25 August, 2016

શ્રી કૃષ્ણ લીલા

Krishna
જન્માષ્ઠમી... શબ્દ સાંભળતા અથવા વાંચતા જ એક નાના બાળ સ્વરૂપ ભગવાનનો ચહેરો સામે આવી જાય. અને એ પણ કેવો? થોડો નટખટ, તોફાની, માખણની ચોરી કરતો, વાંસળી વગાડતો, કાલીનાગ પર નૃત્ય કરતો, ગોપીઓ સાથે રાસ રમતો, ગાયો ચરાવતો –અને થોડા વર્ષો પછીનો વિચાર કરીએ તો, કંસને મારતો, અર્જુનને ગીતા સાર સંભળાવતો વગેરે... ટુંકમાં કહીએ તો એક આદર્શ પુરુષ, આજની સોશિયલ મીડિયાની ભાષામાં કહીએ તો જેને Follow કરવું ગમે તેવો વ્યક્તિ. એટલે જ તો કૃષ્ણને પુરુષોમાં ઉત્તમ એટલે કે પુરુષોત્તમ કહ્યો છે.

કૃષ્ણ એટલે એક એવુ નામ કે જેને ‘તું’ કહેવું વધુ ગમે. ખરેખર તો પાંચ હજારથી પણ વધુ વર્ષો પહેલાના આ વ્યક્તિત્વને ‘તું’ ન કહી શકાય પણ તેમની સાથે જોડાયેલા ભાવોના કારણે આપણે તેને બાળક જ માનીએ છીએ અને ‘તું’ કહેવા માટે મજબુર થઇએ છીએ.

ફક્ત જન્માષ્ઠમીના તહેવાર નિમિતે જ નહી પણ દરરોજ ભારતવર્ષની હજારો, લાખો નહી પણ કરોડો માતાઓ કૃષ્ણને પ્રેમથી નવડાવે છે, જમાડે છે અને નાના એવા હિંડોળામાં ઝુલાવે પણ છે. મંદિરોમાં આવતા હજારો, લાખો ભક્તો પણ પોતાના આ વ્હાલસોયા ભગવાનને હિંડોળામાં ઝુલાવે છે તેમજ મંદિરોમાં આવતી લાખો, કરોડો માતાઓ વ્હાલથી તેમના આ પ્રિય ભગવાનના દુખણા લે છે. આજે પાંચ હજારથી પણ વધુ વર્ષો વીતી ગયા હોવા છતાં કૃષ્ણનો મહિમા જરા પણ ઓછો થયો નથી.

કહેવાય છે કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે તમામ નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિ સારી નહોતી પણ ભગવાનના જન્મ થવા માટે તમામ સ્થિતિઓ પોતાના શ્રેષ્ઠ સ્થાનો પર આવી હતી અને ભગવાનશ્રીનો શ્રાવણ વદ આઠમના દિવસે જેલમાં જન્મ થયો, જન્મ બાદ લોક કલ્યાણના કાર્યો માટે વિવિધ રાક્ષસો અને પોતાના જ મામા કંસની હત્યા કરવી અને અર્જુનને મહાનગ્રંથ ગીતાનું રસપાન કરાવવું આ બધુ જ કૃષ્ણએ કર્યું અને આ બધુ જ લોકોના હિત માટે કર્યું છે જેની તુલના એક ‘તુચ્છ’ ફિલ્મી શબ્દ ‘ડૉન’ સાથે કરવી એ મહા મૂર્ખતા છે. આવા શબ્દો દ્વારા ભગવાનની તુલના એક ‘ગુંડા’ સાથે કરવી તે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન છે.

ભગવાનની લીલાઓ અને તમામ ઇતિહાસ જાણ્યા બાદ દ્વારિકાવાળાના બે અલગ અલગ ગીતોની ખુબ જ સુંદર પંક્તિઓ અહી ટાંકવાનું મન થાય છે.
તમે સદ્‌ગુણના છો સ્વામી, તમે સર્વના અંતરયામી,
તમે અણુ અણુમાં છો બિંદુ, તમે વિરાટમાં વસનારા,
તમે ધર્મ ધુરંધર, તમે ગીતા ગાયી, ચક્ર સુદર્શન વાળા,
દ્વારિકા વાળા...
પ્રેમ ને વશ થઇ હરજી મારો સાચવે સૌનું ટાણું,
ભરી સભામાં દ્રૌપદીના પુર્યા ચીર નવસો નવ્વાણું,
બોડાણાનું ગાડું હાંકે રે, મારો દેવ દ્વારિકા વાળો...
RIJADEJA.com વેબસાઈટના તમામ વાચકોને જન્માષ્ઠમીની ખુબ ખુબ શુભકામનાઓ...

