14 May, 2022

Monday Musings e-Magazine: સફળતાના 10 વર્ષ પૂર્ણ!

નમસ્કાર!

વર્ષ 14મી મે, 2012ના રોજ શરુ કરેલ આ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના 10 વર્ષ પૂર્ણ થયા છે તે પ્રસંગે દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

આજથી 10 વર્ષ પહેલા જ્યારે આ મેગેઝિન શરુ કર્યું ત્યારે તે ગુજરાતનું સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ આપતું પ્રથમ ઇ-મેગેઝિન હતું જે બહુ સરળ ફોર્મેટમાં હતું તેમજ તેનું કન્ટેન્ટ પણ ઓછું હતું. ધીમે ધીમે જેમ સમય ગયો તેમ આ મેગેઝિનના ફોર્મેટમાં વિવિધ સુધારાઓ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમાં MM Special નામથી એક અલગ વિભાગ શરુ કરાયો જેમાં વિવિધ મુદ્દાઓ પરનું જનરલ નોલેજ પીરસવામાં આવતું. તેના થોડા મહિનાઓ બાદ વિદ્યાર્થીઓની રજુઆતને અનુસંધાને તેમા અઠવાડિક ક્વિઝ ઉમેરવામાં આવી જેથી વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનને ચકાસી શકે. આ રીતે મેગેઝિનના ફોર્મેટ, કદ, આકાર વગેરેમાં સમય મુજબ ફેરફાર કરાયો.

વર્ષ 2013માં ઘણા બધા ગામડાના વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા ન હતી અને તેઓની માંગ હતી કે આ મેગેઝિનને પ્રિન્ટેડ સ્વરુપે ઉપલબ્ધ કરાવવામાં આવે. વિદ્યાર્થીઓની આ માંગને ધ્યાને લઇ 28 એપ્રિલ, 2013ના રોજ આ મેગેઝિનને 'નહિ નફો, નહિ નુકસાન' ના ધોરણે પ્રિન્ટ કરવામાં આવ્યું તેમજ તેનું છ મહિનાનું લવાજમ ફકત રુ. 120 તેમજ વાર્ષિક લવાજમ ફક્ત રુ. 240 રખાયું! પરંતુ ભારતીય પોસ્ટ સેવાની અત્યંત ખરાબ સર્વિસના પાપે ઑક્ટોબર, 2013માં આ મેગેઝિનનું પ્રિન્ટેડ વર્ઝન બંધ કરવાની ફરજ પડી અને મેગેઝિનને ઓનલાઇન ઇ-મેગેઝિન સ્વરુપે જ નિઃશુલ્ક પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવાયો.

હાલ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન ડેઇલી કરંટ અફેર્સ પણ પુરુ પાડે છે જે જોવા માટે વિદ્યાર્થીઓ અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકે છે અથવા અમારી ઓફિશિયલ વેબસાઇટ https://mm.rijadeja.com જોઇ શકે છે. 10 વર્ષ થયે પણ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે ડિસેમ્બર, 2021માં આ મેગેઝિનના 500માં અંકથી આ ઓનલાઇન મેગેઝિનને પ્રિન્ટેડ મેગેઝિન જેવું જ રુપ અપાયું જેમાં કલર ફોટોગ્રાફ, ચાર્ટ, મલ્ટી કોલમ લે-આઉટ  વગેરેના આધારે તેને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરાયો.

આ મેગેઝિન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કેટલું ઉપયોગી છે તેની સાબિતિ તેના પરથી મળે છે કે છેલ્લે જે GPSC વર્ગ 1-2, નાયબ મામલતદાર, ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઇ. વગેરે પરીક્ષાઓમાં જે કરંટ અફેર્સના પ્રશ્નો પુછાયા હતા તેમાંથી મોટા ભાગના પ્રશ્નોના જવાબ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનમાંથી જ મળી રહ્યા હતા.

હજુ પણ આ મેગેઝિનમાં કોઇ જ વધારાના ન્યૂઝ, લાંબી વાર્તાઓ અથવા બિન-જરુરી માહિતી આપીને વિદ્યાર્થીઓનો સમય બગાડવામાં આવતો નથી. ભવિષ્યમાં પણ આ મેગેઝિનની ગુણવત્તામાં વધુ ને વધુ સુધારો થતો રહે તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં તે ઉપયોગી બની રહે તેવા પ્રયાસો અમારા દ્વારા થતા રહેશે તેવા વિશ્વાસ સાથે...

R. I. Jadeja

20 March, 2022

International Day of Happiness - Keep Calm, Stay Wise and Be Kind

World happiness day 2022
વિશ્વમાં દરેક દિવસને કોઇને કોઇ નામ આપીને મનાવવામાં આવે છે તેમ 20મી માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) તરીકે મનાવાય છે. આ દિવસ વર્ષ 2012થી મનાવાય છે જેનો ઉદેશ્ય એ વાત તરફ ધ્યાન દોરવાનો છે કે ખુશી / પ્રસન્નતા એ વ્યક્તિગત જીવનની સૌથી અગત્યની બાબત છે. 

તાજેતરમાં જ વિશ્વ હેપ્પીનેસ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો જેમાં વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે ફિનલેન્ડને તેમજ સૌથી નાખુશ દેશ તરીકે અફઘાનિસ્તાનને દર્શાવાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ રિપોર્ટમાં ટોપ 5 ખુશ દેશોની યાદીમાં Nordic Countries (ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન વગેરે)ના જ નામ હોય છે. કોઇપણ દેશના નાગરિકો પોતાના દેશની સુવિધાઓ, સરકાર, નીતિ નિયમ વગેરે દ્વારા કેટલા ખુશ છે તેના દ્વારા આ રિપોર્ટમાં ક્રમ અપાય છે. ભારતની વાત કરીએ તો છેલ્લા લગભગ 10 વર્ષથી ભારત આ રિપોર્ટમાં સતત પાછળ જતું હતું જેમા આ વર્ષે 3 સ્થાનના સુધારા સાથે ભારત 136માં ક્રમ પર પહોંચ્યું છે! આપણે એમ કહી શકીએ કે આપણે ગયા વર્ષ કરતા આ વર્ષે થોડા વધુ ખુશ છીએ? :)

પ્રસન્નતા / હેપ્પીનેસને ખરેખર તો ક્યારેય માપી શકાય જ નહી કારણ કે એસી ઓફિસમાં કોઇ જ આર્થિક કે સામાજિક ચિંતા ન હોવા છતા કોઇ વ્યક્તિ નિરાશ બેઠો હોય છે અને રોડ પર ઝુંપડું બાંધીને જે વ્યક્તિ સાંજે જમી શકશે કે નહી તે પણ નિશ્ચિત નથી તે ઘણીવાર એકદમ ખુશ મિજાજ જોવા મળે છે. આ પ્રકારના અનેક અનુભવો આપણને રોજબરોજ થાય છે. સાચી પ્રસન્નતા અથવા ખુશી અંદરથી આવે છે, તેને સંપૂર્ણ રીતે પામવા માટે ફક્ત ભૌતિક સુખ સુવિધાઓ પર્યાપ્ત નથી  તેથી જ ઘણા લોકો પ્રસન્નતા પામવા માટે જ તમામ ભૌતિક સુવિધાઓ ત્યાગીને  પ્રકૃતિના સાનિધ્યમાં ફરવા નીકળી જાય છે ને! 

આજના હેપ્પીનેસ દિવસે આપ સૌ આવનારા હેપ્પીનેસ દિવસ સુધી ખુબ ખુશ રહો તેવી શુભકામનાઓ... આવતા વર્ષે ફરી એક વર્ષ માટેની શુભકામનાઓ આપવામાં આવશે :)

-- R. I. Jadeja

28 February, 2022

યુદ્ધ એ જ કલ્યાણ?

russia ukraine war
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ ભીષણ યુદ્ધના દૃષ્યો જોઇને સ્વાભાવિક રીતે જ કંપારી છૂટી ઉઠે. એવો વિચાર પણ આવે કે લગભગ અઢી વર્ષથી કોરોના મહામારીમાં ઝઝુમી રહેલી આ દુનિયા યુદ્ધ પણ કરી શકે!? છેલ્લા લગભગ એક મહિનાથી જે બીક હતી તે સમય આખરે આવી જ ગયો અને રશિયાએ પોતાના કરતા લગભગ 28માં ભાગ જેવડા દેશ પર હુમલો કરી દીધો. 

આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે અને તેમા કેટલા લોકોના જીવ જશે, કેટલું નુકસાન થશે તે યુદ્ધ બાદ જ ખ્યાલ આવશે પરંતુ આ યુદ્ધથી એક વાત સાબિત થઇ છે કે કોઇપણ દેશે પોતાની સુરક્ષા બીજાના ભરોસા પર મુકવી ન જોઇએ તેમજ પોતાના દેશની સુરક્ષા માટે કોઇપણ દેશે પોતાની લશ્કરી તાકાત અને તેના કદનો વિસ્તાર કરવો જોઇએ. આજના સમયની આ જ હકીકત છે.

નાટો સંગઠન અને અમેરિકાના ભરોસે બેઠેલા યુક્રેને પોતાના કરતા 28 ગણા મોટા દેશ સામે છેલ્લે પોતે જ લડવુ પડ્યું. અંતે યુક્રેનને પોતાના દેશની સેના, પોતાના જ હથિયારો, પોતાના નેતાઓ અને પોતાના જ નાગરિકો કામ આવ્યા. લગભગ બે મધ્ય પ્રદેશ જેટલું કદ ધરાવતા આ નાનકડા દેશ (જો કે, રશિયાને બાદ કરતા વિસ્તારની દૃષ્ટિએ યુક્રેન યુરોપનો સૌથી મોટો દેશ છે)ની સેના, નાગરિકો અને નેતાઓને સલામ છે કે મહાશક્તિ ગણાતા આટલા મોટા દેશ સામે ચાર દિવસથી લડી  રહ્યા છે તેમજ રશિયન સેનાનો હિંમ્મતપૂર્વક સામનો કરી રહ્યા છે. 

બન્ને દેશો વચ્ચે વિસ્તાર સિવાય પણ બહુ મોટા તફાવત છે જેમકે યુક્રેન પાસે ફક્ત 1,96,000નું સૈન્ય બળ છે જેની સામે રશિયા પાસે 9,00,000 સૈનિકો છે. યુક્રેન પાસે 132 એરક્રાફ્ટ અને 55 હેલિકોપ્ટર છે જ્યારે રશિયા પાસે લગભગ 1,391 એરક્રાફ્ટ અને 948 હેલિકોપ્ટર છે. યુક્રેનનું સંરક્ષણ ક્ષેત્રનું વાર્ષિક બજેટ લગભગ 4.7 બિલિયન ડોલર છે જ્યારે રશિયાનું 45.8 બિલિયન ડોલર જેટલું છે!

આટલો તફાવત હોવા છતાં યુક્રેન હિંમ્મતપૂર્વક લડી રહ્યું છે જે વખાણવા લાયક છે. અફસોસની વાત છે  એ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ ભવિષ્યના યુદ્ધોને રોકી શકાય તેવા ઉદેશ્યથી સ્થપાયેલી 'સંયુક્ત રાષ્ટ્ર / United Nations' નામની સંસ્થા પણ યુક્રેન અને રશિયા વચ્ચેના આ યુદ્ધને રોકવા માટે ફક્ત અપીલ જ કરી રહ્યું છે, રોકી શકતું નથી!

આશા રાખીએ કે આ યુદ્ધ ખુબજ જલ્દી બંધ થાય જેથી યુક્રેનના 'નિર્દોષ નાગરિકો' આ સંકટમાંથી બહાર આવી શકે, બાકી રશિયા માટે "યુદ્ધ એ જ કલ્યાણ" હોય તેવું લાગી રહ્યું છે.

- R. I. Jadeja

Submit your comments here

26 January, 2022

ભારતનો 73મો ગણતંત્ર દિવસ

નમસ્કાર મિત્રો, 

26 જાન્યુઆરી એટલે લોકતાંત્રિક ભારતનો પવિત્ર રાષ્ટ્રીય પર્વ. આજે એ દિવસ છે જ્યારે બ્રિટિશ સમયનો ભારત સરકાર અધિનિયમ, 1935 હટાવી અને ભારતનું બંધારણ લાગૂ કરવામાં આવ્યું. આ બંધારણ ભારતની બંધારણ સભા દ્વારા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસની ચર્ચાઓ બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. આ એ જ બંધારણ છે જેની તાકાતથી કોઇપણ નાગરિક આઝાદ ભારતમાં પૂર્ણ સ્વતંત્રતાથી હરી ફરી શકે છે તેમજ બંધારણ દ્વારા પ્રદત્ત અધિકારો ભોગવે છે.  26 જાન્યુઆરીથી જ ભારતમાં ભારતીય શાસન અને કાયદો સ્થાપિત થયો, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પોતાનો કાર્યભાર સંભાળ્યો તેમજ  વર્ષ 1952 સુધી ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી ન થઇ ત્યા સુધી ભારતની બંધારણ સભા અસ્થાયી સંસદ તરીકે કાર્યરત બની અને નવી ચૂંટાયેલી સરકારને બંધારણ અનુસાર શક્તિઓ પ્રદાન કરી. આજે પણ સમગ્ર દેશના ત્રણેય સ્તંભ (કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા) ભારતના બંધારણ મુજબ જ કામ કરે છે જે બંધારણને 389 સદસ્યોએ દિવસ રાત મહેનત કરીને, ચર્ચા કરીને બનાવ્યું હતું.

બંધારણ લાગૂ કરવા માટે 26 જાન્યુઆરી તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ હતુંં, વર્ષ 1930માં આ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરાયું હતું. ભારતનો ગણતંત્ર દિવસ એ ફક્ત એક રાષ્ટ્રીય રજા માત્ર નથી, આ દિવસ દેશની આઝાદી માટે શહીદ થયેલ સ્વતંત્રસેનાનીઓને યાદ કરવાનો એક રાષ્ટ્રીય તહેવાર છે. ભારતને આઝાદ કરાવવા માટે દેશના અનેક સપૂતોએ પોતાનું બલિદાન આપ્યું છે અને વર્ષો સુધી તેઓએ સંઘર્ષ કર્યો તેના બદલામાં આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ.

ભારતના ગણતંત્ર દિવસને 72 વર્ષથી ખુબજ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. ગણતંત્ર દિવસ મનાવવાની શરુઆત આટલા વર્ષોથી 24 જાન્યુઆરીથી કરવામાં આવતી હતી જે ઉજવણી 29 જાન્યુઆરી સુધી ચાલતી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષ એટલે કે વર્ષ 2022થી ગણતંત્ર દિવસની ઉજવણી 23 જાન્યુઆરી (નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ) થી કરવાનો નિર્ણય લેવાયો છે. ગણતંત્ર દિવસની મુખ્ય ઉજવણી 26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના રાજપથ ખાતે થાય છે જેમાં દેશની સેનાઓ અને અર્ધસૈનિક દળોની પરેડ, ભારતની સૈન્ય શક્તિનું પ્રદર્શન, દેશની વિવિધતા દર્શાવતી રાજ્યોની કલાકૃતિઓ સહિતનું પ્રદર્શન કરવામાં આવે છે. ગણતંત્ર દિવસની ઉજવણી 29 જાન્યુઆરીના રોજ Beating Retreat સેરેમની બાદ પૂર્ણ થાય છે. આ કાર્યક્રમમાં દેશની સેનાના ત્રણેય દળોના બેન્ડ દ્વારા નવી દિલ્હીના વિજય ચોક ખાતે વિવિધ ધૂન વગાડવામાં આવે છે. બિટિંગ રિટ્રીટ કાર્યક્રમની શરુઆતમાં જન ગણ મન તેમજ છેલ્લે સારે જહાં સે અચ્છા ગીત વગાડવામાં આવે છે. વર્ષ 2022થી આ ધૂનોમાંથી ખ્રિસ્તિ પ્રાર્થના Abide with me ને હટાવી એ મેરે વતન કે લોગો ધૂનને ઉમેરવામાં આવી છે.

26 જાન્યુઆરીના રોજ ટેલિવિઝનમાં જ્યારે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી માણીએ ત્યારે ખરેખર આપણને આપણા દેશની વૈવિધ્યતા અને તાકાતનો પરચો થાય અને મનના અંદરના એક ખૂણે 'મેરા ભારત મહાન', 'જય હિંદ', 'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા' અને 'વંદે માતરમ્‌' જેવા શબ્દો  સ્વાભાવિક પણે જ આવે. દેશના 73માં ગણતંત્ર દિવસના આ શુભ પ્રસંગે ભારતની આઝાદીમાં જેઓએ પોતાનું યોગદાન આપ્યું હોય તેવા જાણ્યા-અજાણ્યા અને નાનામાં નાનું યોગદાન આપનાર દરેક ભારતીયોને કોટિ કોટિ વંદન. આપ સૌને ગણતંત્ર દિવસની શુભકામનાઓ...

આપનો વિશ્વાસુ,
R. I. Jadeja

23 January, 2022

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ

Subhash Chandra Bose
નમસ્કાર મિત્રો,

23 જાન્યુઆરી એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ જેમણે દેશને 'તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા', 'દિલ્હી ચલો' તેમજ 'જય હિંદ' જેવા નારા આપ્યા છે. ભારતની આઝાદીની ચળવળની વાત આવે અને સુભાષચંદ્ર બોઝનું નામ યાદ ન આવે તેવું શક્ય જ નથી. નેતાજી જ એ વ્યક્તિ હતા જેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારની સ્થાપના કરી જેને વિશ્વના અનેક દેશોએ માન્યતા પણ આપી હતી.  નેતાજીની 'આઝાદ હિંદ ફૌજ' દ્વારા જાપાનના સહયોગથી આંદામાન-નિકોબાર ટાપુને બ્રિટિશ શાસનમાંથી મુક્ત જાહેર  કરાયા હતા તેમજ તેને અનુક્રમે શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ નામ અપાયું હતું. દુઃખની વાત એ છે કે દેશ માટે આટલું કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝના નિધન અંગે સર્જાયેલું રહસ્ય આજે પણ અકબંધ છે. નેતાજીના મૃત્યું સંદર્ભે ફિગેસ રિપોર્ટ, 1946, શાહ નવાઝ સમિતિ (1956), ખોશલા કમિશન (1970), મુખરજી કમિશન (2005) તેમજ જાપાન સરકારના 1956ના રિપોર્ટ સહિત અનેક તપાસ તેમજ દસ્તાવેજ તૈયાર કરાયા હતા પરંતુ સરકાર દ્વારા નેતાજીના મૃત્યું સંબંધિત કોઇપણ દસ્તાવેજને સાર્વજનિક કરવામાં આવ્યા નથી!

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની મજબુરીનો લાભ લઇ તેઓ ભારતની સ્વતંત્રતાની લડાઇને તીવ્ર બનાવવા ઇચ્છતા હતા પરંતુ ગાંધી તેના સહમત ન હતા. 1939માં કોંગ્રેસ અધ્યક્ષના પદ માટેની ચુંટણીમાં સુભાષ ચંદ્ર બોઝને હરાવવા માટે ગાંધીએ પટ્ટાભિ સિતારમૈયાને પોતાના પ્રતિનિધિ ગણાવ્યા તેમ છતાં સુભાષચંદ્ર બોઝ 203 મતથી આ ચુંટણીમાં વિજયી બન્યા. નેતાજીના આ વિજય બાદ એમ. કે. ગાંધીએ સિતારમૈયાની હારને પોતાની હાર ગણાવી કોંગ્રેસથી કિનારો કરવાનો નિર્ણય કર્યો જેને પગલે કોંગ્રેસ કાર્યકારિણીમાં 14 માંથી 12 સભ્યોએ રાજીનામું આપ્યું! 1939ના વાર્ષિક અધિવેશનમાં નેતાજીની તબિયત ખરાબ હોવા છતા તેઓ સ્ટ્રેચરમાં આ અધિવેશનમાં આવ્યા પરંતુ એમ. કે. ગાંધીના સહયોગીઓનો સાથ ન મળતા તેઓ કામ ન કરી શક્યા અને અંતે 29 એપ્રિલ, 1939ના રોજ તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. 

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓએ ફોરવર્ડ બ્લોક નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી અને ભારતની આઝાદી માટે તીવ્ર શરુઆત તેમજ જનજાગૃતિ ફેલાવવાની શરુઆત કરી. 1941માં બ્રિટિશ નજરબંધીમાંથી પલાયન કરી તેઓ કાબુલના રસ્તે જર્મની પહોંચ્યા અને ત્યારબાદ આઝાદ હિંદ ફૌજની રચના કરી જેણે આગળ જઇ જાપાનના સહયોગથી સૌપ્રથમ ભારતના આંદામાન નિકોબાર ટાપુને સ્વતંત્ર કરી પોતાની લડાઇ આગળ વધારી. નેતાજીએ આઝાદ હિંદ ફૌજમાં વધુમાં વધુ લોકો ભરતી થાય તેવા ઉદેશ્યથી અનેક ભાષણો આપ્યા જેમાં તેઓએ 'તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા' નો નારો પણ આપ્યો અને આ જ ફૌજને સિંગાપોરથી 'દિલ્હી ચલો' નો નારો પણ આપ્યો. 

ભારત માટે આટલી બહાદુરીથી લડાઇ શરુ કરનાર આ યોદ્ધા 18 ઑગષ્ટ, 1945ના રોજ મંચૂરિયા તરફ જઇ રહ્યા હતા અને ત્યારે તેમના વિમાનમાં ખામી સર્જાતા તે દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને કથિત રીતે તેમા નેતાજીનું નિધન થયું. સ્વતંત્રતા બાદ ભારત સરકાર દ્વારા નેતાજીના મૃત્યું માટે બે આયોગ  બનાવાયા જેમાં જણાવાયું કે નેતાજીનું વિમાન દુર્ઘટનામાં જ મૃત્યું થયું છે જ્યારે 1999ના મુખરજી આયોગને તાઇવાન સરકારે માહિતી આપી કે 1945માં તાઇવાનની જમીન પર કોઇ વિમાન ક્રેશ નથી થયું! 18  ઑગષ્ટ, 1945 બાદ નેતાજી ક્યા ચાલ્યા ગયા તેની હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી નથી બસ નેતાજી છે તો સવા  સો કરોડ ભારતીયોના મનમાં, ઇતિહાસના પુસ્તકોમાં, નેતાઓના રાજકીય ભાષણો તેમજ સોશિયલ મીડિયાના ચિત્રોમાં અને તેઓએ આપેલ અમર નારા 'જય હિંદ' માં...    

આપનો વિશ્વાસુ,

R. I. Jadeja

12 January, 2022

સ્વામી વિવેકાનંદની 159મી જન્મ જયંતિ

Swami Vivekananda

નમસ્કાર મિત્રો, 

સ્વામી વિવેકાનંદ શબ્દ સાંભળતા જ એક તેજ ધરાવતો, બળવાન, આકર્ષક, શાંત અને પવિત્ર ચહેરો આપણી આંખ સામે આવી જાય છે. એક એવો ચહેરો, જેને જોતા જ આપણને જાણે પ્રેરણા મળી જાય અને કંંઇક કરી છૂટવાની ભાવના આવી જાય.  આવા મહાન વ્યક્તિનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 (મકરસંક્રાતિ) ના રોજ થયો હતો.

સ્વામી વિવેકાનંદ એવી વ્યક્તિ હતા જેમની અસર આજે 159 વર્ષ બાદ પણ હતી તેના કરતા વધતી જાય છે અને તેમણે કહેલી વાતો આજે પણ કરોડો યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. સ્વામીજીને પણ યુવાનોમાં ભારતનું ભવિષ્ય દેખાતું હતું એટલા માટે જ તેઓએ પોતાના મોટા ભાગના વક્તવ્યો ભારતના યુવાનોને ઉદ્દેશીને કહ્યા છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, મને 100 ચારિત્ર્યવાન  અને દઢ્  મનોબળ ધરાવતા યુવાનો આપો તો હું સમગ્ર રાષ્ટ્રની કાયાપલટ કરી બતાવીશ...

આજથી લગભગ 135 વર્ષ પહેલા જ્યારે સ્વામીજી એ ઉપરોક્ત વાક્ય કહ્યું હશે ત્યારે તેઓને ખબર નહી હોય કે લગભગ સવા સો વર્ષ બાદ ભારતમાં એવો આધુનિક(!)  યુગ આવ્યો હશે જ્યારે દેશના મહત્વના અને અતિ-ગંભીર મુદ્દાઓ પર દેશના યુવાનો સોશિયલ મીડીયાના માધ્યમથી જોક બનાવીને મજાક ઉડાવતા હશે! સ્વામીજીએ પોતાના વક્તવ્યોમાં કહ્યું હતું કે મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે અને તેમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે. સ્વામીજીએ અહી કાર્યકર્તા શબ્દનો પ્રયોગ રાષ્ટ્રના ઉત્થાનના સંદર્ભમાં કર્યો હતો જેને બદલે આજે આટલા વર્ષો બાદ યુવાનો પોતાના અભ્યાસમાં અને પોતાની ઉજ્જ્વળ કારકિર્દી ઘડવાના મહત્વપૂર્ણ સમયમાં તેના પર ધ્યાન ન આપતા રાજકીય કાર્યકર્તા બની પોતાની જાતને જ ગેરમાર્ગે દોરે છે અને નેતાઓને પોતાનો ઉપયોગ કરવા માટે છૂટ્ટો દોર આપે છે.

હાલ સ્વામીજીની 159મી જન્મજયંતિ પ્રસંગે આ બધા મુદ્દાઓનો ઉલ્લેખ કરવાનો એકમાત્ર ઉદેશ્ય એ છે કે આજના યુવાનોએ ખરેખર સ્વામીજીને જાણવા જોઇએ, તેમને વાંચી અને સમજવા જોઇએ જેથી તેમના વિચારો આગળની પેઢીમાં દેખાય અને રાષ્ટ્રનું ઉત્થાન થઇ શકે, જો આવું નહી કરીએ તો સ્વામીજીના ઉપદેશો શાળાઓના પાટિયે, સરકારી કચેરીઓની દિવાલોમાં, સોશિયલ મીડીયામાં નેતાઓના ફોટો સાથે પ્રચાર માટે તેમજ વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર ફક્ત 'સુવાક્યો' બનીને રહી જશે.   

રાષ્ટ્રીય યુવા દિવસની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ...

આપનો વિશ્વાસુ,

R. I. Jadeja

01 January, 2022

RIJADEJA.com વેબસાઇટના 11 વર્ષ પૂર્ણ!


નમસ્કાર મિત્રો, આપણી વેબસાઇટ RIJADEJA.com ના આજે 11 વર્ષ પુરા થયા છે જે બદલ આપ સૌ વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તેમજ અન્ય મુલાકાતીઓનો આભાર માનું છું. 11 વર્ષ પહેલા જ્યારે rijadeja.com નામનું આ ડોમેઇન રજીસ્ટર કર્યું ત્યારે તેનો ઉદેશ્ય ફક્ત વેબસાઈટ બનાવતા શિખવાનું હતો એટલે જ ડોમેઇનને વ્યક્તિગત નામથી રજીસ્ટર કરાયું હતું. જ્યારે આ વેબસાઇટ બનાવી ત્યારે એવો સ્વપનેય ખ્યાલ ન હતો કે આ ગુજરાતની પ્રથમ શૈક્ષણિક વેબસાઇટ બની રહી છે અને લાખો વિદ્યાર્થીઓ પોતાનો પ્રેમ દર્શાવી વેબસાઇટને એટલી પ્રસિદ્ધ બનાવશે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો કોઇ વિદ્યાર્થી ભાગ્યે જ આ વેબસાઇટના નામથી અપરિચિત હોય!

11 વર્ષની આ યાત્રામાં વેબસાઈટમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા, અનેક વિભાગ ઉમેરવામાં આવ્યા જેમાં સરકારી નોકરીઓ માટેના સ્પેશિયલ અપડેટ્સ આપવા માટે Updates Website, કેટેગરી મુજબનું જનરલ નોલેજ પીરસવા માટે GK in Gujarati વેબસાઇટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અતિ મહત્વપૂર્ણ વિભાગ કરંટ અફેર્સની તૈયારી માટેનું ગુજરાતનું પ્રથમ ઇ-મેગેઝિન Monday Musings, તમામ પરીક્ષાઓ માટેની માહિતી કોઇપણ સ્થળે અને ગમે ત્યા એક્સેસ કરી શકાય તે માટે RIJADEJA.com મોબાઇલ એપ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગો દ્વારા આ વેબસાઈટે વિદ્યાર્થીઓને શક્ય તેટલી વિશ્વસનીય માહિતી પુરી પાડવાનો પ્રયત્ન કર્યો જે હાલ પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ અવિરત ચાલુ રહેશે.

