25 August, 2016

શ્રી કૃષ્ણ લીલા

Krishna
જન્માષ્ઠમી... શબ્દ સાંભળતા અથવા વાંચતા જ એક નાના બાળ સ્વરૂપ ભગવાનનો ચહેરો સામે આવી જાય. અને એ પણ કેવો? થોડો નટખટ, તોફાની, માખણની ચોરી કરતો, વાંસળી વગાડતો, કાલીનાગ પર નૃત્ય કરતો, ગોપીઓ સાથે રાસ રમતો, ગાયો ચરાવતો –અને થોડા વર્ષો પછીનો વિચાર કરીએ તો, કંસને મારતો, અર્જુનને ગીતા સાર સંભળાવતો વગેરે... ટુંકમાં કહીએ તો એક આદર્શ પુરુષ, આજની સોશિયલ મીડિયાની ભાષામાં કહીએ તો જેને Follow કરવું ગમે તેવો વ્યક્તિ. એટલે જ તો કૃષ્ણને પુરુષોમાં ઉત્તમ એટલે કે પુરુષોત્તમ કહ્યો છે.

કૃષ્ણ એટલે એક એવુ નામ કે જેને ‘તું’ કહેવું વધુ ગમે. ખરેખર તો પાંચ હજારથી પણ વધુ વર્ષો પહેલાના આ વ્યક્તિત્વને ‘તું’ ન કહી શકાય પણ તેમની સાથે જોડાયેલા ભાવોના કારણે આપણે તેને બાળક જ માનીએ છીએ અને ‘તું’ કહેવા માટે મજબુર થઇએ છીએ.

ફક્ત જન્માષ્ઠમીના તહેવાર નિમિતે જ નહી પણ દરરોજ ભારતવર્ષની હજારો, લાખો નહી પણ કરોડો માતાઓ કૃષ્ણને પ્રેમથી નવડાવે છે, જમાડે છે અને નાના એવા હિંડોળામાં ઝુલાવે પણ છે. મંદિરોમાં આવતા હજારો, લાખો ભક્તો પણ પોતાના આ વ્હાલસોયા ભગવાનને હિંડોળામાં ઝુલાવે છે તેમજ મંદિરોમાં આવતી લાખો, કરોડો માતાઓ વ્હાલથી તેમના આ પ્રિય ભગવાનના દુખણા લે છે. આજે પાંચ હજારથી પણ વધુ વર્ષો વીતી ગયા હોવા છતાં કૃષ્ણનો મહિમા જરા પણ ઓછો થયો નથી.

કહેવાય છે કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે તમામ નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિ સારી નહોતી પણ ભગવાનના જન્મ થવા માટે તમામ સ્થિતિઓ પોતાના શ્રેષ્ઠ સ્થાનો પર આવી હતી અને ભગવાનશ્રીનો શ્રાવણ વદ આઠમના દિવસે જેલમાં જન્મ થયો, જન્મ બાદ લોક કલ્યાણના કાર્યો માટે વિવિધ રાક્ષસો અને પોતાના જ મામા કંસની હત્યા કરવી અને અર્જુનને મહાનગ્રંથ ગીતાનું રસપાન કરાવવું આ બધુ જ કૃષ્ણએ કર્યું અને આ બધુ જ લોકોના હિત માટે કર્યું છે જેની તુલના એક ‘તુચ્છ’ ફિલ્મી શબ્દ ‘ડૉન’ સાથે કરવી એ મહા મૂર્ખતા છે. આવા શબ્દો દ્વારા ભગવાનની તુલના એક ‘ગુંડા’ સાથે કરવી તે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન છે.

ભગવાનની લીલાઓ અને તમામ ઇતિહાસ જાણ્યા બાદ દ્વારિકાવાળાના બે અલગ અલગ ગીતોની ખુબ જ સુંદર પંક્તિઓ અહી ટાંકવાનું મન થાય છે.
તમે સદ્‌ગુણના છો સ્વામી, તમે સર્વના અંતરયામી,
તમે અણુ અણુમાં છો બિંદુ, તમે વિરાટમાં વસનારા,
તમે ધર્મ ધુરંધર, તમે ગીતા ગાયી, ચક્ર સુદર્શન વાળા,
દ્વારિકા વાળા...
પ્રેમ ને વશ થઇ હરજી મારો સાચવે સૌનું ટાણું,
ભરી સભામાં દ્રૌપદીના પુર્યા ચીર નવસો નવ્વાણું,
બોડાણાનું ગાડું હાંકે રે, મારો દેવ દ્વારિકા વાળો...
RIJADEJA.com વેબસાઈટના તમામ વાચકોને જન્માષ્ઠમીની ખુબ ખુબ શુભકામનાઓ...

--R. I. Jadeja

5 comments:

  1. Jay shri krushna....happy janmashtmi prabhu purnpurshotam aapnr aajna divasthi sukh shanti ane samruddhi aape

    ReplyDelete
  2. tamne pan janmashtmi ni shubh kamana..

    ReplyDelete
  3. tamne pan janmashtmi ni shubh kamana..

    ReplyDelete
  4. ખુબ જ સરસ લેખ... જન્માષ્ઠમીની શુભકામનાઓ... જય શ્રી કૃષ્ણ...

    ReplyDelete
  5. darek Samany jan na krishna prem nu pratibimb chhe aa lekh.....

    ReplyDelete