--R. I. Jadeja

15 August, 2016

ભારતનો 70મો સ્વાતંત્ર્ય દિવસ

15 August 1947
ભારતને આઝાદ થયે આજે 70 વર્ષ થઇ ચુક્યા છે. 1947માં અંગ્રેજોએ છોડેલા આ દેશે પ્રગતિના ઘણા સોપાનો પાર કરી લીધા છે. ઉદ્યોગ, ખેતી, મેડિકલ, શિક્ષણ, ટેક્નોલોજી, અવકાશવિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, કલા, રમત-ગમત વગેરે ક્ષેત્રે આપણા ભારત દેશની એક આગવી છાપ છે.

પણ શું આ બધાની વચ્ચે 70 વર્ષ પહેલાની સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ભુલી શકાય? શું એ લોકોના બલિદાન વિના આ બધુ શક્ય હતું? આવા સેનાનીઓમાં મંગલ પાંડેથી લઇની, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, બાળગંગાધર ટિળક, લાલા લજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ, ગોપાલકૃષ્ણ ગોખલે, બટુકેશ્વર દત્ત, ખુદીરામ બોઝ વગેરેને ભુલી શકાય? આ બધા જ સ્વતંત્રતા સેનાનીઓએ આઝાદીની મજા નથી માણી અને મોટા ભાગના સેનાનીઓ ખુબ જ નાની ઉંમરમાં લડતા લડતા શહીદ થઇ ગયા. ખુદીરામ બોઝની જ વાત કરીએ તો 11 ઑગષ્ટ, 1908ના રોજ 18 વર્ષ અને 8 મહિનાની કુંમળી વયમાં તેઓને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી. જે ઉંમરમાં આપણે કોલેજમાં જઇ અને મોજમસ્તી કરીએ છીએ તેવા દિવસોમાં તેમણે હંસતે મોઢે ફાંસી સ્વીકારી દેશ માટે પોતાનું બલિદાન આપ્યું.

આઝાદી મળી ગયા પછી પણ આ આઝાદી ભોગવવા માટે દેશના લાખો સૈનિકો વિષમ તાપમાનમાં ખડે પગે દેશની રક્ષા કરે છે. જો આ સૈનિકો ન હોય તો આપણે આઝાદીની મજા ક્યારેય માણી ન શકીએ. દેશના નાગરિકો શાંતિથી સુઇ શકે તેના માટે ભારતમાતાના લાખો સપૂતો સરહદો પર ચાંપતી નજર રાખીને જાગતા હોય છે.

અને સામાન્ય લોકોને પણ દેશ પ્રેમ ક્યારે આવે છે? 15મી ઑગષ્ટ અથવા તો 26 જાન્યુઆરીના દિવસે જ... અને એ પણ કેવો? પ્લાસ્ટિકના ધ્વજ વાહનમાં લગાવીને, કે જેને ફરકાવવા માટે આપણા બંધારણમાં ખુબ જ કઠણ જોગવાઈઓ છે!!! અને એ ધ્વજ પણ ક્યા સુધી???? 24 કલાક. ત્યારબાદ એ જ રાષ્ટ્રધ્વજ રોડ પર પડેલો જોવા મળે છે.

ક્રાંતિકારીઓ, સૈનિકો અને દેશ વિશે લખવા બેસીએ તો શબ્દો પણ ટૂંકા પડે અને જગ્યા પણ... સોશિયલ મીડિયામાં હાલમાં જ આવેલો એક ખુબ જ કડવો પણ સત્ય મેસેજ અહી ટાંકવાનું મન થાય છે.

લાવ જરા ઇસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને, ફક્ત આજનો દિવસ જ તો એ પહેરવાની છે! 

RIJADEJA.com વેબસાઈટના તમામ વાચક મિત્રોને 70માં સ્વાતંત્ર્ય પર્વની ખુબ ખુબ શુભકામનાઓ…
જય હિંદ, ભારત માતા કી જય

--R. I. Jadeja

16 May, 2016

મન્ડે મ્યુસિંગ્સ - કરંટ અફેર્સની અવિરત યાત્રાના 4 વર્ષ પૂર્ણ

mm
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણા મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીને ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે. ચાર વર્ષની આ યાત્રા ખુબજ સુખદ રહી છે. વિદ્યાર્થીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત કરંટ અફેર્સ પુરુ પાડ્યાનો અમોને પણ ખુબ જ આનંદ છે. હજારો નહી પણ લાખો વિદ્યાર્થીઓ દ્વારા આ મેગેઝીનને આવકારી અને તેનો ઉપયોગ કરાયો છે અને હાલ પણ કરે છે. આ મેગેઝીનના અમુક વિશિષ્ટ લક્ષણો છે જે તેને બીજા અન્ય મેગેઝીનો કરતા અલગ પાડે છે.