RIJADEJA.com વેબસાઈટ દ્વારા પોતાના સ્લોગન Where Knowledge is Not Monopoly મુજબ જ જ્ઞાન પર કોઇનો એકાધિકાર ન રહી જાય તે વાતને જ પોતાનું લક્ષ્ય માન્યું અને અવિરતપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી, માર્ગદર્શન અને વાંચન સામગ્રી (સ્ટડી મટીરિયલ) મળી રહે તે બાબતે પોતાની કામગીરી ચાલુ રાખી. હાલ પણ પોલીસ ભરતી હોય કે જીપીએસસી ક્લાસ 1-2, નાયબ મામલતદાર કે પછી ગૌણ સેવા પસંદગીની હેડ ક્લાર્ક પરીક્ષા, આ વેબસાઇટ દ્વારા દરેક પરીક્ષા બાબતના રિયલ-ટાઇમ અપડેટ, આન્સર-કી / પેપર સોલ્યુશન, જૂના વર્ષના પ્રશ્નપત્રો, સ્ટડી મટીરિયલ સહિતની માહિતી દર કલાકે પીરસવામાં આવી રહી છે. 

ઇન્ટરનેટની આ દુનિયામાં સરકારી નોકરીઓ માટેના અનેક બ્લોગ અને વેબસાઇટ છે પણ RIJADEJA.com પોતાની ગુણવત્તા અને વિશ્વસનીયતાને લીધે વિશેષ સ્થાન ધરાવે છે. આજે પણ સોશિયલ મીડીયાના 'અફવાઓ' ના માર્કેટમાં કોઇ શંકાસ્પદ ભરતીની જાહેરાત જોવા મળે ત્યારે વિદ્યાર્થીઓ RIJADEJA.com ખોલી જે-તે ભરતીની જાહેરાતની ખાતરી કરે છે જે અમારા માટે ખુશીની અને ગર્વની બાબત છે.

જે રીતે આ 11 વર્ષ આપનો સ્નેહ મળતો રહ્યો તે જ રીતે ભવિષ્યમાં પણ આપ સૌનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા.. આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભકામનાઓ...

આપનો વિશ્વાસુ,

R. I. Jadeja

06 December, 2021

Monday Musings ઇ-મેગેઝિનના 500 અંક પૂર્ણ

monday musings
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

વર્ષ 2012ના મે મહિનામાં મન્ડે મ્યુઝિંગ્સ નામથી શરુ કરેલ આ મેગેઝિને આજરોજ 500 અંક પુર્ણ કરેલ છે. મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન rijadeja.com વેબસાઇટ દ્વારા શરુ કરાયેલ કરંટ અફેર્સ માટેનું ગુજરાતનું પ્રથમ ઇ-મેગેઝિન હતું જે આજે પણ આપ સૌના આશિર્વાદથી પ્રથમ ક્રમ પર છે. મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનની 500 અંકની લગભગ સાડા આઠ વર્ષની આ યાત્રા ખુબજ સુંદર રહી છે. મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનને આપ સૌ વિદ્યાર્થીઓ અને અન્ય વાચકોએ વધાવ્યું છે તે બદલ અમો આપના આભારી છીએ.

8 વર્ષની કરંટ અફેર્સની આ યાત્રામાં મેગેઝિનમાં અનેક બદલાવ કરવામાં આવ્યા જેમાં તેની ડિઝાઇન, કન્ટેન્ટ પ્રસ્તુત કરવાની પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે પરંતુ મેગેઝિનની ક્વૉલિટી યથાવત્‌ જાળવી રાખવાનો પુરેપુરો પ્રયાસ કરાયો છે. હાલમાં પણ આ મેગેઝિનમાં ફક્ત અને ફક્ત પરીક્ષાલક્ષી માહિતી જ પીરસવામાં આવે છે તેમજ નકામા અને લાંબાલચક ન્યૂઝનો મારો કરીને મેગેઝિનને 'જાડુ' બનાવવાને બદલે ટૂંકી અને પરીક્ષાલક્ષી માહિતી જ આપીને વિદ્યાર્થીઓનો સમય બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ચાલુ અંક નંબર 500થી આપણા આ ઇ-મેગેઝિનને વાસ્તવિક મેગેઝિન જેવો લૂક આપવાનો પ્રયત્ન કરાયો છે જેમાં અમૂક અગત્યના ન્યૂઝમાં તે ન્યૂઝથી સંબંધિત ફોટો પણ ઉમેરવામાં આવેલ છે. આશા છે આ ફેરફાર આપ સૌ વાચકોને પસંદ આવશે. આ ફેરફાર વિશેના આપના પ્રતિભાવ અમારી વેબસાઇટ https://mm.rijadeja.com પર અચૂક આપશો જેથી આ મેગેઝિનની ગુણવત્તામાં સુધારો કરી શકાય.

મન્ડે મ્યુઝિંગ્સની આ કરંટ અફેર્સની યાત્રામાં જોડાઇ રહેવા બદલ આપસૌનો ખુબ ખુબ આભાર તેમજ આપના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ.

--RI Jadeja


 

30 August, 2021

જન્માષ્ઠમી -- હજારો વર્ષોથી ઉજવાતો એક અનેરો જન્મોત્સવ

Lord Shri Krishna જન્માષ્ઠમી શબ્દ સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણનું એક બાળ સ્વરુપ આપણા વિચારોમાં આવી જાય. સ્મિત ધરાવતું એક બાળક, ગાયો ચરાવતું, માખણની ચોરી કરતું, મિત્રો સાથે રમતું, વાંસળી વગાડતું એક એવુ બાળક આપણી સામે આવી જાય છે, જે 5000 વર્ષો બાદ આજે પણ આપણી સામે બાળ સ્વરુપે જ આવે છે! આટલા હજાર વર્ષો વિતી ગયા હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ સમગ્ર ભારત અને વિશ્વમાં એવી રીતે જ મનાવાય છે જાણે આજે જ તેમનો જન્મ થયો હોય!

    કહેવાય છે કે ભગવાનના જન્મ પહેલા જ તમામ રાશિ, નક્ષત્ર, ગ્રહો અને યોગ પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં આવી ગયા હતા, સમગ્ર વાતાવરણમાં એક અનેરી સુગંધ ફેલાઇ ગઇ હતી, તમામ વનસ્પતિઓ, ફૂલો વગેરે મહેકી ઉઠ્યા હતા અને ત્યારબાદ ભગવાનનો જન્મ થયો હતો. આજે પણ જ્યારે ગોકુળ અષ્ઠમીનો દિવસ આવે છે ત્યારે આપણામાં એક નવી જ ઊર્જા આવી જાય છે તેમજ એ વાતની યાદ આવી જાય છે જે ભગવાને ગીતાજીમાં અર્જૂનને કહી છે કે ‘સંસારના કણ કણમાં હું છું અને મારી મરજી વિરુદ્ધ એક પાંદડુ પણ હલી શકતુ નથી’. બસ આ જ વિચાર સાથે આટલા વર્ષો બાદ આજે પણ જન્માષ્ઠમીના તહેવાર એટલા જ હર્ષોલ્લાસ સાથે મનાવીએ છીએ અને દર વર્ષે ભગવાનનો જન્મ દિવસ મનાવીએ છીએ અને સદીઓ સુધી મનાવતા પણ રહીશું... છેલ્લે ભગવાનને જ તેમના જન્મદિવસની શુભકામનાઓ આપીએ, Happy Birthday to you Lord Krishna!

    તમામ વિદ્યાર્થીઓ, વાચકોને પણ જન્માષ્ઠમીની હાર્દિક શુભકામનાઓ... જયશ્રી કૃષ્ણ

15 August, 2021

ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ

75th Independence Day
 પ્રિય વિદ્યાર્થીઓ,

ભારત દેશ પોતાનો 75મો સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યો છે. આજથી 75 વર્ષ પહેલા ભારત જ્યારે આઝાદ થયું તે આઝાદીની સાચી કિંમત તે સમયના લોકો જ જાણી શકે જેણે બ્રિટિશકાળમાં ગુલામી ભોગવી હોય.

આઝાદ ભારતે આ 75 વર્ષમાં અનેક ઘટનાઓ જોઇ છે જેમાં દેશનું વિભાજન, બંધારણ લાગૂ થવું, મતદાનનો અધિકાર, પ્રથમ લોકસભા ચૂંટણી, હરિત ક્રાંતિ, સફેદ ક્રાંતિ, ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધ, સિમલા કરાર, ચિપકો આંદોલન, પોખરણ-1, દેશનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, કટોકટી, ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો વિજય, ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માનું સ્પેસમાં જવું, ઓપરેશન બ્લ્યૂ સ્ટાર, ભોપાલ ગેસ દુર્ઘટના, 1991માં અર્થવ્યવસ્થાના મોટા ફેરફાર, મુંબઇ બોમ્બ ધડાકા, પોખરણ-2, કારગીલ યુદ્ધ, માહિતી અધિકાર અધિનિયમ, મનરેગા કાયદો, ત્સુનામી, ચંદ્રયાન-1, મુંબઇ આતંકવાદી હુમલો, શિક્ષણનો અધિકાર, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, મંગળ મિશન, પોલિયો મુક્ત ભારત, ભારતની પોતાની GPS સિસ્ટમ, જીએસટી બિલ, ચંદ્રયાન-2, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, રામ મંદિર ચૂકાદો તેમજ કોરોના મહામારી સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ થાય છે. આપણે એમ કહી શકીએ કે આ તમામ ઘટનાઓ જોઇ, તેમાંથી શીખીને ભારત દેશ મોટો થયો છે.

કોઇપણ દેશ અથવા વ્યક્તિ હંમેશા વિકાસ કરે છે અને આગળ વધે છે તેમ ભારત દેશ પણ સતત આગળ વધતો રહ્યો છે અને આગળ વધતો રહેશે. આજે દેશે 75મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે તે જ રીતે 25 વર્ષ બાદ 100મો સ્વતંત્રતા દિવસ મનાવશે અને ઉપરોક્ત ઘટનાઓની યાદીમાં બીજી અનેક ઘટનાઓનો ઉમેરો થશે, સમય ચાલ્યા જ કરશે, એક પેઢી જશે, બીજી આવશે અને દેશને આગળ વધારતી રહેશે.

