15 August, 2016

ભારતનો 70મો સ્વાતંત્ર્ય દિવસ

15 August 1947
ભારતને આઝાદ થયે આજે 70 વર્ષ થઇ ચુક્યા છે. 1947માં અંગ્રેજોએ છોડેલા આ દેશે પ્રગતિના ઘણા સોપાનો પાર કરી લીધા છે. ઉદ્યોગ, ખેતી, મેડિકલ, શિક્ષણ, ટેક્નોલોજી, અવકાશવિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, કલા, રમત-ગમત વગેરે ક્ષેત્રે આપણા ભારત દેશની એક આગવી છાપ છે.

પણ શું આ બધાની વચ્ચે 70 વર્ષ પહેલાની સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ભુલી શકાય? શું એ લોકોના બલિદાન વિના આ બધુ શક્ય હતું? આવા સેનાનીઓમાં મંગલ પાંડેથી લઇની, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, બાળગંગાધર ટિળક, લાલા લજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ, ગોપાલકૃષ્ણ ગોખલે, બટુકેશ્વર દત્ત, ખુદીરામ બોઝ વગેરેને ભુલી શકાય? આ બધા જ સ્વતંત્રતા સેનાનીઓએ આઝાદીની મજા નથી માણી અને મોટા ભાગના સેનાનીઓ ખુબ જ નાની ઉંમરમાં લડતા લડતા શહીદ થઇ ગયા. ખુદીરામ બોઝની જ વાત કરીએ તો 11 ઑગષ્ટ, 1908ના રોજ 18 વર્ષ અને 8 મહિનાની કુંમળી વયમાં તેઓને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી. જે ઉંમરમાં આપણે કોલેજમાં જઇ અને મોજમસ્તી કરીએ છીએ તેવા દિવસોમાં તેમણે હંસતે મોઢે ફાંસી સ્વીકારી દેશ માટે પોતાનું બલિદાન આપ્યું.

આઝાદી મળી ગયા પછી પણ આ આઝાદી ભોગવવા માટે દેશના લાખો સૈનિકો વિષમ તાપમાનમાં ખડે પગે દેશની રક્ષા કરે છે. જો આ સૈનિકો ન હોય તો આપણે આઝાદીની મજા ક્યારેય માણી ન શકીએ. દેશના નાગરિકો શાંતિથી સુઇ શકે તેના માટે ભારતમાતાના લાખો સપૂતો સરહદો પર ચાંપતી નજર રાખીને જાગતા હોય છે.

અને સામાન્ય લોકોને પણ દેશ પ્રેમ ક્યારે આવે છે? 15મી ઑગષ્ટ અથવા તો 26 જાન્યુઆરીના દિવસે જ... અને એ પણ કેવો? પ્લાસ્ટિકના ધ્વજ વાહનમાં લગાવીને, કે જેને ફરકાવવા માટે આપણા બંધારણમાં ખુબ જ કઠણ જોગવાઈઓ છે!!! અને એ ધ્વજ પણ ક્યા સુધી???? 24 કલાક. ત્યારબાદ એ જ રાષ્ટ્રધ્વજ રોડ પર પડેલો જોવા મળે છે.

ક્રાંતિકારીઓ, સૈનિકો અને દેશ વિશે લખવા બેસીએ તો શબ્દો પણ ટૂંકા પડે અને જગ્યા પણ... સોશિયલ મીડિયામાં હાલમાં જ આવેલો એક ખુબ જ કડવો પણ સત્ય મેસેજ અહી ટાંકવાનું મન થાય છે.

લાવ જરા ઇસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને, ફક્ત આજનો દિવસ જ તો એ પહેરવાની છે! 

RIJADEJA.com વેબસાઈટના તમામ વાચક મિત્રોને 70માં સ્વાતંત્ર્ય પર્વની ખુબ ખુબ શુભકામનાઓ…
જય હિંદ, ભારત માતા કી જય

--R. I. Jadeja

1 comment: