંત્ર દિવસ

નમસ્કાર મિત્રો, 

26 જાન્યુઆરી એટલે લોકતાંત્રિક ભારતનો પવિત્ર રાષ્ટ્રીય પર્વ. આજે એ દિવસ છે જ્યારે બ્રિટિશ સમયનો ભારત સરકાર અધિનિયમ, 1935 હટાવી અને ભારતનું બંધારણ લાગૂ કરવામાં આવ્યું. આ બંધારણ ભારતની બંધારણ સભા દ્વારા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસની ચર્ચાઓ બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. આ એ જ બંધારણ છે જેની તાકાતથી કોઇપણ નાગરિક આઝાદ ભારતમાં પૂર્ણ સ્વતંત્રતાથી હરી ફરી શકે છે તેમજ બંધારણ દ્વારા પ્રદત્ત અધિકારો ભોગવે છે.  26 જાન્યુઆરીથી જ ભારતમાં ભારતીય શાસન અને કાયદો સ્થાપિત થયો, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પોતાનો કાર્યભાર સંભાળ્યો તેમજ  વર્ષ 1952 સુધી ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી ન થઇ ત્યા સુધી ભારતની બંધારણ સભા અસ્થાયી સંસદ તરીકે કાર્યરત બની અને નવી ચૂંટાયેલી સરકારને બંધારણ અનુસાર શક્તિઓ પ્રદાન કરી. આજે પણ સમગ્ર દેશના ત્રણેય સ્તંભ (કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા) ભારતના બંધારણ મુજબ જ કામ કરે છે જે બંધારણને 389 સદસ્યોએ દિવસ રાત મહેનત કરીને, ચર્ચા કરીને બનાવ્યું હતું.

બંધારણ લાગૂ કરવા માટે 26 જાન્યુઆરી તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ હતુંં, વર્ષ 1930માં આ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરાયું હતું. ભારતનો ગણતંત્ર દિવસ એ ફક્ત એક રાષ્ટ્રીય રજા માત્ર નથી, આ દિવસ દેશની આઝાદી માટે શહીદ થયેલ સ્વતંત્રસેનાનીઓને યાદ કરવાનો એક રાષ્ટ્રીય તહેવાર છે. ભારતને આઝાદ કરાવવા માટે દેશના અનેક સપૂતોએ પોતાનું બલિદાન આપ્યું છે અને વર્ષો સુધી તેઓએ સંઘર્ષ કર્યો તેના બદલામાં આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ.

ભારતના ગણતંત્ર દિવસને 72 વર્ષથી ખુબજ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. ગણતંત્ર દિવસ મનાવવાની શરુઆત આટલા વર્ષોથી 24 જાન્યુઆરીથી કરવામાં આવતી હતી જે ઉજવણી 29 જાન્યુઆરી સુધી ચાલતી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષ એટલે કે વર્ષ 2022થી ગણતંત્ર દિવસની ઉજવણી 23 જાન્યુઆરી (નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ) થી કરવાનો નિર્ણય લેવાયો છે. ગણતંત્ર દિવસની મુખ્ય ઉજવણી 26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના રાજપથ ખાતે થાય છે જેમાં દેશની સેનાઓ અને અર્ધસૈનિક દળોની પરેડ, ભારતની સૈન્ય શક્તિનું પ્રદર્શન, દેશની વિવિધતા દર્શાવતી રાજ્યોની કલાકૃતિઓ સહિતનું પ્રદર્શન કરવામાં આવે છે. ગણતંત્ર દિવસની ઉજવણી 29 જાન્યુઆરીના રોજ Beating Retreat સેરેમની બાદ પૂર્ણ થાય છે. આ કાર્યક્રમમાં દેશની સેનાના ત્રણેય દળોના બેન્ડ દ્વારા નવી દિલ્હીના વિજય ચોક ખાતે વિવિધ ધૂન વગાડવામાં આવે છે. બિટિંગ રિટ્રીટ કાર્યક્રમની શરુઆતમાં જન ગણ મન તેમજ છેલ્લે સારે જહાં સે અચ્છા ગીત વગાડવામાં આવે છે. વર્ષ 2022થી આ ધૂનોમાંથી ખ્રિસ્તિ પ્રાર્થના Abide with me ને હટાવી એ મેરે વતન કે લોગો ધૂનને ઉમેરવામાં આવી છે.

26 જાન્યુઆરીના રોજ ટેલિવિઝનમાં જ્યારે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી માણીએ ત્યારે ખરેખર આપણને આપણા દેશની વૈવિધ્યતા અને તાકાતનો પરચો થાય અને મનના અંદરના એક ખૂણે 'મેરા ભારત મહાન', 'જય હિંદ', 'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા' અને 'વંદે માતરમ્‌' જેવા શબ્દો  સ્વાભાવિક પણે જ આવે. દેશના 73માં ગણતંત્ર દિવસના આ શુભ પ્રસંગે ભારતની આઝાદીમાં જેઓએ પોતાનું યોગદાન આપ્યું હોય તેવા જાણ્યા-અજાણ્યા અને નાનામાં નાનું યોગદાન આપનાર દરેક ભારતીયોને કોટિ કોટિ વંદન. આપ સૌને ગણતંત્ર દિવસની શુભકામનાઓ...