આઝાદીના આ પર્વમાં એવા તમામ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના ચરણોમાં વંદન કરીએ જેમણે પોતાના બલિદાન આપી દેશને આઝાદ કર્યો અને દેશ પ્રત્યે આપણી જવાબદારીનું પાલન કરીએ જેથી દેશના એ સપૂતોનું બલિદાન એળે ન  જાય.

વંદે માતરમ્‌, ભારત માતા કી જય

14 May, 2021

Daily Current Affairs in both, Mobile app and website!

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

ખુબ આનંદ સાથે જણાવવાનું કે આપણા કરંટ અફેર્સના મેગેઝિન Monday Musings, જે 15મી મે, 2012ના રોજ શરુ કરવામાં આવ્યું હતું તેને આજરોજ નવ વર્ષ પુરા થયા છે. આ તકે RIJADEJA.com વેબસાઇટના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તેમજ અન્ય મુલાકાતીઓનો આભાર માનીએ છીએ.

Monday Musings મેગેઝિને વિદ્યાર્થીઓને તૈયાર કરંટ અફેર્સ આપ્યું, જેને વાંચ્યા બાદ લગભગ કોઇજ મેગેઝિન કે ન્યૂઝપેપર વાંચવાની જરુર ના રહે. Monday Musings મેગેઝિનમાં પરીક્ષા માટે ઉપયોગી હોય તેવા તમામ સમાચારોને ખૂબજ ટૂંકાણમાં આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનો સમય વેડફાઇ નહી અને આ જ કાર્ય છેલ્લા 9 વર્ષથી અવિતરપણે ચાલી રહ્યું છે.

આ મેગેઝિન પોતાના નામ મુજબ દર સોમવારે પ્રસિદ્ધ થાય છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી RIJADEJA.com Learning App પર પણ ડેઇલી કરંટ અફેર્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેનો હાલ હજારો વિદ્યાર્થીઓ ફાયદો લઇ રહ્યા છે. આ જ સુવિધાને એક ડગલુ આગળ વધારી હવેથી એટલે કે આજરો તા. 14મી મે, 2021થી Monday Musingsના તમામ સમાચાર ફક્ત મોબાઇલ એપ પર જ આપવાને બદલે Monday Musings વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓ પોતાની અનૂકુળતા મુજબ તેનો ઉપયોગ કરી શકે.

આશા છે આ ફેરફાર વિદ્યાર્થીઓને પસંદ આવશે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરી શકશે. નજીકના ભવિષ્યમાં  Monday Musings મેગેઝિનમાં હજુ પણ વધુ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી રહેશે. Monday Musings મેગેઝિન વિશે જો આપનો કોઇ પ્રતિભાવ હોય તો અમોને Monday Musings વેબસાઇટના ફીડબેક પેઇજ પર જરુર આપશો.


આપનો વિશ્વાસુ,

--R. I. Jadeja


19 March, 2020

RIJADEJA.com Learning App - નવી સુવિધાઓ સાથે...

learning app for competitive exams gujarati
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

RIJADEJA.com વેબસાઈટની એન્ડ્રોઇડ એપ્લીકેશનની બીજી આવૃતિ છ મહિના અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લીકેશન પોતાના તદ્દન નવા લૂક અને નવા ફિચર્સ સાથે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પ્રતિક્ષા હતી તે Monday Musings મેગેઝિનને પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ડેઇલી કરંટ અફેર્સ, વિકલી કરંટ અફેર્સ ક્વિઝ, વિષયવાર જીકે ક્વિઝ, જનરલ નોલેજ પીડીએફ ફાઇલ્સ, જોબ અપડેટ્સ જેવી અન્ય સુવિધાઓ તો ખરી જ!

RIJADEJA.com Learning Appની સુવિધાઓ:

  • દિન વિશેષની માહિતી 
  • ડેઇલી કરંટ અફેર્સ
  • વિકલી કરંટ અફેર્સ Monday Musings મેગેઝિન તરીકે ઉપલબ્ધ
  • વિકલી કરંટ અફેર્સ ટેસ્ટ
  • જોબ અપડેટ્સ
  • વિષય મુજબ જનરલ નોલેજ MCQ ક્વિઝ
  • જનરલ નોલેજ PDF Files
  • ડેઇલી જીકે
  • દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી
  • 10,000થી પણ વધુ વન લાઇનર પ્રશ્ન-જવાબ
  •  True False ક્વિઝ
  • વીડિયો ટ્યુટોરિયલ્સ
  • અગત્યના પરિપત્રો / Circulars
  • જૂના વર્ષોના સોલ્વડ પ્રશ્નપત્રો
  • ગુજરાત મેગેઝિન
  • રોજગાર સમાચાર
  • રોજગાર ક્વિઝ
  • GCERT અને NCERT ઓનલાઇન બુક્સ
આ એપ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે અમારા દ્વારા તેને દર કલાકે અપડેટ કરવામાં આવે છે તેમજ તેમાં નવી નવી માહિતી ઉમેરવામાં આવે છે. અમને વિશ્વાસ છે કે આ એપ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ગમે ત્યા, ગમે ત્યારે કરી શકશે.

આ એપ વિશે આપના કોઇ મંતવ્ય હોય તો એપની Feedback વિભાગમાં અથવા અમારા ઇમેઇલ એડ્રેસ rijadeja[at]gmail.com[dot]com પર ચોક્કસ આપશો જેથી એપની ગુણવત્તામાં સુધારો કરી શકાય.

14 May, 2018

Monday Musings: કરંટ અફેયર્સની યાત્રાના 6 વર્ષ પૂર્ણ...

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનને આજે 14મી મે, 2018ના રોજ છ વર્ષ પુરા થયા છે! વર્ષ 2012માં જ્યારે મેગેઝિન શરૂ કર્યું ત્યારે ખુબ જ પ્રાથમિક સ્તરે અને નાના વિચારથી આ મેગેઝિન બનાવ્યું હતું અને આ મેગેઝિન આટલુ પ્રસિદ્ધ થશે તેવો સપનામા પણ વિચાર નહોતો કર્યો.

છેલ્લા ઘણા સમયથી આ મેગેઝિન માટે વિદ્યાર્થીઓના પ્રતિભાવો ફિડબેક ફોર્મમાં, ઇમેઇલ દ્વારા તેમજ RIJADEJA.com વેબસાઈટ પર મુકેલ સર્વે દ્વારા  મળ્યા હતા. આ તમામ પ્રતિભાવો તેમજ માંગણીઓને ધ્યાને લઇ મેગેઝિનના છ વર્ષ પુરા થયાના આ દિવસે અમુક ફેરફારો કર્યા છે જે વિદ્યાર્થીઓને ચોક્કસ ગમશે તેમજ ઉપયોગી પણ થશે.

ન્યૂઝ ફોટો: મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના ચાલુ અંક નં 314થી સમાચારની સાથે ફોટો ઉમેરવામાં આવ્યા છે જેથી જે-તે ન્યૂઝને વિઝ્યુઅલી યાદ રાખવામાં સરળતા રહે તેમજ મેગેઝિનનો દેખાવ ‘મેગેઝિન’ જેવો બની રહે :).  જોવાથી માહિતી વધુ યાદ રહે તે વાતને ધ્યાને રાખી આ રીતે ન્યૂઝ સાથે ફોટો મુકવાનું નક્કી કરેલ છે. ફોટો મુકવા બાબતે ખુબ જ તકેદારી રાખવામાં આવી છે કે બિનજરૂરી ફોટો અથવા વધુ પડતી મોટી સાઇઝનો ફોટો મુકવામાં ન આવે..  

ટેબલ/ ચાર્ટ્સ / ડાયાગ્રામ: મેગેઝિનમાં અમુક અગત્યના સમાચારોમા ચાર્ટ્સ, ટેબલ અથવા ડાયાગ્રામ મુકી તેને કલરફૂલ અને આકર્ષક રીતે પ્રદર્શિત કરી ન્યૂઝને સરળતાથી યાદ રાખી શકાય તેવા ફેરફારો કરાયા છે. આ તમામ ચાર્ટ્સ અને ડાયાગ્રામ બનાવવામાં એ બાબતની તકેદારી લેવામાં આવી છે કે તે આકર્ષક, ઉપયોગી અને માહિતીસભર હોય.

મેગેઝિનમાં આ રીતે ચાર્ટ્સ અને ડાયાગ્રામના ઉપયોગથી વિદ્યાર્થીઓને માહિતી યાદ રાખવામાં ચોક્કસ ફાયદો થશે. આ ફેરફારથી જે માહિતીમાં તુલના/કમ્પેરિઝન આવતી હોય તેવી માહિતી તાત્કાલિક યાદ રહી જશે.

લેઆઉટ ફેરફાર: હાલ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન ટૂ-કોલમ લેઆઉટમાં પ્રસિદ્ધ થાય છે જે મોબાઇલ પર સરળતાથી જોવા માટે ખુબ જ જરૂરી છે તેથી તેમા કોઇ ફેરફાર ન કરતા અમુક નાના-મોટા ફેરફાર કરાયા છે જેમાં તારીખ અને વાર લખેલ હેડિંગને હાઈલાઈટ કરવાનો પ્રયાસ કરાયો છે. 

સર્વે દ્વારા અમુક એવા ફિડબેક પણ મળ્યા છે જેનો અમલ કરવો હાલના સમય મુજબ શક્ય નથી, જે નીચે મુજબ છે.