કરંટ અફેર્સના આ વિશિષ્ટ મેગેઝીનને વિદ્યાર્થીઓએ ખુબ સારી રીતે આવકાર્યું તેના ઘણાબધા કારણો છે, જેને નીચે સ્વરૂપે દર્શાવી શકાય.

  1. લાંબી વાર્તાઓને બદલે નોટ્સ સ્વરૂપે ફક્ત પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ
  2. કરંટ અફેર્સ (વર્તમાન પ્રવાહો)ના લગભગ તમામ સંદર્ભને આવરી લેતુ હોવાથી અન્ય કોઇ મેગેઝીન કે સમાચારપત્ર વાંચવાની જરૂર નહી
  3. દરેક અંક સાથે MM Special નામથી વિશિષ્ટ અને અતિઉપયોગી સ્ટડી મટીરિયલ
  4. દરેક અંક સાથે પાછલા અંકમાંથી બનાવેલી ટેસ્ટ જેથી વિદ્યાર્થીઓ જૂના અંકને યાદ કરી શકે
  5. તમામ સાહિત્ય સમયસર અને પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ જેથી મોબાઇલ પર પણ જોઇ શકાય
  6. જૂના તમામ અંકો ઉપલબ્ધ
  7. આ બધુ જ તદ્દન ફ્રી...
ઉપરોક્ત તમામ પાસાઓને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓએ આ મેગેઝીનને પસંદ કર્યું છે. અમારા તરફથી પણ હરહંમેશ એવા પ્રયાસો થતા રહે છે કે આ મેગેઝીનની ગુણવત્તામાં વધુને વધુ સુધારો લાવી શકાય જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓએ આ મેગેઝીનનો લાભ લઇ પોતાની કારકિર્દી બનાવી શકે.

આ મેગેઝીન વિશે આપના અભિપ્રાય અચૂક આપશો... આ મેગેઝીન ઓનલાઇન જોવા ક્લિક કરો. 

05 March, 2016

RIJADEJA.com એન્ડ્રોઇડ એપમાં કરંટ અફેર્સ અને સ્ટડી મટીરિયલનો સમાવેશ

gk app
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

ઘણા સમયથી ગૂગલ પ્લે સ્ટોર પર RIJADEJA.comની એન્ડ્રોઇડ એપ પર રિવ્યૂ મળી રહ્યા હતા કે આ એપ્લીકેશનમાં સ્ટડી મટીરિયલ જોઇ શકાય તેવી સુવિધા કરી આપવામાં આવે. આ તમામ વિદ્યાર્થીઓની લાગણીને માન આપતા આજરોજ આપણી આ એપ્લીકેશનમાં ફક્ત સ્ટડી મટીરિયલ જ નહી પરંતુ સાથોસાથ આપણું કરંટ અફેર્સ મેગેઝીન મન્ડે મ્યુસિંગ્સ પણ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

હવેથી આ એપ્લીકેશન પર Study Material અને Current Affairs નામના બે અલગ સેક્શન ઉમેરવામાં આવ્યા છે. આ બન્ને સેક્શન દ્વારા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની અગત્યની વાંચન સામગ્રી તેમજ મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનના અંકો મોબાઇલ પર જ વાંચી શકશે.

આ સાથે એ ખાસ જણાવવાનું કે આપણી આ એન્ડ્રોઇડ એપ ગુજરાતની એકમાત્ર એવી એપ્લીકેશન છે જે ઇન્ટરનેટ વિના પણ જનરલ નોલેજ અને કરંટ અફેર્સની ટેસ્ટ આપી શકાય તેવી સુવિધા ધરાવે છે. આ એપ્લીકેશન એક જ વાર ડાઉનલોડ કર્યા બાદ જો ઇન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ તેમાં વિષયવાર ટેસ્ટ આપી શકાય છે.

આશા છે વિદ્યાર્થીઓને આ ફેરફાર અવશ્ય પસંદ પડશે તેમજ ઉપયોગી પણ થશે.