આપનો વિશ્વાસુ,
R. I. Jadeja

23 January, 2022

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ

Subhash Chandra Bose
નમસ્કાર મિત્રો,

23 જાન્યુઆરી એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ જેમણે દેશને 'તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા', 'દિલ્હી ચલો' તેમજ 'જય હિંદ' જેવા નારા આપ્યા છે. ભારતની આઝાદીની ચળવળની વાત આવે અને સુભાષચંદ્ર બોઝનું નામ યાદ ન આવે તેવું શક્ય જ નથી. નેતાજી જ એ વ્યક્તિ હતા જેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારની સ્થાપના કરી જેને વિશ્વના અનેક દેશોએ માન્યતા પણ આપી હતી.  નેતાજીની 'આઝાદ હિંદ ફૌજ' દ્વારા જાપાનના સહયોગથી આંદામાન-નિકોબાર ટાપુને બ્રિટિશ શાસનમાંથી મુક્ત જાહેર  કરાયા હતા તેમજ તેને અનુક્રમે શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ નામ અપાયું હતું. દુઃખની વાત એ છે કે દેશ માટે આટલું કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝના નિધન અંગે સર્જાયેલું રહસ્ય આજે પણ અકબંધ છે. નેતાજીના મૃત્યું સંદર્ભે ફિગેસ રિપોર્ટ, 1946, શાહ નવાઝ સમિતિ (1956), ખોશલા કમિશન (1970), મુખરજી કમિશન (2005) તેમજ જાપાન સરકારના 1956ના રિપોર્ટ સહિત અનેક તપાસ તેમજ દસ્તાવેજ તૈયાર કરાયા હતા પરંતુ સરકાર દ્વારા નેતાજીના મૃત્યું સંબંધિત કોઇપણ દસ્તાવેજને સાર્વજનિક કરવામાં આવ્યા નથી!

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની મજબુરીનો લાભ લઇ તેઓ ભારતની સ્વતંત્રતાની લડાઇને તીવ્ર બનાવવા ઇચ્છતા હતા પરંતુ ગાંધી તેના સહમત ન હતા. 1939માં કોંગ્રેસ અધ્યક્ષના પદ માટેની ચુંટણીમાં સુભાષ ચંદ્ર બોઝને હરાવવા માટે ગાંધીએ પટ્ટાભિ સિતારમૈયાને પોતાના પ્રતિનિધિ ગણાવ્યા તેમ છતાં સુભાષચંદ્ર બોઝ 203 મતથી આ ચુંટણીમાં વિજયી બન્યા. નેતાજીના આ વિજય બાદ એમ. કે. ગાંધીએ સિતારમૈયાની હારને પોતાની હાર ગણાવી કોંગ્રેસથી કિનારો કરવાનો નિર્ણય કર્યો જેને પગલે કોંગ્રેસ કાર્યકારિણીમાં 14 માંથી 12 સભ્યોએ રાજીનામું આપ્યું! 1939ના વાર્ષિક અધિવેશનમાં નેતાજીની તબિયત ખરાબ હોવા છતા તેઓ સ્ટ્રેચરમાં આ અધિવેશનમાં આવ્યા પરંતુ એમ. કે. ગાંધીના સહયોગીઓનો સાથ ન મળતા તેઓ કામ ન કરી શક્યા અને અંતે 29 એપ્રિલ, 1939ના રોજ તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. 

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓએ ફોરવર્ડ બ્લોક નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી અને ભારતની આઝાદી માટે તીવ્ર શરુઆત તેમજ જનજાગૃતિ ફેલાવવાની શરુઆત કરી. 1941માં બ્રિટિશ નજરબંધીમાંથી પલાયન કરી તેઓ કાબુલના રસ્તે જર્મની પહોંચ્યા અને ત્યારબાદ આઝાદ હિંદ ફૌજની રચના કરી જેણે આગળ જઇ જાપાનના સહયોગથી સૌપ્રથમ ભારતના આંદામાન નિકોબાર ટાપુને સ્વતંત્ર કરી પોતાની લડાઇ આગળ વધારી. નેતાજીએ આઝાદ હિંદ ફૌજમાં વધુમાં વધુ લોકો ભરતી થાય તેવા ઉદેશ્યથી અનેક ભાષણો આપ્યા જેમાં તેઓએ 'તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા' નો નારો પણ આપ્યો અને આ જ ફૌજને સિંગાપોરથી 'દિલ્હી ચલો' નો નારો પણ આપ્યો. 

ભારત માટે આટલી બહાદુરીથી લડાઇ શરુ કરનાર આ યોદ્ધા 18 ઑગષ્ટ, 1945ના રોજ મંચૂરિયા તરફ જઇ રહ્યા હતા અને ત્યારે તેમના વિમાનમાં ખામી સર્જાતા તે દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને કથિત રીતે તેમા નેતાજીનું નિધન થયું. સ્વતંત્રતા બાદ ભારત સરકાર દ્વારા નેતાજીના મૃત્યું માટે બે આયોગ  બનાવાયા જેમાં જણાવાયું કે નેતાજીનું વિમાન દુર્ઘટનામાં જ મૃત્યું થયું છે જ્યારે 1999ના મુખરજી આયોગને તાઇવાન સરકારે માહિતી આપી કે 1945માં તાઇવાનની જમીન પર કોઇ વિમાન ક્રેશ નથી થયું! 18  ઑગષ્ટ, 1945 બાદ નેતાજી ક્યા ચાલ્યા ગયા તેની હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી નથી બસ નેતાજી છે તો સવા  સો કરોડ ભારતીયોના મનમાં, ઇતિહાસના પુસ્તકોમાં, નેતાઓના રાજકીય ભાષણો તેમજ સોશિયલ મીડિયાના ચિત્રોમાં અને તેઓએ આપેલ અમર નારા 'જય હિંદ' માં...    

આપનો વિશ્વાસુ,

R. I. Jadeja