  • મેગેઝિનને ડેઇલી / માસિક કરંટ અફેયર્સનું સ્વરૂપ આપો: મેગેઝિનના નામ મુજબ આ એક અઠવાડિક મેગેઝિન છે તેથી તેને દૈનિક અથવા માસિક મેગેઝિન તરીકે પ્રસિદ્ધ કરવું હાલ શક્ય નથી.
  • નોટ્સના બદલે સંપૂર્ણ સ્ટોરી રૂપે કરંટ અફેયર્સ આપો: મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓનો સમય બચાવવાનું તેમજ કરંટ અફેયર્સને નોટ્સ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાનો છે. લાંબી લચક સ્ટોરી સ્વરૂપે કરંટ અફેયર્સ આપતા ઘણા મેગેઝિન માર્કેટમાં ઉપલબ્ધ છે આ સિવાય આ રીતે સ્ટોરી સ્વરૂપે ન્યૂઝ દરેક ન્યૂઝપેપર્સમાં પણ ઉપલબ્ધ હોય છે.
  • મેગેઝિનન ડાઉનલોડ અને પ્રિન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા કરો: મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના લેટેસ્ટ બે અંકો (15 દિવસનું કરંટ અફેયર્સ) સિવાય તમામ અંકો ડાઉનલોડ તેમજ પ્રિન્ટ થઇ શકે તે રીતે વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  • દરેક ન્યૂઝમાંથી એક પ્રશ્ન બનાવી ટેસ્ટ મુકો: હાલ મેગેઝિનમાં અગત્યના પ્રશ્નોની ટેસ્ટ મુકવામાં આવે છે. દરેક ન્યૂઝમાંથી એક પ્રશ્ન બનાવવો તે મુદ્દે ભવિષ્યમાં વિચાર કરી ચોક્ક્સ અમલ કરવામાં આવશે.

આશા છે મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના આ ફેરફારો વિદ્યાર્થીઓને ગમશે તેમજ ઉપયોગી થશે. મેગેઝિનના નવા કરેલા ફેરફારો વિશે આપના મંતવ્યો અમને વેબસાઈટના ફિડબેક પેઇજ પર અવશ્ય મોકલશો..

આપનો વિશ્વાસુ,
R. I. Jadeja

31 December, 2017

RIJADEJA.com વેબસાઈટના 7 વર્ષ પૂર્ણ...

નમસ્કાર,

નવા વર્ષની શરૂઆતની સાથોસાથ આપણી શૈક્ષણિક વેબસાઈટ RIJADEJA.comને પણ આજરોજ 7 વર્ષ પૂરા થયા છે. વર્ષ 2010-11મા જ્યારે ફક્ત શોખ માટે તેમજ અમુક ટેકનીકલ બાબતો શીખવ માટે શરૂ કરેલી વેબસાઈટ લોકોને આટલી ઉપયોગી થશે તેમજ આટલા મોટા લેવલ પર પ્રસિદ્ધ થશે તેવો સ્વપ્નમા પણ ખ્યાલ નહોતો.

અગત્યની વાત એ છે RIJADEJA.com વેબસાઈટ એવા સમયમાં લોન્ચ કરવામાં આવી જ્યારે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટવાને થોડો જ સમય બાકી હતો અને આ બાબતે વિદ્યાર્થીઓ વધુ જાગૃત પણ ન હતા. તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વેબસાઈટ ગુજરાતની પ્રથમ અને સાચા અર્થમાં ગુણવત્તાયુક્ત વાંચન સામગ્રી આપનાર પ્રથમ વેબસાઈટ બની જેને આ 7 વર્ષમાં જબરો પ્રતિસાદ મળ્યો.

શરૂઆત:

RIJADEJA.com વેબસાઈટ બનાવવાનો મુળ હેતુ ડોમેઇનને કંંઈ રીતે કન્ફીગર કરવુ તે શીખવાનો જ હતો. વખત જતા પીડીએફ ફાઈલ કઈ રીતે દર્શાવવી તે શીખવાનું મન થયું. આ બાબત શીખવા માટે સ્વાભાવિક રીતે જ એક પીડીએફ ફાઈલ હોવી જોઇએ. જાણે કુદરતે અગાઉ જ બધુ લખ્યુ હોય તેમ અને જે બાબત જીવનભર યાદ રહેવાની હોય તેવી રીતે GPSC નાયબ મામલતદાર અને ડે. સેક્શન ઓફિસર ભરતી 2010-11 જાહેરાતની પીડીએફ ફાઇલ હાથમાં આવી. જેને વેબસાઈટ પર ફક્ત ટેસ્ટીંગ ધોરણે અપલોડ કરી દેવામાં આવી. થોડા દિવસો બાદ વેબસાઈટના આંકડાઓ જોતા ખ્યાલ આવ્યો કે આ ફાઈલ 50થી વધુ વાર સર્ચમાં ડિસ્પ્લે થઇ છે. ફાઇલ વધુને વધુ જોવાતા રસ પણ વધ્યો કે એવુ તો શુંં છે એમા? ત્યારબાદ તે પીડીએફ ફાઇલનો વિગતવાર અભ્યાસ કરતા જણાયું કે તેમાં જે સિલેબસ આપ્યો છે તેના માટેનું તમામ મટીરિયલ તો મારા લેપટોપમાં ટાઈપ થયેલુ જ હતું, જે મે મારી પરીક્ષાની તૈયારી માટે તૈયારીના ભાગ રૂપે ટાઇપ કર્યું હતું. બસ પછી આજ સુધી ક્યારેય પાછળ ફરીને જોયુ જ નથી અને આજે RIJADEJA.com વેબસાઈટ આપ સૌની સમક્ષ છે.

RIJADEJA.com V/s Others

હાલના સમયની વાત કરીએ તો ઈન્ટરનેટ પર બ્લોગ બનાવવો તે સામાન્ય બાબત છે તેમજ મફત અથવા તો મામૂલી ખર્ચમાં પણ બનાવી શકાય છે ત્યારે ગુજરાતમાં પરીક્ષાઓ માટેના અપડેટ્સ આપતા કદાચ 300થી વધુ બ્લોગ છે. આ બધા બ્લોગ જોઇએ તો જ ખ્યાલ આવે કે આપણી આ વેબસાઈટ પર લખેલી તમામ માહિતી સ્પષ્ટ છે, વિશ્વસનીય છે, ગુણવત્તાયુક્ત છે તેમજ મહેનત કરીને બનાવવામાં આવેલી છે, જે અન્ય સાધારણ બ્લોગમાં જોવા મળતુ નથી. આજે 7 વર્ષ પુરા થયા બાદ પણ RIJADEJA.com વેબસાઈટ પર TRP કમાવા માટે બ્રેકીંગ ન્યૂઝના નામ પર કોઇ ખોટી માહિતી અથવા 'અફવા' ફેલાવવામાં આવતી નથી. બીજા બ્લોગની જેમ સામાન્ય 25-25 MCQ પ્રશ્નોના સેટને 'પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે મોડેલ પ્રશ્નપત્ર' કે પછી 'તલાટી પરીક્ષા માટે અતિ ઉપયોગી પ્રશ્નો' વગેરે જેવા આકર્ષક શિર્ષક હેઠળ કોઇ માહિતી મુકવામાં આવતી નથી.

7 વર્ષ સુધી RIJADEJA.com વેબસાઈટ ફક્ત અને ફક્ત ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય માહિતી પુરી પાડતુ આવ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે વિદ્યાર્થીઓને શક્ય એટલી તમામ માહિતી, માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે તેવી બાંહેધરી સાથ તમામ વિદ્યાર્થીઓને વર્ષ 2018 માટેની ખુબ ખુબ શુભકામનાઓ. કોઇપણ કોચીંગ સેન્ટરમાં પોતાના નાણા અને સમય બગાડ્યા વિના સ્વ-મહેનતથી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી શુભકામનાઓ...

R. I. Jadeja

Write your comments / wishes in below comment box

09 December, 2017

મત 'દાન' નહી, 'ફરજ'

નમસ્કાર મિત્રો,

આજે તા. 09 ડિસેમ્બર, 2017 એટલે કે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ. ખરેખર આ શબ્દપ્રયોગ ખોટો હોય એવુ લાગે છે કેમકે જ્યારે બીજાની મદદ કરવા માટે કોઇ વસ્તુ આપવામાં આવે ત્યારે તેને 'દાન' કહે છે. મત આપવાની બાબતમાં આ શબ્દપ્રયોગ એટલા માટે ખોટો જણાય છે કેમકે મત આપીને આપણે આપણી પોતાની જ મદદ કરવાની હોય છે. ભારત દેશના સંદર્ભમાં વાત કરીએ તો, વિશ્વના સૌથી મોટા લોકતંત્રને બચાવવાના પક્ષમાં મત આપવાનો હોય છે, ત્યારે તેના માટે 'દાન' શબ્દને બદલે 'ફરજ' શબ્દ યોગ્ય હોય તેવુ લાગે છે.
મત આપવાની તારીખ = લોકશાહીની વ્યાખ્યામાં જે લોકોની વાત કરવામાં આવે છે તે લોકોનો દિવસ
આમ જોઇએ તો 'લોકશાહી શબ્દનો અર્થ લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર' એવો થાય છે. તેથી મત આપવાની તારીખ માટે એવુ કહી શકાય કે લોકશાહીની વ્યાખ્યામા જે લોકોની વાત કરી છે, તે લોકોનો દિવસ. આ દિવસે લોકોએ પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ અને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પોતાની ફરજ નિભાવવી જોઇએ.