આપના સૂચનો આવકાર્ય છે... આપના સૂચનો ગૂગલ પ્લે સ્ટોર પર અથવા આ જ પેઇજ પર નીચેના ભાગમાં આપી શકો છો.

04 January, 2016

Updates in Monday Musings policy 2016


Monday Musings

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

1 જાન્યુઆરીના રોજ નવા વર્ષની શરૂઆતની સાથે જ RIJADEJA.com વેબસાઇટને પણ પાંચ વર્ષ પુરા થઇ ગયા. પાંચ વર્ષોમાં હજારો નહી પણ લાખો (2,31000થી પણ વધુ રજીસ્ટર્ડ મેમ્બર્સ) વિદ્યાર્થીઓને વિના મૂલ્યે તમામ માહિતી, માર્ગદર્શન અને વાંચન સામગ્રી (સ્ટડી મટીરિયલ) પુરુ પાડ્યાનો મને ખુબજ આનંદ છે.

RIJADEJA.com વેબસાઇટ દ્વારા વિદ્યાર્થીઓને હંમેશા કંઇક નવુ નવુ આપીને વધુ મદદરૂપ થવાનો પાંચ વર્ષનો ઇતિહાસ છે. આ બાબતમાં શોભાની વધુ એક કલગી ઉમેરતા હાલમાં જાહેર થયેલી રેવન્યું તલાટીની પરીક્ષા માટે ઓનલાઇન ટેસ્ટ સિરીઝ શરૂ કરવામાં આવી છે. દર થોડા દિવસે જનરલ નોલેજની એક ગુણવત્તાયુક્ત પ્રશ્નોની ટેસ્ટ આપવાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે અને સાથોસાથ તેઓ પોતાની તૈયારીના રસ્તા પર હાલ ક્યા છે તેનો પણ સચોટ ખ્યાલ આવી જાય છે. ગર્વ લેવા જેવી બાબત એ છે કે ગુજરાતના ઘણાખરા કોચીંગ સેન્ટરો દ્વારા પણ આ ટેસ્ટના પ્રશ્નો પોતાના નામથી પ્રિન્ટ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 

કરંટ અફેર્સ માટેની ઓનલાઇન ટેસ્ટ મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીન સાથે દર સોમવારે RIJADEJA.com વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે જ છે જે વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી થઇ રહી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે નિયમિત મન્ડે મ્યુસિંગ્સ વાંચી અને પછી ટેસ્ટ આપે જેથી તેઓને પોતાની તૈયારીનું સ્તર ખ્યાલ આવી શકે.

મન્ડે મ્યુસિંગ્સ મેગેઝીનમાં અંક નં. 190થી એક નવી પોલીસી લાગૂ કરવામાં આવી છે જે મૂજબ હવેથી છેલ્લા બે અંક એટલે કે કુલ 15 દિવસનું કરંટ અફેર્સ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે નહી, ફક્ત ઓનલાઇન જ જોઇ શકશે. ઉદાહરણ તરીકે આજરોજ અંક નં 191 પ્રસિદ્દ કરવામાં આવ્યો છે એટલે અંક નં 190 અને 191 બન્ને ડાઉનલોડ કરી શકાશે નહી. આવતા સોમવારે અંક નં. 192 પ્રસિદ્ધ થશે ત્યારે 190 નંબરનો અંક ડાઉનલોડ કરી શકાશે. આશા છે વિદ્યાર્થીઓ આ નવી પોલીસીને સમજી શકશે.

RIJADEJA.com વેબસાઇટને મળેલી ભવ્ય સફળતા માટે વેબસાઇટ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય મુલાકાતીઓ જ જવાબદાર છે. પાંચ વર્ષમાં મળેલ અભૂતપુર્વ પ્રતિસાત બદલ હું દરેક મુલાકાતીઓનો આભારી છું, ભવિષ્યમાં પણ આ વેબસાઇટ દ્વારા શ્રેષ્ઠ માહિતી, માર્ગદર્શન અને વાંચન સામગ્રી આપવાનો ખરા હર્દયથી પ્રયાસ કરવામાં આવશે જ જેની હું ખાતરી આપું છું. આપ સૌ તરફથી પણ ભવિષ્યમાં અમોને સાથ સહકાર મળી રહેશે તેવી આશા પણ રાખું છું. ફરી એકવાર આપ સૌનો ખુબ ખુબ આભાર.

આપ સૌની ઉજ્જવળ કારકિર્દી માટે ખુબ ખુબ શુભકામનાઓ...
Sincerely,
R. I. Jadeja