15 August, 2021

ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ

75th Independence Day
 પ્રિય વિદ્યાર્થીઓ,

ભારત દેશ પોતાનો 75મો સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યો છે. આજથી 75 વર્ષ પહેલા ભારત જ્યારે આઝાદ થયું તે આઝાદીની સાચી કિંમત તે સમયના લોકો જ જાણી શકે જેણે બ્રિટિશકાળમાં ગુલામી ભોગવી હોય.

આઝાદ ભારતે આ 75 વર્ષમાં અનેક ઘટનાઓ જોઇ છે જેમાં દેશનું વિભાજન, બંધારણ લાગૂ થવું, મતદાનનો અધિકાર, પ્રથમ લોકસભા ચૂંટણી, હરિત ક્રાંતિ, સફેદ ક્રાંતિ, ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધ, સિમલા કરાર, ચિપકો આંદોલન, પોખરણ-1, દેશનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, કટોકટી, ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો વિજય, ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માનું સ્પેસમાં જવું, ઓપરેશન બ્લ્યૂ સ્ટાર, ભોપાલ ગેસ દુર્ઘટના, 1991માં અર્થવ્યવસ્થાના મોટા ફેરફાર, મુંબઇ બોમ્બ ધડાકા, પોખરણ-2, કારગીલ યુદ્ધ, માહિતી અધિકાર અધિનિયમ, મનરેગા કાયદો, ત્સુનામી, ચંદ્રયાન-1, મુંબઇ આતંકવાદી હુમલો, શિક્ષણનો અધિકાર, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, મંગળ મિશન, પોલિયો મુક્ત ભારત, ભારતની પોતાની GPS સિસ્ટમ, જીએસટી બિલ, ચંદ્રયાન-2, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, રામ મંદિર ચૂકાદો તેમજ કોરોના મહામારી સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ થાય છે. આપણે એમ કહી શકીએ કે આ તમામ ઘટનાઓ જોઇ, તેમાંથી શીખીને ભારત દેશ મોટો થયો છે.

કોઇપણ દેશ અથવા વ્યક્તિ હંમેશા વિકાસ કરે છે અને આગળ વધે છે તેમ ભારત દેશ પણ સતત આગળ વધતો રહ્યો છે અને આગળ વધતો રહેશે. આજે દેશે 75મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે તે જ રીતે 25 વર્ષ બાદ 100મો સ્વતંત્રતા દિવસ મનાવશે અને ઉપરોક્ત ઘટનાઓની યાદીમાં બીજી અનેક ઘટનાઓનો ઉમેરો થશે, સમય ચાલ્યા જ કરશે, એક પેઢી જશે, બીજી આવશે અને દેશને આગળ વધારતી રહેશે.

આઝાદીના આ પર્વમાં એવા તમામ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના ચરણોમાં વંદન કરીએ જેમણે પોતાના બલિદાન આપી દેશને આઝાદ કર્યો અને દેશ પ્રત્યે આપણી જવાબદારીનું પાલન કરીએ જેથી દેશના એ સપૂતોનું બલિદાન એળે ન  જાય.

વંદે માતરમ્‌, ભારત માતા કી જય

0 Comment(s):

Post a Comment