આજના દિવસે દરેક જાગૃત નાગરિકે 'મતદાન' નહી પણ પોતાની 'મત આપવાની ફરજ' પુરી કરવી જોઇએ જેથી 'લોકો વડે, લોકો માટે'ની સરકાર બનાવી શકાય. RIJADEJA.com વેબસાઈટના વાચકો એટલે એવા વિદ્યાર્થીઓ કે જેઓ પોતે સરકારી નોકરી મેળવવાની તૈયારી કરતા હોય છે, ત્યારે આવા વિદ્યાર્થીઓની મત આપવાની ફરજ બમણી થાય છે, તેઓએ પોતે મત આપવો જોઇએ અને સાથોસાથ અન્ય લોકોને પણ મત આપવું કેટલુ જરૂરી છે તેના વિશે માહિતગાર કરવા જોઇએ.

ગુજરાતના દરેક જાગૃત નાગરિકો પોતાનો કિંમતી અને પવિત્ર મત યોગ્ય ઉમેદવારને જરૂર આપે તેવી અપીલ સાથે આ બ્લોગના શબ્દોને અહી જ વિરામ આપુ છું. જય હિંદ...


--R. I. Jadeja
vote is must - rijadeja blog

15 August, 2017

જન્માષ્ઠમી અને ભારતનો 71મો સ્વતંત્રતા દિવસ

Krishna Janmasthami
ભારત માટે આજે તહેવારનો એક અનેરો સંગમ છે. એક તરફ ભારતનો 71મો સ્વાતંત્ર્ય દિવસ છે તો બીજી તરફ જેની છાપ સદીઓથી એક નટખટ, તોફાની અને માસૂમ બાળક જેવી જ રહી છે તેવા બંસીધર શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ઠમીનો તહેવાર છે.

કૃષ્ણ વિશે કંંઇ પણ લખીએ ત્યારે પ્રથમ પ્રશ્ન નામનો પણ થાય કારણ કે કૃષ્ણના સેંકડો નામ છે. કોઇ કવિ / કવિયત્રીના શબ્દોમાં આ પ્રશ્નને કંઇક આ રીતે કહી શકાય,
ઓ રે ક્‌હાન, અલ્યા કાળિયા ક્‌હાન, તારા નિત નિત નવા નામ,
કિયા નામે તને ઓળખીયે તારા કામણગારા કામ,
'તને કૃષ્ણ કહું, મોરારી કહું, તને કાનો કહું કે વ્હાલો કહું?'.
કૃષ્ણ શબ્દ બોલતા જ એક નાનું ચાર પગે ચાલતું બાળક, માખણની ચોરી કરતું બાળક, જશોદા મૈયાને હેરાન કરતું બાળક, રાક્ષસોને મારતું બાળક, યમુના કિનારે બલરામજી, સુદામા અને અન્ય મિત્રો સાથે રમત રમતું એક નટખટ બાળક, કાલી નાગને નાથી તેના પર નૃત્ય કરતું બાળક, કંસનો વધ કરતું બાળક, રાધાજી સાથે પ્રેમ કરનાર એક વ્યક્તિ, ગોપીઓ સાથે રાસ રચાવતી વ્યક્તિ, ગોકુળના નદી કિનારે ગાયો ચરાવી અને મધુર વાંસળી વગાળનાર એક ગોવાળ, મહાભારત યુદ્ધ રોકવા માટે પ્રયાસ કરનાર એક પ્રખર રાજનીતિજ્ઞ, અર્જૂનના સારથીની ભૂમિકા ભજવનાર, અર્જુનને યુદ્ધ મેદાનમાં મહાનગ્રંથ ગીતાજી સંભળાવનાર વ્યક્તિ યાદ આવે છે. આ શબ્દ બોલતા જ એક પ્રેમભાવ પ્રગટ થાય છે.

ઘણી વાર આપણે એમ વિચારીએ છીએ કે કૃષ્ણએ અર્જુનને પોતાના જ સંબંધીઓનો વધ કરવાની સલાહ આપી તો તેઓને ભગવાન કઇ રીતે કહી શકાય? પરંતુ શ્રી કૃષ્ણએ બે અલગ અલગ સત્યમાંથી એક પરમ સત્યને પસંદ કરી અર્જુનને આ સલાહ આપી છે. આ સલાહ આપતા પહેલા ભગવાને યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમના જીવનનું એકમાત્ર પરમ સત્ય હતું જે ગીતાજીમાં આ રીતે વર્ણવેલુ છે,
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
આ સત્યને ધ્યાને રાખી અને ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે ઉપદેશ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે આપણે "અસત્યથી સત્ય તરફ નથી જવાનુ પણ નિમ્ન સત્ય થી ઉચ્ચ સત્ય તરફ જવાનું છે".

કૃષ્ણ વિશે લખીએ એટલું ઓછુ છે તે જ રીતે ગીતાજી વિશે પણ સમજીએ એટલુ ઓછુ પડે. જેટલી વધુ વાર આ ગ્રંથ વાંચીએ ત્યારે દરેક વખતે કંઇક નવો સાર, નવી સમજણ થાય છે.

RIJADEJA.com વેબસાઇટના તમામ વાંચકો અને વિદ્યાર્થીઓને કૃષ્ણ જન્માષ્ઠમી અને સ્વાતંત્ર્ય દિવસની ખુબ ખુબ શુભકામનાઓ...

--R. I. Jadeja

22 June, 2017

ગુજરાત પોલીસ ભરતી 2017 ??? પોતાના લાભ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા !!!

ગુજરાત પોલીસ ભરતી 2017
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 

હાલમાં વૉટ્સએપ સહિતના સોશિયલ મિડીયા પર ગુજરાત પોલીસ ભરતી - 2017ના મથાળા હેઠળ એક ફોટો ફરી રહ્યો છે જેમાં કુલ 17,532 જગ્યાઓ દર્શાવીને જાહેરાત કરવામાં આવી છે. આ ઇમેજ જોતા સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આ ઇમેજ કોઇ ફોર્મ ભરી આપનાર સાયબર કાફે અથવા તેવી કોઇ વ્યક્તિની ઓફિસના નોટીસ બોર્ડનો ફોટો છે. સ્વાભાવિક રીતે જ બેરોજગાર યુવાનો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ  માટે પોતાનો દિવસ રાત એક કરતા તમામ વિદ્યાર્થીઓ  કમ ઉમેદવારો આ ઇમેજ તરફ આકર્ષાવાના જ અને આ વાત કોચીંગ સેન્ટરના નામે પોતાનો ધિકતો 'ધંધો' ચલાવનારા લોકો ખુબ સારી રીતે જાણે છે. તેથી તેઓ યુવાનોને આકર્ષવા માટે નવા નવા નુસખાઓ અપનાવવાના જ. 

ઉપરોક્ત જણાવેલ પોલીસ ભરતી પણ આ 'કાંડ'નો જ એક ભાગ છે. હાલ ગુજરાત પોલીસ દવારા આ પ્રકારની કોઇ જ ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી. આ ફોટોમાં જે જગ્યાઓ લખેલી છે તે વર્ષ 2016માં આવેલ પોલીસ ભરતીની જગ્યાઓ છે જે ભરાઇ ચુકી છે તેમજ તે ઉમેદવારોની તાલીમ પણ શરૂ થઇ ગયેલ છે.

વિદ્યાર્થીઓને અત્રે જણાવવાનું કે આ 'કાંડ' કોઇ નવુ નથી, અગાઉ પણ જીપીએસસી વર્ગ 1-2 પ્રિલીમ પરીક્ષા માટે રાજકોટના એક પ્રસિદ્ધ કોચીંગ સેન્ટર દ્વારા ન્યૂઝપેપરમાં ખુબજ ઓછા કટ-ઓફ-માર્ક્સની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતનો મુખ્ય હેતું મુખ્ય પરીક્ષાના કોચીંગ માટે વિદ્યાર્થીઓને આકર્ષવાનો હતો. આ પ્રકારના કોચીંગ સેન્ટર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા / રમત કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે વિદ્યાર્થીઓ પણ આ પ્રકારની રમતમાં આવી જાય છે.

વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આ પ્રકારના કોઇ કોચીંગ સેન્ટર અથવા ફોર્મ ભરી આપનારા સાયબર કાફેના દરેક સમાચારોને સાચા માની કોઇ કોચીંગ સેન્ટરમાં જોડાય નહી. વિદ્યાર્થીઓ આ બાબતે પણ ધ્યાન આપે કે ન્યૂઝપેપરમાં આવતા સમાચારો પણ હંમેશા સાચા હોતા નથી. ન્યૂઝપેપરમાં પણ ઘણી વાર કોચીંગ સેન્ટર દ્વારા આગામી ભરતીઓ વિશે ખોટી પેઇડ જાહેરાતો આપવા આવતી હોય છે જેને જોઇને વિદ્યાર્થીઓ કોચીંગ જોઇન કરતા હોય છે. પરંતુ એક જાગૃત અને ભણેલ ગણેલ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપર પર જ આધારિત રહેવાને બદલે પોતાની રીતે તપાસ કર્યા બાદ જ આગળ વધવુ જોઇએ.

છેલ્લે અગત્યની બે વાત:
  1. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોઇ જ કોચીંગ સેન્ટરની જરૂરિયાત નથી, વિદ્યાર્થી પોતે સાચી દિશામાં મહેનત કરે તો પોતાની રીતે જ સફળ થઇ શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ ફક્ત તૈયારી માટેનું પાયાનું જ્ઞાન મેળવવું જરૂરી હોય છે.
  2. સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે RIJADEJA.com વેબસાઇટ પર ફક્ત અને ફક્ત વિશ્વસનીય માહિતી જ મુકવામાં આવે છે. અમારા દ્વારા મુકવામાં આવતી માહિતી સૌપ્રથમ અમારા દ્વારા તપાસવામાં આવે છે જેથી ખોટી અફવાઓનો ફેલાવો ન થાય. તેથી વિદ્યાર્થીઓ આ પ્રકારના અપડેટ્સ માટે RIJADEJA.com વેબસાઇટ પર વિશ્વાસ મુકી શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી વેબસાઈટ્સ:
  1. વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓ માટેની વાંચન સામગ્રી (સ્ટડી મટીરિયલ)
  2. વિષયવાર સામાન્ય જ્ઞાનની પીડીએફ ફાઇલ 
  3. અઠવાડિક કરંટ અફેર્સ
  4. Govt Jobs in Gujarat
  5. Govt Jobs in India

24 May, 2017

મન્ડે મ્યુઝિંગ્સ - કરંટ અફેર્સની અવિરત યાત્રાના 5 વર્ષ પૂર્ણ

વિદ્યાર્થી મિત્રો,

14 મે, 2012ના રોજ શરૂ કરેલ આપણા આ કરંટ અફેર્સ મેગેઝિનને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે. આ પાંચ વર્ષોમાં આ મેગેઝિન દ્વારા હજારો નહી પણ લાખો વિદ્યાર્થીઓને નિયમિત રીતે કરંટ અફેર્સ પુરુ પાડવામાં આવ્યુ છે અને ભવિષ્યમાં પણ આ યાત્રા અવિરત ચાલુ જ રહેશે.

સમયની માંગ મુજબ આ મેગેઝિન જ્યારે શરૂ કરાયું ત્યારે અને હાલના મેગેઝિનમાં ઘણા ફેરફારો કરાયા છે. જેમાં ડિઝાઇન, ફોર્મેટીંગ, ઓનલાઇન ટેસ્ટ, MM Special વગેરેનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં પણ સમયની માંગ મુજબ આ મેગેઝિનમાં ફેરફારો અવશ્ય કરવામાં આવશે.

આ મેગેઝિન મોબાઇલ તેમજ ટેબ્લેટ્સમાં ઓનલાઇન જોવામાં અમુક વિદ્યાર્થીઓને પડતી તકલીફોને ધ્યાને લઇ વેબસાઈટની ડિઝાઇન તેમજ પ્લેટફોર્મ બદલવામાં આવ્યુ છે. નવી ડિઝાઇન કરાયેલી વેબસાઈટ મોબાઇલ, ટેબ્લેટ્સ, લેપટોપ કે ડેસ્કટોપ સહિતના તમામ ડિવાઇસ પર એકદમ સરળ રીતે જોઇ શકાશે. નવી વેબસાઈટ મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના જૂના વેબ એડ્રેસ પર જ એટલે કે http://mm.rijadeja.com પર જ જોઇ શકાશે.

વધુમાં, મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિનના તમામ જૂના અંકો આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સાથોસાથ, તમામ જૂના MM Special અંકો, ટેસ્ટ (આન્સર-કી સાથે) પણ ઉપલબ્ધ છે જેથી કોઇ પરીક્ષા માટે છેલ્લા અમુક મહિનાઓનું કરંટ અફેર્સનું લેટેસ્ટ મટીરિયલ શોધવા માટે ક્યાંય જવુ પડશે નહી. આ તમામ અંકો અમારી એન્ડ્રોઇડ એપ્લીકેશન પર પણ ઉપલબ્ધ છે જેથી તમે ગમે ત્યા અને ગમે ત્યારે મોબાઇલ, ટેબ્લેટ પર ગુણવત્તાયુક્ત કરંટ અફેર્સ તથા જનરલ નોલેજ વાંચી શકશો.

ઘણા વિદ્યાર્થીઓના એવા પ્રતિભાવો મળી રહ્યા છે કે આ મેગેઝિનને ડેઇલી સ્વરૂપે પ્રસિદ્ધ કરો પણ હાલ પુરતું સમયની મર્યાદાઓને ધ્યાને લેતા આવુ કરવું શક્ય નથી તેથી મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન હાલના ફોર્મેટ મુજબ વિકલી એટલે કે સાપ્તાહિક સ્વરૂપે જ પ્રસિદ્ધ થશે.

આશા છે આ મેગેઝિન સર્વે વિદ્યાર્થી મિત્રોને આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થતું રહેશે તેમજ અમારો હરહંમેશ પ્રયત્ન રહેશે કે કરંટ અફેર્સ માટે વિદ્યાર્થીઓએ કોઇ અન્ય સ્ત્રોત અથવા મેગેઝિનનો ઉપયોગ કરી પોતાનો સમય અને નાણાનો ખોટી રીતે વ્યય થાય નહી.

મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન તેમજ તેની વેબસાઈટ વિશેના આપના વિચારો અને મંતવ્યો અમોને ફીડબેક પેઇજ પર અવશ્ય જણાવશો જેથી તેમાં જરૂરી ફેરફારો કરી શકાય.

આપ સૌના ઉજળા ભવિષ્યની શુભેચ્છાઓ સહ...

--R. I. Jadeja


01 April, 2017

New website for Govt. Jobs in India by RIJADEJA.com

govt jobs india
Click on image to view larger

Govt. Jobs in India

RIJADEJA.com દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તમામ વિગતો / અપડેટ્સ પ્રસિદ્ધ કરવામાં આવે જ છે. પરંતુ આજરોજ (તા. 1 એપ્રિલ, 2017)ના રોજ ફક્ત નેશનલ / રાષ્ટ્રીય સ્તરના અપડેટ્સ માટે એક અલગ વેબસાઈટ http://jobs.rijadeja.com લોન્ચ કરતા અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ.

નવી વેબસાઈટમાં ઉપલબ્ધ સુવિધાઓ

  • સમગ્ર ભારતમાં ઉપલબ્ધ સરકારી નોકરીઓની જાહેરાત
  • પરીક્ષાઓની તારીખની માહિતી
  • દરેક પરીક્ષાઓના વિગતવાર અભ્યાસક્રમ (સિલેબસ)
  • પરીક્ષાઓ / ઈન્ટરવ્યુ માટેના કોલ લેટરની માહિતી
  • વિવિધ પરીક્ષાઓના પેપર સોલ્યુશન / આન્સર-કી
  • દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરીણામોની જાણકારી

નવી વેબસાઈટની જરૂરિયાત શા માટે?

હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તમામ માહિતી http://updates.rijadeja.com વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવે જ છે પરંતુ અમુક વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાત રાજ્યને લાગૂ પડતા અપડેટ્સ જ મેળવવા ઇચ્છે છે. આ કારણથી તેઓ સમગ્ર દિવસ દરમિયાન આવતા ગુજરાત રાજ્યની સાથોસાથ રાષ્ટ્રીય સ્તરના અપડેટ્સથી કંટાળી જતા હતા. આ નવી વેબસાઈટ લોન્ચ કર્યા બાદ હવેથી Updates વેબસાઈટ પર ફક્ત ગુજરાત સ્તરના જ અપડેટ્સ મુકવામાં આવશે તેમજ નવી વેબસાઈટ Jobs પર રાષ્ટ્રીય સ્તરના અપડેટ્સ મુકવામાં આવશે જેથી બિનજરૂરી અપડેટ્સ / નોટિફિકેશનથી વિદ્યાર્થીઓને તકલીફ ન થાય.

આ ફેરફાર બાદ એન્ડ્રોઇડ એપ પર શું અસર થશે?

આ જરૂરી ફેરફાર કર્યા બાદ હાલની એન્ડ્રોઇડ એપ્લીકેશનમાં ફક્ત ગુજરાતને લાગૂ પડતા અપડેટ્સ જ ઉપલબ્ધ રહેશે. રાષ્ટ્રીય સ્તરના અપડેટ્સ અથવા સરકારી નોકરીની માહિતી માટે એક નવી એન્ડ્રોઇડ એપ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પોતાની પસંદ મુજબના અપડેટ્સ મળી રહે.


આશા છે આ ફેરફાર વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. નવી વેબસાઈટ વિશે આપનો પ્રતિભાવ જણાવવા અહી ક્લિક કરો.

12 January, 2017

સ્વામી વિવેકાનંદ - ૧૫૪મી જન્મ જયંતિ

swami-vivekanand-154-birth
12મી જાન્યુઆરીનો આજનો પવિત્ર દિવસ યુવાનો માટે ખુબજ મહત્વનો દિવસ છે કેમકે આજના જ દિવસે એટલે કે 12મી જાન્યુઆરી, 1863 (મકરસંક્રાત)ના દિવસે યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા નરેન્દ્રનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. આજે સ્વામીજીની 154મી જન્મ જયંતિ છે.

જેના જન્મ થયે આજે દોઢ સદી વિતી ચુકી છે તો પણ તેઓની છબી જોતા જ તેઓ જીવંત છે તેવો અહેસાસ થાય છે. તેઓના ફોટાને જોતા જ તેઓનું વાક્ય 'બળ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે' સાકાર થતું દેખાય છે. આજની તારીખે પણ તેઓના સુવાક્યોની કોઇ નાની પુસ્તિકા વાંચીને પણ આપણામાં કોઇ નવી ઉર્જા અને નવું બળ સર્જાતું હોય તેવુ દેખાય છે.

આટલા વર્ષો પછી પણ જેને વારંવાર વાંચવાનું મન થાય તેવા સ્વામીજીના ઉદ્‌બોધનો વાંચીએ જેમાં લખ્યુ હોય કે 'અરે ઓ સિંહો, તમે ઉભા થાઓ અને તમે ઘેંટા છો એવો વિચાર ખંખેરી નાખો' ત્યારે સાચે જ આપણે સિંહ જેવા હિંમ્મતવાન છીએ તેવો ભાવ થાય છે.

ભારતવર્ષને હજુ પણ સદીઓ સુધી સ્વામીજીના આ સંબોધનો હિમ્મત આપતા રહેશે તેમજ યુવાનોને રાહ ચિંધતા રહેશે તે નિશ્ચિત છે. સ્વામીજીની 154મી જન્મ જયંતિ નિમિતે તેઓને કોટિ કોટિ વંદન કરી તેઓના પ્રખ્યાત વાક્ય 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો' ને સાકાર કરવા માટે આગે કૂચ કરીએ...